કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી, તકેદારી આવશ્યક: ડો.દિગ્વિજયસિંહ

બીએફ-7 એક વ્યક્તિ 18 વ્યક્તિને સંક્રમિત કરે: ઓમીક્રોન જેવા લક્ષણો

રસીકરણથી નવા વેરિયન્ટ સામે સુરક્ષા: કોવિડ અનુરૂપ વ્યવહાર અપનાવવો પડશે

કોરોનાના નવા વેરિયન્ટ BF7 નામના વાયરસે ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન સહિત દેશોમાં ચોથી દસ્તકથી દુનિયામાં હડકંપ મચી ગયો છે. કોરોનાના નવા વેરિયન્ટે ભારતમાં પણ દેખા દીધી છે. આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખવી આવશ્યકત છે. તેમ રાજકોટની ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે.

BF7 એ BF5 ઓમિક્રોનનું સબ વેરિયન્ટ છે. જે વિશ્ર્વમાં ઓક્ટોબર મહીનાથી જોવા મળેલો છે. તે અત્યારે યુરોપ, અમેરિકા અને ચાઇનામાં ડોમિનન્ટ વેરિયન્ટ છે. ભારતમાં ઓક્ટોબર મહિનામાં તે જોવા મળેલો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં અસર કરી શકે અથવા તો ન પણ જોવા મળે તેવી આશંકા છે.

ભારતમાં બે વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં રસીકરણથી નેચરલ ઇન્ફેક્શન થવાથી કોવિડ સામેની ઇમ્યુનિટી ઊંચા પ્રમાણમાં છે. તેથી નવા વેરિયન્ટ સામે પણ ઇમ્યુનીટી મદદ કરી શકે તેવી શક્યતા છે.

ચીનમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવાનું કારણ ત્યાં નેચરલ ઇમ્યુનીટીનો અભાવ છે જે Zero Covid નિતી તથા નબળા વેક્સિનેશનને કારણે છે.

BF7 ના ચિન્હો શું છે?

તેના ચિન્હો ઓમિક્રોન જેવા જ છે. તાવ, શરદી, ગળામાં દુખાવો, ઉધરસ, ઝાડા-ઉલ્ટી લક્ષણો છે.

કેટલી ઝડપથી ફેલાય છે?

આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતા ખુબ વધુ ઝડપથી ફેલાય છે. તેની R Value18 છે. જે અગાઉના વેરિયન્ટમાં 4 હતી, તેનો મતલબ એક વ્યક્તિ 18 વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. મોટા ભાગના વ્યક્તિઓમાં હળવા લક્ષણો દેખાય છે.

પરંતુ મોટી ઉંમરની વ્યક્તિઓ તથા કોમોર્બીડ કંડીશન જેમ કે ડાયાબીટીસ, કેન્સર, કિડની, લિવર, હૃદ્યની સમસ્યા વાળા વ્યક્તિઓને ગંભીર લક્ષણો અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા રહેલા છે.

BF7 વેરિયન્ટ સામે શું તકેદારી રાખવી?

અત્યારના સંજોગોમાં વિદેશ પ્રવાસ ટાળવા. ભીડવાળી જગ્યાએ જવું ટાળવું. હેન્ડ હાઇજીન રાખવી. માસ્કનો નિયમીત ઉપયોગ કરવો, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવો.

ભવિષ્યમાં પણ કોવિડના નવા વેરિયન્ટ્સ આવતા જ રહેશે. આપણે કોવિડ સાથે જ જીવવાનું છે. આગામી વર્ષો સુધી આપણે પરિસ્થિતી પ્રમાણે કોવિડના કેસો વધવાની સાથે કોવિડ અનુરૂપ વ્યવહાર અપનાવવાની તૈયારી રાખવી પડશે. તેમ અંતમાં ડો.દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે.