Abtak Media Google News
  • પુસ્તકો, ડ્રેસ, શિષ્યવૃત્તિ જેવી તમામ સુવિધાથી સજ્જ આ શાળામાં ક્વોલિફાઇડ શિક્ષકો કરાવે છે અભ્યાસ
  • કોલેજના ઉચ્ચ અભ્યાસ તથા સી.એ. જેવા કોર્ષ માટે તેજસ્વી છાત્રોને દાતા ફી ભરી આપે છે: શૈક્ષણિક પ્રવાસનો પણ વિનામૂલ્યે લાભ મળે છે

રાજકોટ શહેર આજે સૌરાષ્ટ્રનું શિક્ષણ હબ બની ગયું છે ત્યારે ‘અબતક’ના કેમેરામાં કેદ થયેલી તસ્વીર જોઇને બધાને ખાનગી શાળાને ટક્કર મારે તેવા અદ્યતન સુવિધા સભર બિલ્ડીંગો જોવા મળે છે. આજના યુગમાં શિક્ષણ દિન પ્રતિદીન મોઘું થતું જાય છે ત્યારે શિક્ષણ સમિતિની 84 પ્રાથમિક શાળા અને ત્રણ અંગ્રેજી માધ્યમની શાળામાં 31 હજારથી વધુ છાત્રો ધો.1 થી 8માં અભ્યાસ કરી રહ્યા છે. આ છાત્રોને 860થી વધુ ક્વોલિફાઇડ નિષ્ણાંત શિક્ષકો ભણાવી રહ્યા છે. જેમાં દરેક શાળામાં અદ્યતન ભૌતિક સુવિધામાં સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, કોમ્પ્યૂટર લેબ જેવી સવલતો સાથે પાઠ્યપુસ્તક ડ્રેસ, સ્કૂલ બેગ સાથે શૈક્ષણિક કીટ મફ્ત અપાય છે. કોઇપણ જાતની ફી લેવાતી નથી. સરકારી શાળાનાં અદ્યતન બિલ્ડીંગો હવાઉજાસ સાથે વિશાળ ગ્રાઉન્ડ અને સુંદર ગાર્ડનની સુવિધા ધરાવે છે.

Img 20220629 Wa0001

‘અબતક’ના કેમેરામાં અંબાજી કડવા, પી.ડી.એમ.કોલેજ પાછળના વિસ્તારની શ્યામાપ્રસાદ મુખરજી શાળા નં.69 અને સરોજીની નાયડું ગર્લ્સ હાઇસ્કૂલની તસ્વીર જોવા મળે છે. આ પ્રાંગણમાં 700થી વધુ છાત્રો ધો.1 થી 12 સુધી અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવી અદ્યતન સ્કુલો નિર્માણ થઇ છે.

ધો.9 થી 12ના છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે દાતા તરફથી ફીનો આર્થિક સહયોગ મળતા કુલ 50થી વધુ છાત્રાઓને સી.એ. જેવા વિવિધ કોર્ષ માટે લાખેણી ફી ભરી અપાય છે. તેમ ‘અબતક’સાથેની વાતચિતમાં શાળાનાં આચાર્ય સોનલબેન ફળદુએ જણાવ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ લેટેસ્ટ સુવિધા શાળાઓમાં કરાતા વાલીઓને હવે સરકારી શાળાનું આકર્ષણ વધ્યું છે. આજે ઘણા લોકો ખાનગી શાળામાંથી નામ કઢાવીને આ શાળામાં પોતાના સંતાનોના નામ નોંધાવે છે.

શાળા નં.69માં કોર્પોરેશન દ્વારા અદ્યતન ગાર્ડન બનાવાતા છાત્રોને વૃક્ષોના પ્રાકૃત્તિક વાતાવરણમાં શિક્ષણ લેવાની મોજ પડી જાય છે. પ્રાથમિક શાળામાં ધો.1/2 માટે યજ્ઞા વર્ગ અને ધો.6 થી 8ના ઉચ્ચ પ્રાથમિકમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા વિષય માટે વિષય નિષ્ણાંત શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. આ બધી સુવિધા તદ્ન મફ્ત હોવાની વાત ‘અબતક’ સાથે શાળાના આચાર્ય વિજય ઘાટલીયાએ જણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.