Abtak Media Google News

 

આજે વિશ્ર્વમાં 6300 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે: તેમનું વિચિત્ર શરીર માનવ રચના સાથે મળતું હોવાથી તેનો સંશોધનમાં અને તબિબ શિક્ષણમાં તેનો ઉપયોગ ઊંદર, સસલું અને ગીની પીંગ સાથે થાય છે

 

દેડકાનું ડ્રાઉ…..ડ્રાઉ જ ચોમાસામાં રંગત જમાવે છે. સૃષ્ટિમાં વિવિધ નાના-મોટા જીવજંતુઓ, પ્રાણીઓમાં દેડકો એક વિચિત્ર જીવ છે. તેની લોકવાયકાઓ, દંતકથાઓ આપણાં સમાજમાં ઘણી પ્રચલિત છે. તે પાણી અને જમીન એમ બંને સ્થળે જીવી શકે છે. પૂંછડી વિનાના કરોડરજ્જુવાળા પ્રાણી છે. થોડા સપ્તાહના અંતરે પોતાની ચામડી ઉતારે છે બાદમાં તે નવી આવી જાય છે. આપણી આસપાસ તે જોવા મળે તો શુભ સંકેત માનવામાં આવે છે. હિન્દુ ધર્મ પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચિનકાળમાં લોકો દુષ્કાળ સમયે તેનો અવાજ સાંભળવા પ્રાર્થના કરતાં હતાં. ફેંકશુઇ મુજબ ત્રણ પગવાળા ધાતુના દેડકાને ઘરમાં રાખવાથી દરિદ્રતા નથી આવતી.

ઋગ્વેદ ગ્રંથમાં તેને શુભ અને માંગલિક મનાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન જમીન નીચે સુસુપ્ત પડી રહીને એક સાધકની જેમ વ્રત કરતો હોય છે. વરસાદ માટે તેનો અવાજ પ્રસન્નતા લાવે છે તો એક ખાસ પ્રકારનો અવાજ તે ચોમાસાના આગમને કરે છે. દેડકાનો અવાજ વર્ષા સુચક છે.

265 કરોડ વર્ષ પહેલા પણ દેડકા જોવા મળ્યાના અશ્મિરૂપે પુરાવા છે: તે ખોરાક-પાણી વગર બેભાન અવસ્થામાં જમીન નીચે પડ્યો રહે છે: તેને કાન નથી હોતા પણ આંખ પાસેના છીદ્રોથી તે સાંભળી શકે છે

એક વિચિત્ર મોટા અવાજથી વરસાદના આગમનની છડી પોકારે તે દેડકો. પૂંછડી વગરની આ પ્રજાતિઓ વિશ્ર્વભરમાં 6300 જેટલી જોવા મળે છે. સંશોધનકારના મત મુજબ પૃથ્વી પર 265 કરોડ વર્ષ પહેલા પણ તેનું અસ્તિત્વ જોવા મળ્યું હતું, પ્રાચિન ગ્રીકમાં જોવા મળતાં હતા. સમગ્ર દુનિયા સાથે ભારતમાં પણ વિવિધ કલરના ચિત્ર-વિચિત્ર દેડકા જોવા મળે છે. તેમનું વિચિત્ર શરીર માનવ રચના સાથે મળતું હોવાને કારણે સંશોધનમાં તબિબ શિક્ષણમાં તેનો ઉપયોગ ઊંદર, સસલુ અને ગીની પીંગ સાથે થાય છે. તબિબી શિક્ષણમાં બેઝીક સમજણ માટે તેનો ઉપયોગ આજકાલ થતો જોવા મળે છે.

ગ્રંથીઓની ચામડીને કારણે આપણને ગમતું નથી વિવિધ કલરો સાથે રંગ બદલતા દેડકા પણ પૃથ્વી પર છે. ભૂરા, લીલા, ચમકતા, લાલ, પીળા અને કાળા રંગના દેડકા શિકારીથી બચવા છલ કપટ પણ કરતાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિ વૃક્ષ પર પણ રહે છે. તે સામાન્યરીતે પાણીમાં ઇંડા આપે છે, તે શાકાહારી સાથે સર્વાહરી પણ છે. મોટા ભાગે નાના જીવ-જંતુ તેનો મુખ્ય ખોરાક છે. આપણા સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિમાં તેનું મહત્વ વિશેષ જોવા મળે છે. 1950 તેની વસ્તીમાં ઘણી ગીરાવટ જોવા મળી હતી. આ ગાળામાં 120 જેટલી પ્રજાતિ નષ્ટ પામી હતી. વિશ્ર્વમાં અમૂક જગ્યાએ 325 કિલોના વિશાળ દેડકા પણ જોવા મળે છે.

દેડકા વિશે અવનવી વાતો સાથે ઘણી લોક વાયકા પણ આમ જનતામાં જોવા મળે છે. તે પૃથ્વી પર 265 કરોડ વર્ષ પહેલા જોવા મળ્યાના અશ્મિઓરૂપે પૂરાવા છે. દેડકો પૂંછડી વગરનું કરોડરજ્જુવાળી પ્રાણી છે. તેમનાં ઇંડામાંથી ટેડપોલ તરીકે નીકળે છે અને પાણીમાં જીવે છે તેને ત્યારે પૂંછડી હોય છે. દેડકો ચામડી દ્વારા શ્ર્વાસ લેવાની ક્રિયા કરે છે. 7.7 મી.મી.થી 12 ઇંચના દેડકા પણ જોવા મળે છે.

દેડકો ખોરાક-પાણી વગર અવસ્થામાં જમીન નીચે પડ્યો રહે છે અને પાણી મળતાં જાગૃત બને છે. તે સુસુપ્ત અવસ્થામાં મહિનો સુધી પડ્યો રહે છે. તેમનો ડ્રાંઉ ડ્રાંઉ અવાજ જાણીતો છે, ઘણીવાર ગળું ફૂલાવીને દૂર સુધી સંભળાય તેમ અવાજ કરે છે. તેને કાન હોતા નથી પણ આંખ પાસેના છિદ્રોથી તે સાંભળી શકે છે. તેની આંખ ઉપર ત્રણ પોપચાના પડ હોય છે. જે પૈકી પારદર્શક પડ પાણીમાં ડૂબકી લગાવે ત્યારે બંધ કરે છે. તે થોડા સમયે ચામડી ઉતારે છે જે બાદમાં નવી આવી જાય છે. તેને જડબા ઉપર બે દાંત હોય છે. તેનાથી તે ખોરાકને પકડી ગળે ઉતારે છે, દેડકો ક્યારેય ખોરાક ચાવતો નથી.

દેડકાની આંખો મોટી હોવાથી અને માથા ઉપર બંને તરફ ઉપસેલી હોવાથી તે ચારે દિશામાં જોઇ શકે છે. તે જમીન અને પાણી એમ બંનેમાં રહી શકે છે. પૂંછડીવાળા ટેડપોલનો વિકાસ થતાં ચાર પગ આવેને પૂંછડી નાશ પામે છે. હાલ વિશ્ર્વમાં છેલ્લા સંશોધન મુજબ 4800થી વધુ પ્રકારનાં દેડકા દુનિયામાં વસવાટ કરે છે. જાંબુડીયા કાચબા તેમનું આખુ જીવન ભૂગર્ભમાં જ વિતાવે છે. તે થોડા દિવસ જ જમીન સપાટી પર આવે છે.

દેડકા વિશ્ર્વમાં બધે જોવા મળે છે

સમગ્ર પૃથ્વીના દેશોમાં દેડકાનું અસ્તિત્વ છે. આપણાં દેશમાં પણ 7 પ્રકારના દેડકામાં સાદાગ્રે, લીલા, પીળા, ડેનાટાઇન રીડ અને મોંગોલિયન ટોડ્સ જેવા જોવા મળે છે. ભારત સાથે રશિયા, એશિયા, યુરોપિયન, કઝાકિસ્તાન વિગેરે દેશોમાં પણ જોવા મળે છે. જો કે આપણાં દેશમાં વ્યાપકપણે સામાન્ય ગ્રે જોવા મળે છે જે જંગલ અને મેદાનવાળા વિસ્તારમાં વસે છે. દેડકાનું જીવન કેવી રીતે જીવે છે સાથે આપણને કેમ ભાગ્યે જ જોવા મળે છે તે પણ રસપ્રદ બાબત છે. તેઓમાં છૂપાય જવાની ગજબની કલા છે. તેઓ શિકારીથી બચવામાં સફળ થાય છે. દેડકાના કદ તેની વિવિધ પ્રજાતિઓ ઉપર આધારિત છે. ઉત્તર અમેરિકામાં મોટો દેડકો અને આફ્રિકન દેડકો પણ મોટો હોય છે. માઇક્રોફોગ દેડકા નાની પ્રજાતિના હોય છે. તેઓ ઘાસ, પાંદડા અને વૃક્ષની ડાળીઓ જેવો કલર ધારણ કરતાં હોવાથી આપણને દ્રષ્ટિથી પણ દેખાતા નથી. તેના કોષો તેને રંગ બદલવામાં મદદ કરે છે. તેની ખાસ ગ્રંથીઓ દ્વારા સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે ખૂબ જ ઝેરી અને આરોગ્ય માટે ખતરારૂપ હોય છે. તેની તેજસ્વી રંગવાળી ત્વચા ઝેરી અસર સૂચવે છે. તેઓ મુખ્યત્વે અંધારામાં શિકાર કરે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.