દેશના જવાનોની સેવાથી મહાન કાર્ય બીજું કોઇ જ નથી: આચાર્ય દેવવૃતજી

કચ્છના ધર્મશાળા ખાતે શહીદ સ્મારક પર શહીદોને શ્રઘ્ધાસુમન અર્પણ કરતા રાજયપાલ

કુરન ખાતે રાજયપાલના આગમનથી ગ્રામજોનમાં હરખની હેલી

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના  ધર્મશાળા ખાતે આવેલા શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા શહીદ સ્મારક ખાતે દેશના શહીદ જવાનોને ભાવાંજલી અર્પિત કરી હતી.વોર મેમોરિયલની મુલાકાત બાદ રાજ્યપાલે દેશના સીમાડાઓની રાત દિવસની પરવાહ કર્યા વિના નિસ્વાર્થ ભાવે દેશભક્તિ સાથે સેવા બજાવતા સીમા સુરક્ષા બલ (બી.એસ.એફ) ના બટાલિયન 3ના જવાનો સાથે સંવાદ કર્યો હતો.

કચ્છથી લઈને ક્ધયાકુમારી અને ગુજરાતથી આસામ સુધી ભારત માતાની સુરક્ષા કરનારા જવાનો સાચા અર્થમાં ધન્યવાદને પાત્ર છે. આ જવાનો જે પોતાના માટે નહીં પરંતુ અન્યને પોતાના કરીને જીવન જીવતા હોય છે. જે લોકો માનવતાની અને દેશની સેવા માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખતા હોય છે તેનું જીવન જ ખરા અર્થમાં સાર્થક બની જતું હોય છે, તેમ રાજ્યપાલે કહ્યું હતું.

રાજ્યપાલે વેદોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જ્યારે જ્યારે દુશ્મનોએ ભારતને નીચું બતાવવાની કોશિશ કરી છે ત્યારે આપણા જવાનોએ તેમના ઘરમાં જઈને તેમના દાંત ખાટા કરી નાખ્યા છે. દરેક  ભારતવાસીઓ આ બાબતે ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. દેશની સરહદોની રક્ષા માટે બીએસએફ અને તેના જવાનોએ આપેલું યોગદાન ક્યારેય નહીં ભુલાય. બાર મહિના અને 24 કલાક નક્સલવાદ, આંતરિક બાબતો, દુ:ખદ પરિસ્થિતિમાં બી.એસ.એફના જેવાનો દેશ કાજે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે, તેમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતુ.બીએસએફના જવાનોની વીરતા, શોર્ય અને કર્તવ્યપરાયણતાએ દેશના લોકોમાં એક અનેરો આત્મવિશ્વાસ જન્માવ્યો છે. 24 કલાક સીમા પર ટાઢ, તાપ, વરસાદની પરિસ્થિતિનો સામનો કરીને દરેક સંજોગોમાં રાષ્ટ્રને સર્વોપરી માનીને સેવા આપતા દેશના જવાનોની સેવાથી મહાન કાર્ય બીજું કોઈ જ નથી, તેમ રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ કહ્યું હતું.આ તકે આચાર્ય દેવવ્રતજીએ રૂ.31 હજાર બીએસએફના જવાનો માટે પુરસ્કાર રૂપે અર્પણ કર્યા હતા. આ તકે રાજ્યપાલે દેહરાદૂનના માનસિંગ તોમરને શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેમનું સન્માન કર્યું હતું.

આ તકે રાજ્યપાલે  બટાલિયન કમાન્ડન્ટજી. આર. સિંઘ સહિત ઉપસ્થિત જવાનો સાથે હાઈ-ટીનો આનંદ માણી, તમામ જવાનોને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સરહદી ગામ કુરનની સૌપ્રથમવાર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.કુરન ગામની ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. રાજ્યપાલના આગમનથી ગ્રામવાસીઓમાં હરખની હેલી જોવા મળી હતી. આ તકે ગ્રામજનો સાથે સંવાદ દરમ્યાન રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે કુરન એ ગુજરાતનું છેલ્લું નહી, પ્રથમ ગામ છે અને સીમાની સુરક્ષામાં સેનાના સૈનિકોની જેમ કામ કરતાં તમામ ગ્રામવાસીઓને પ્રત્યે સમગ્ર દેશ સન્માનની ભાવના સાથે તેમના વિકાસમાં સહભાગી થવા તત્પર છે.