છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી મોહન રાઠવાએ પોતાના ચાર વીઘા જમીનમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મોહન જણાવે છે કે પ્રથમ વર્ષે ચોળીનું વાવેતર કર્યું હતું ત્યારે તેમાં બીજામૃતનું પટ આપ્યું હતું. એ વર્ષે ચોળીનું સારું ઉત્પાદન મળ્યું હતું અને બીજા વર્ષે ભીંડાના પાકનું વાવેતર કર્યું હતું. બે વર્ષથી શેરડી,ડાંગર અને મકાઈનું વાવેતર કરે છે.
પ્રાકૃતિક કૃષિની વાત કરતા તેઓ જણાવે છે કે, છોટાઉદેપુરમાં આત્મા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા સમજાવવામાં આવ્યું કે રસાયણિક કૃષિથી જમીનની ફળદ્રુપતા ઘટે છે ઉપરાંત ખેતી ખર્ચ પણ વધે જ્યારે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોથી ખેતી કરતા જમીન ફળદ્રુપ બને છે અને ખર્ચ નહીવત થાય છે. આમ પ્રાકૃતિક કૃષિના લાભ જોતા પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરી તો જમીનમાં પણ સુધારો થવા લાગ્યો. ખર્ચ ઘટવાના કારણે આવકમાં વધારો થયો છે.
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની વાત કરતા મોહનએ જણાવ્યું કે, વાવણી વખતે જમીનમાં ઘનજીવામૃત નાખું છુ, વાવણી બાદ પાણીમાં જીવામૃત મિક્ષ કરી ક્યારામાં આપું છું. ભ્રમાસ્ત્ર, નિમાસ્ત્રનો ઉપયોગ કરી મકાઈ, શેરડીમાં થતી જીવાત પર નિયંત્રણ કરીએ છીએ. મારી પાસે પોતાનું શેરડીનો રસ કાઢવાનું મશીન છે જેનાથી શેરડીના રસ કાઢી વેચાણ કરું છું. સાથે ગ્રાહકોને છૂટકમાં ૪૦ રૂપીયાનો એક દંડો પ્રમાણે વેચાણ કરીએ છીએ. આ વખતે અમને 35 થી 40 હજારની શેરડીમાંથી આવકનો અંદાજ છે.
મારા ઘરમાં ૪ દેશી ગાય છે. જેમાં ૫ લીટર ગૌ મૂત્ર, ૫ કિલો ગોબર, બેસન અને ઝાડ નીચેની માટી મિક્સ કરી ઘડીયાળના કાંટાની દિશામાં ફેરવીએ છીએ. તે બનાવી ખેતરમાં ઉપયોગ કરીએ છીએ, જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા જીવાણું નાશ પામતા નથી અને જમીન ફળદ્રુપ અને પોચી થાય છે.
પ્રાકૃતિક કૃષિનો ખેડૂતોને સંદેશ આપતા મોહન જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી જીરો બજેટની છે તેમાં કોઈ ખર્ચ થતો નથી. દરેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી પોતાનું અને બીજાનું સ્વાસ્થ્ય સાચવી શકે છે.