Abtak Media Google News

કોંગ્રેસમાં ખળભળાટ મચાવનાર જી-23 જૂથના આઝાદ, શર્મા અને તિવારીના નામોની સ્ટાર પ્રચારકોના યાદીમાંથી બાદબાકી

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… દેશના રાજકારણમાં કોંગ્રેસ અત્યારે અંતિમ શ્ર્વાસ લઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં દિવસે દિવસે સંકેલાઈ રહેલી કોંગ્રેસમાં ટોચની નેતાગીરી અને ખાસ કરીને લેટરબોંબના સર્જક જી-23 નેતાઓને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બાદ કરી નાખ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને મનિષ તિવારી જેવા દિગ્ગજોના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. પં.બંગાળ, આસામના ચૂંટણી પ્રચાર માટેની યાદીમાંથી આ નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે.

શુક્રવારે ચૂંટણીપંચ સમક્ષ મુકવામાં આવેલા સ્ટાર પ્રચારકોના નામની યાદીમાં ગાંધી પરિવારના સભ્યો, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને યુવા પ્રવકતા જયવીર શેરગીલના નામો બે રાજ્યોની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં આવ્યા હતા. આ યાદીમાં ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા કે જેઓ રાજ્યસભાના વિપક્ષના નેતા હોય તેમના નામ દેખાયા ન હતા.

જો કે દિગ્ગજ નેતાના નામની બાદબાકી અંગે પક્ષે બચાવ કર્યો હતો કે, આ નામોની યાદી જે તે રાજ્યોના પ્રદેશના નેતાઓએ સુચવ્યા હોય તે મુજબ તૈયાર કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ જણાવ્યું હતું કે, આ યાદી ચૂંટણીને ધ્યાને લઈ બનાવવામાં આવી છે. હજુ 5 રાજ્યોની ચૂંટણી બાકી છે. મોટા નેતાઓને તેમાં સમાવવામાં આવશે.

કોંગ્રસમાં બળવાખોર અને લેટર બોંબના જી-23 નેતાઓ માટે પક્ષમાં આંતરીક દ્વંદ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે આઝાદે જાહેર કર્યું હતું કે, છેલ્લા ચાર દાયકામાં પોતે પક્ષના સ્ટાર પ્રચારક તરીકે સેવા આપી રહ્યાં છે અને જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં પક્ષનો વિજય નિશ્ર્ચિત બને છે. પાંચ રાજ્યોમાં વિજય નિશ્ર્ચિત કરવા માટે પોતે જશે. આ જાહેરાત છતાં તેમનું નામ યાદીમાંથી બહાર નીકળી ગયું છે. જી-23 પત્ર લખનાર અખિલેશ પ્રસાદ સિંગ અને જીતીન પ્રસાદના નામો અંગે પણ વિવાદ ઉભો થયો છે. દિપેન્દર હુડા, પૃથ્વીરાજ ચૌહાણને આસામના ચૂંટણી પ્રભારી તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.