Abtak Media Google News

ગુજરાતી રંગભૂમિની ટેલેન્ટેડ અભિનેત્રીઓના જ્યારે જ્યારે નામ બોલાશે ત્યારે ત્યારે રાગિણી શાહ નું નામ અચૂક લેવાશે. ચાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 નાં 100 માં લાઈવ સેશનમાં, ગઈકાલે ગુજરાતી રંગભૂમિના સુપ્રસિધ્ધ અભિનેત્રી અને લોકલાડીલા રાગિણીબેન શાહ પધાર્યા. જેમનો વિષય હતો જુદા જુદા દિગ્દર્શકો પાસેથી હું શું શીખી ?  રંગભૂમિના લગભગ તમામ નામાંકિત અને શ્રેષ્ઠ કહેવાતા દિગ્દર્શકો સાથે કામ કરી ચૂકેલા રાગીણી બેને પોતાની વાતની શરૂઆત કરતાં જણાવ્યું કે છેલ્લા 45 વર્ષથી હું ગુજરાતી રંગભૂમિ,સિરિયલ,ફિલ્મો સાથે જોડાયેલ છું.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ચાય-વાય અને રંગમંચ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

નાટક, સીરીયલ અને સિનેમાના અસંખ્ય દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. દરેકના સાથેના કામ કરવાના અનુભવો જુદા જુદા છે. કેમકે દરેક નિર્માતાની પોતાની સૂઝબૂઝ કાર્યશૈલી કામ કરવાની રીત અને સ્વભાવ બધું અલગ હોય છે. દરેક પાસેથી કંઈક શીખવા મળ્યું છે. તે છતાંય આજે લાગે છે કે હજુ મારે ઘણું શીખવાની જરૂર છે. ઘણું જાણવાનું બાકી છે. એમ લાગે છે કે હજુ તો માત્ર પા પા પગલી ભરી છે.

કલાકાર માટે નાટક ક્ષેત્ર અખૂટ ભંડાર છે જેટલું શીખો એટલું ઓછું છે. વિષય પ્રમાણે ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શકની વાત કરતાં રાગીણી બહેને જણાવ્યું કે દિગ્દર્શક એટલે નાટકનો આધાર સ્તંભ, નાટકના અલગ અલગ પાસાઓની જવાબદારી દિગ્દર્શકના માથે હોય છે. વિષયની પસંદગીથી માંડી નાટક કેટલા અંકનું હોવું જોઈએ, નાટક માં કેટલા સીન કે દ્રશ્ય હોવા જોઈએ, દરેકે દરેક સીનના મધ્યાંતર કે નાટકના અંતની પ્રેક્ષકો પર શું અસર થશે એ દરેકની બારીકાઈથી માવજત કરે છે દિગ્દર્શક.

દરેક કલાકાર અને દિગ્દર્શક વચ્ચે સ્પષ્ટતા હોવી જોઈએ. બંને એકબીજાને સારી પેઠે સમજતાં હોવા જોઈએ. ઘણા કલાકારમાં ખૂબીઓની સાથે ખામીઓ પણ હોય છે. ત્યારે દિગ્દર્શક એ કલાકારની ખામીઓને પણ ખૂબી બનાવીને પ્રેક્ષકો સામે રજૂ કરે છે. દિગ્દર્શક નાટકનું એક એવું અદૃશ્ય પાત્ર છે જે નાટકના દરેક ભાગને પ્રેક્ષકો સુધી પહોંચાડે છે. વાતનો દોર આગળ વધારતા રાગિણીબેને કહ્યું 1973 માં જ્યારે હું સ્કૂલમાં દસમા ધોરણમાં હતી. ત્યારે મને અચાનક જ કોમેડી નાટક ડાર્લિંગ ડાર્લિંગ માં અભિનય કરવાની તક મળી, મારા મમ્મી પુષ્પા શાહ પણ એ નાટકમાં કામ કરતા હતા, એકાદ કલાકારના રીપ્લેસમેન્ટ કરવાનું મારા ભાગે આવ્યું હતું.

એ પહેલા જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે એક હિન્દી ફિલ્મમાં અભિનય કરવાની તક મળી હતી. જેમાં નાનકડી બાળકીનો રોલ હતો અને તેણે રડતા રડતા સંવાદ બોલવાનો હતો. મારી સામે એ વખતના મોટા કલાકાર નિરૂપા રોય હતા. અભિનયની ત્યારે વધુ સમજ નહોતી, દિગ્દર્શકે મને સમજાવી, મેં સંવાદ કર્યા, નિરૂપા બેને ત્યારે મને કહ્યું એક જ ટેક માં આખો સીન ઓકે થવો જોઈએ અને દિગ્દર્શક એક્શન બોલે એ પહેલા જ નિરૂપાજી એ મારા પગ પર જોરદાર સોટી મારી. જેથી દર્દપીડાથી આંખમાં પાણી આવી ગયા, હું રડી પડી અને મારા સંવાદો રડતા રડતા બોલી અને એ શોર પહેલાં જ ટેકમાં ઓકે થયો. ત્યારબાદ નિરૂપાજી એ તરત મને ખૂબ વ્હાલ કર્યું.

ચોકલેટ આપી મને સમજાવી, પટાવી અને કહ્યું કે તારાઅભિનયમાં રિયાલિટી આવે એ માટે મેં આમ કર્યું હતું. એ હતો અભીનય નો પ્રથમ પાઠ. ગુજરાતી નાટકમાં ચીતરેલા સુરજ મારું પ્રથમ નાટક જેના દિગ્દર્શક હતા શૈલેશ ભાઈ દિગ્દર્શક તરીકે એમની પાસે હું ઘણું શીખી. રીડીંગ વખતે અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, કેમ ચાલવું, બોલવું, ઉભા રહેવું એ બધું જ શીખી. દીપક ઘીવાલા પાસે સંવાદ કેમ બોલવા લાફ્ટર આવે તો કેમ અટકવું ? મારું ગુજરાતી ચોક્ખું નહોતું, શુદ્ધ અને ચોક્ખા શબ્દો બોલતા શીખવ્યું. ગુજરાતી વાંચન કરતા શીખી અને ગુજરાતી સુધારવામાં દિગ્દર્શક તરીકે દીપક ઘીવાલાનો સપોર્ટ મળ્યો.

સુરેશ રાજડા વિષે જણાવ્યું કે ટેકનીકલી એ હમેશા સજ્જ રહેતા અને ક્યારેય ગુસ્સે થતા નથી જોયા, પરેશ રાવલ વિષે જણાવ્યું કે એ ખુબ જ શાંત માણસ, ક્યારેક ગુસ્સે થાય તો પણ અમને, લેડીઝને બ્હાર જવા કહેતા.અમારી સામે ક્યારેય અપશબ્દો નહોતા બોલતા. આવી અનેક દિગ્દર્શક સાથેની ઘટનાઓની નાની મોટી જાણવા જેવી વાતો આજે રાગીણી બેને ચાયવાય એન્ડ રંગમંચ નાં 100 માં સેશનમાં કરી. જે દરેક કલાકાર કસબીએ જાણવા અને સમજવા જેવી છે.

આજે લોકસાહિત્યના સંશોધક જોરાવરસિંહ જાદવ લાઈવ આવશે

Facebook 1626809831183 6823334982171651515

કોકોનટના ચાય-વાય અને રંગમંચ શ્રેણીના 101મા એપીસોડમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને લોકસાહિત્યના સંશોધક એવા પ્રખ્યાત લેખક જોરાવરસિંહ જાદવ સાંજે 6 વાગે  લાઈવ આવશે.તેઓને ગૌરવ પુરસ્કાર સાથે મેઘાણી  એવોર્ડ અને સાહિત્ય અકાદમી પારિતોષોષક પણ મળે છે.  આજન સેશનમાં તેઓ ‘ગુજરાતી ફોક કલ્ચર અને  ફોક આર્ટ’ વિષયક પોતાની જ્ઞાનસભર વાતો અનુભવો  દર્શકો સમક્ષ શેર કરશે. જોરાવરસિંહ જાદવ જાણીતા લેખક અને વાર્તાકાર છે. વિવિધ કલાક્ષેત્રે  તથા નાટ્યકલા સાથે આપણી પ્રાદેશીક લોક કલામાં રસ ધરાવતા યુવા કલાકારો અને આ પરત્વે  રસ ધરાવતાઓએ આ  સેશન જોવા જેવું છે.

આપણા ગુજરાતનાં ફોક કલ્ચર અને ફોક આર્ટ વિશે નવી પેઢીએ ખાસ જોવા જાણવાની જરૂર છે. આ વિષયક લેખક જોરાવરસિંહ જાદવનાં શ્રેષ્ઠ પ્રયાસો છે.

રાગીણી બેને સુંદર વાતોની સાથે સાથે માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો રાગીણી શાહ આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.