“કડવી” ચા ઉપર કુદરત રીઝતા ચુસ્કી ‘લિજ્જતદાર’ બનશે, આ છે કારણો

શિયાળુ વરસાદના આ સમયગાળા દરમિયાન ૨૦૨૧ માટે ચાનું ઉત્પાદન મબલખ થાય તેવા સંજોગો

ચ્હા…ની ચાહત હવે વ્યાપક બની છે. ચા ની ચૂસ્કી મજેદાર, આનંદ અને મુડ ફ્રેસર તરીકે રહેવાનો રીવાજ ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્રચલીત છે ત્યારે આ વખતે કુદરત રીઝતા ચાનું ઉત્પાદન અને ગુણવત્તા ખુબજ સુધારા ઉપર આવે તેવા સંજોગોએ ચુસ્કી લીજ્જતદાર બની રહેશે. છેલ્લા કેટલાક સમયથી ચાના ઉત્પાદન સામે ઉભી થયેલી પ્રતિકુળ અસરોને લઈને છુટક ચાના ભાવમાં તોતીંગ વધારો આવ્યો હતો. હવે કુદરત રીઝતા ચાનું ઉત્પાદન વધે તેવા સંજોગોમાં ઉજળા બન્યા છે.

ચાના ઉત્પાદક રાજ્યોમાં એક મહિનાના લાંબા સુસ્ક વાતાવરણ બાદ ફરીથી શિયાળુ ચોમાસાને લઈને ભેજ ભર્યું ચાને અનુકુળ વાતાવરણ ઉભુ થયું છે. ચા ઉગાડતા રાજ્યોના પટ્ટામાં પં.બંગાળ સહિતના વિસ્તારોમાં શિયાળુ વરસાદના આ સમયગાળા દરમિયાન ૨૦૨૧ માટે ચાનું ઉત્પાદન મબલખ થાય તેવા સંજોગો ઉભા થયા છે. શિયાળાના સમયનો ભેજ ચાની બગીચાની જમીનને તરોતાજી રાખે છે. અત્યારના સમયનો વરસાદ ચાના ઉત્પાદન માટે ખુબજ અનુકુળ સાબીત થશે. ચા એસોસીએશનના પી.કે.ભટ્ટાચાર્યજીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની મંદીના કારણે ચાનો ઉદ્યોગ ભારે કટોકટીમાંથી પસાર થયો હતો, હવે કુદરત રીઝતા દુ:ખના દિવસો દૂર થશે અને શિયાળુ વરસાદ ચાના ઉત્પાદનમાં વધારો કરશે. ચાના છોડવાઓ માટે શિયાળુ વરસાદ ખુબજ આશિર્વાદરૂપ સાબીત થાય છે. આ વરસાદથી ચાના બગીચામાં સિંચાઈનો ખર્ચ ઘટી જાય છે અને સરેરાશ ૨૦ ટકા જેટલી ઉત્પાદન ખર્ચ ઘટી જવાથી ચાનું ઉત્પાદન સસ્તા દરે થાય છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ૧ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન દાર્જલીંગ અને જલપાઈગુડીમાં ૨૧ થી લઈ ૩૬ ટકા જેટલું ભેજનું વાતાવરણ હતુ પરંતુ હવે વરસાદથી ૧૨૦૦ ગણુ વધુ ભેજ રહેતા ચાના બગીચાઓમાં લહેરકી પ્રસરી ગઈ છે. ચાના બગીચાઓના વિસ્તારમાં શિયાળુ વરસાદના આ રાઉન્ડથી ચાના છોડવાઓમાં ભારે વૃદ્ધિ અને પ્રથમ વીણીમાં મબલખ ઉત્પાદન થશે તેમ કૃષિ વૈજ્ઞાનિક ડો.એ.સી.કબીરે જણાવ્યું હતું.

ઔદ્યોગીક રીતે જોવા જઈએ તો કડકડતી ઠંડીના શિયાળાની ઋતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચાની વીણીનું કામ થતું હોય છે. હવે ભારે વરસાદ અને અનુકુળ વાતાવરણના કારણે ચાના બગીચાઓને પાણી આપ્યા વગર જ ફેબ્રુઆરીથી માર્ચ સુધી નવી કુપણો આવવાના કારણે પ્રથમ વીણીમાં જ ૨૦ ટકા જેટલી ઉત્પાદન વૃદ્ધિ થશે. સાથે સાથે ૩૦ ટકાથી વધુ આવક વધશે. પં.બંગાળના ચા ઉત્પાદક વિસ્તાર દાર્જલીંગના પહાડી વિસ્તારોમાં જ ૪૦૦ મીલીયન કિલો ચાનું ઉત્પાદન થાય છે તે ભારતના કુલ ઉત્પાદનના ૨૫ ટકા જેટલું થાય છે. સમગ્ર વિસ્તારમાં અત્યારે સાનુકુળ વાતાવરણના કારણે ૨૦૧૮-૧૯ અને ૨૦ કરતા આ વખતે મબલખ પાક ઉતરે તેવા સંજોગો ઉભા થતાં ચાનું ઉત્પાદન વધશે અને ચા સસ્તી થશે.

Loading...