- આજે વિશ્ર્વ હાઈપર ટેન્શન દિવસ
- દવા ઉપરાંત લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન, ડાયટ પ્લાન, ફિઝિકલ એક્ટિવિટી અને હોમ બી.પી. મોનિટરિંગ જરૂરી
ઘણાં રોગ એવા હોય છે કે જે શરીરમાં પ્રવેશી જાય તે પછી પણ ઘણા કિસ્સાઓમાં દર્દીને ખ્યાલ પણ નથી રહેતો, કેમકે શરૂઆતમાં તેમના કોઈ બાહ્ય લક્ષણો દેખાતા નથી. હાઈ બ્લડપ્રેશર એક આવી જ બીમારી છે.
લોકોમાં હાઈ બ્લડપ્રેશર વિશે જાગૃતિ લાવવા, હાઈ બ્લડપ્રેશરને રોકવા તેમજ તેની તપાસને પ્રોત્સાહન આપવા વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ “વિશ્વ હાઇપર ટેન્શન દિવસ” ઉજવવામાં આવે છે. જેની વર્ષ 2025 ની થીમ છે “તમારા બ્લડપ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો.”
એઇમ્સ હોસ્પિટલ રાજકોટનાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.કોમલ કુમાર જાંગીડે હાઇપર ટેન્શનથી બચવા શું કરવું? તપાસ, નિદાન, નિયમિતતા, ખાનપાન, ફિઝિકલ એક્ટિવિટી વગેરે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
ડો.કોમલકુમારએ કહ્યું કે, શહેરી વિસ્તારમાં 60 વર્ષ સુધીના દર ત્રીજી વ્યક્તિને બી.પી. છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દર ચોથા કે પાંચમાં વ્યક્તિમાં બી.પી.ની સમસ્યા જોવા મળે છે. 35 વર્ષના તંદુરસ્ત યુવાનોએ પણ વર્ષમાં એક વખત બી.પી. તપાસવું જોઈએ, અને જો પરિવારમાં કોઈને બી.પી. હોય તો 30 વર્ષની વયથી જ નિયમિત તપાસણી કરાવવી જોઈએ. કેમકે બી.પી. સાયલન્ટ કિલર છે. 140,150 કે 160 સુધી બી.પી.માં કોઈ ખ્યાલ નથી રહેતો પણ ધીમે ધીમે આગળ વધે અને શરીરનાં અંગોને નુકસાન કરે છે. 180 આસપાસ બી.પી.માં દર્દીને પાછળની બાજુ માથું દુખવું, ચક્કર આવવા, જોવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે ગભરાહટ, પરસેવો આવવો વગેરે જેવા લક્ષણ જોવા મળે, જો આમ થાય તો તુરંત દવાખાને જવું જોઈએ.
બી.પી.ની ટ્રીટમેન્ટ ફક્ત દવા નથી, ખાનપાન અને લાઇફ સ્ટાઇલ ખૂબ જ અગત્યનું છે.
દરેક વ્યક્તિએ જમવામાં પરંપરાગત ભોજનનો ઉપયોગ કરવો જોઈએ. લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન, ડેશ ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી અને હોમ બી.પી. મોનિટરિંગ ખૂબ જ અગત્યનું છે. નમક, અથાણાં, પાપડ, ફાસ્ટફૂડ, તેલ વગેરે શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ ઓછું લેવું જોઈએ. ડેશ (Dash) ડાયટ પ્લાનનો અમલ કરવો જોઈએ.
ડોક્ટર કોમલકુમારે વધુમાં કહ્યું કે, આપણે સદીઓથી જે ખાવાનું ખાઈએ છીએ, જેનાથી આપણું શરીર બંધાયું છે. તે પરંપરાગત ખોરાક જ શક્ય હોય ત્યાં સુધી લેવો જોઈએ. જો બી.પી.ને ઇગ્નોર કરવામાં આવે તો હાર્ટ એટેક, કિડની ફેલ થવી કે બ્રેઇન સ્ટોક વગેરે બીમારીને નિમંત્રણ આપવા બરાબર છે. બી.પી.ને ઇગ્નોર ન કરવું, જેમને બી.પી. હોય તે પણ નોર્મલ લાઈફ જીવી શકે છે. માટે બી.પી. આવે તો ડરવું નહીં તેને મેનેજ કરી શકાય છે. ડોક્ટર પાસે રેગ્યુલર તપાસની સાથે સાથે ઘરે સાધન ખરીદી હોમ બી.પી. મોનિટરિંગ કરવું જરૂરી છે. ઉપરાંત નિયમિત કસરત તેમજ દરરોજ 45 મિનિટ ચાલવું, યોગાસન કરવા તેમજ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ચેકઅપ અને દવા ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.