Abtak Media Google News

દેશના ભાગલાનું દુખ કદી ન ભૂલી શકાય, નફરત અને હિંસાના કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો: મોદી

અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલા ભારત-પાકિસ્તાન ભાગલાને યાદ કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે, દેશના ભાગલાનું દુખ કદી ન ભૂલી શકાય. નફરત અને હિંસાના કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. સાથે જ વડાપ્રધાને 14 ઓગષ્ટને ’વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઓળખવાની જાહેરાત પણ કરી હતી.

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, ભાગલાના કારણે વિસ્થાપિત થનારા અને જીવ ગુમાવનારા આપણા લાખો બહેનો-ભાઈઓના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગષ્ટ ’વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાને જણાવ્યું કે, આ દિવસ આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને સાથે જ તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ પણ મજબૂત થશે.

મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું આ પગલું સ્વાગત યોગ્ય છે. આ સત્ય સામે આવવું ખૂબ જરૂરી છે કે, આ વિભાજન માટે કયા લોકો જવાબદાર છે. લાખો બહેનો પોતાના ભાઈઓને રાખડી ન બાંધી શકી, કેટલીય માતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા. કેટલાય લોકો હંમેશા માટે વિખૂટા પડી ગયા. વિભાજન એક એવો ઘા છે જે હજુ પણ દુખી રહ્યો છે.

દેશને 15 ઓગષ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી પરંતુ અંગ્રેજી સત્તાએ ભારતને આઝાદીની ખુશીઓ ભાગલાની બહુ મોટી કિંમત સાથે સોંપી હતી. 14 ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાન 2 હિસ્સામાં વહેંચાઈ ગયા હતા. 15 ઓગષ્ટની સવારે પણ લોકો ટ્રેનો દ્વારા, ઘોડા-ખચ્ચર દ્વારા અને ચાલતા પોતાની માતૃભૂમિથી બીજા દેશમાં જઈ રહ્યા હતા. પાકિસ્તાનથી હિંદુસ્તાન અને હિંદુસ્તાનથી પાકિસ્તાન આવનારા લોકોના ચહેરા પરના તમામ રંગો ઉડી ગયા હતા.

ભાગલા વખતે બંને બાજુ હુલ્લડો થયા હતા અને લાખો લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમુક રિપોર્ટ્સમાં મૃતકઆંક 10 લાખથી 20 લાખ જેટલો કહેવામાં આવ્યો છે. પાકિસ્તાનના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને મીઠાઈઓની ભેટ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.