Abtak Media Google News

શાહુકારને એક ‘આંખ’ને ચોરને 100 આંખ

દિલ્હીમાથી 7 સાયબર ઠગની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી દેશની વસ્તીના 10માં ભાગના લોકોનો ડેટા મળ્યો :  દેશભરમાં ડેટા ચોરી કૌભાંડની જાળ, તેમાંથી કોઈ પણ વ્યક્તિ બચી ન શકે

લોકોએ ચેતવા જેવું : કોઈ પણ એપ્લિકેશનમાં પોતાની ખાનગી વિગતો નાંખતા પહેલા તેના પરિણામ વિશે જરૂર વિચારવું

હાલ દેશમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. પરંતુ સાયબર સુરક્ષામાં હજુ પણ પહેલા જેવા જ છીંડા રહ્યા છે. એક બનાવે દેશભરમાં હડકંપ મચાવી દીધો છે. જેમાં દેશના અંદાજે 17 કરોડ લોકોના ડેટાની ચોરી કરીને વેચવામાં આવ્યો છે. તેલંગાણાની સાયબરાબાદ પોલીસે આ કેસમાં દિલ્હીથી સાત સાયબર ઠગની ધરપકડ કરી છે.  આરોપીઓ નોઈડા અને અન્ય સ્થળોએ ત્રણ કોલ સેન્ટર દ્વારા કામ કરતા હતા.

સાયબરાબાદના પોલીસ કમિશનર એમ સ્ટીફન રવિન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ મુજબ, ગેંગે 2.55 લાખ સંરક્ષણ કર્મચારીઓ તેમજ સરકારી અને મહત્વપૂર્ણ સંસ્થાઓના ડેટા વેચ્યા હતા.  ચોરાયેલો ડેટા ઓછામાં ઓછા 100 છેતરપિંડી કરનારાઓને વેચવામાં આવ્યો છે.

આરોપી કુમાર નીતિશ ભૂષણે નોઈડામાં કોલ સેન્ટર બનાવ્યું હતું.  પૂજા પાલ ટેલીકોલર છે, સુશીલ થોમસ ડેટા એન્ટ્રી ઓપરેટર છે.  અતુલ પ્રતાપ સિંહે ક્રેડિટ કાર્ડ ધારકોનો ડેટા એકત્ર કરીને વેચ્યો હતો.  મુસ્કાન હસન વચેટિયા તરીકે કામ કરતો હતો.  સંદીપ પાલે ગ્લોબલ ડેટા આર્ટ્સની સ્થાપના કરી અને સાયબર ગુનાઓમાં સામેલ છેતરપિંડી કરનારાઓને ગ્રાહકનો ગોપનીય ડેટા વેચ્યો.  જિયા પ્રચાર માટે બલ્ક મેસેજિંગ સેવાઓ આપતી હતી.

પોલીસને શંકા છે કે ટેલિકોમ કંપનીઓમાંથી 3 કરોડ લોકોના મોબાઈલ નંબર ડેટાબેઝ લીક થયા છે.  માહિતીમાં ઓર્ડર નંબર, સેવા શરૂ થવાની તારીખ, બિલિંગ વિગતો, એકાઉન્ટ નંબર, સિમ નંબરનો સમાવેશ થાય છે.  આ આરોપીઓએ વિવિધ સંસ્થાઓ પાસેથી લીક થયેલો ડેટા એકત્ર કર્યો હતો અને પછી પોતાની જાતને સર્વિસ ડિલિવરી એજન્ટ તરીકે રજીસ્ટર કરી હતી અને સેમ્પલ ડેટા સાયબર ગુનેગારોને મોકલ્યા બાદ તેનું વેચાણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ગોપનીય અને સંવેદનશીલ ડેટાના વેચાણ અને ખરીદી અંગે સાયબરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.  પોલીસ એ પણ તપાસ કરી રહી હતી કે સાયબર ગુનેગારો ડેટા કેવી રીતે એક્સેસ કરી રહ્યા હતા.

માત્ર રૂ. 2 હજારમાં 50 હજાર લોકોના ડેટા વેચાતા

આ ટોળકીએ 140થી વધુ કેટેગરીના ડેટાની ચોરી કરી હતી.  આરોપીઓ પાસે એનર્જી અને પાવર સેક્ટર, પાન કાર્ડ, ગેસ અને પેટ્રોલિયમ, હાઈ નેટ-વર્થ વ્યક્તિઓ, ડીમેટ એકાઉન્ટ્સ, નિટ વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓનો ડેટા હતો.  ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોનો ડેટા પણ વેચ્યો, લોન અને વીમા માટે અરજી કરી.

એવું પણ જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 50,000 નાગરિકોના ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્યા હતા.  હજુ તપાસ ચાલુ છે.

1.20 કરોડ લોકોના વોટ્સએપ ડેટા અને 17 લાખ લોકોના ફેસબુકના ડેટા મળ્યા

નોઈડામાં કોલ સેન્ટર ખોલીને ડેટા ચોરીના કેસમાં દિલ્હીથી ધરપકડ કરાયેલા સાત સાયબર ગુનેગારો પાસેથી 1.20 કરોડ લોકોના વોટ્સએપ ડેટા મળ્યા છે.  આ સાથે 17 લાખ ફેસબુક યુઝર્સની ઉંમર, ઈમેલ આઈડી, ફોન નંબર સહિતની માહિતી પણ મળી છે.  પોલીસને બે કરોડ વિદ્યાર્થીઓ, 12 લાખ સીબીએસઇ ધોરણ 12ના વિદ્યાર્થીઓ, 40 લાખ નોકરી શોધનારાઓ, 1.47 કરોડ કાર માલિકો, 11 લાખ સરકારી કર્મચારીઓ અને 15 લાખ આઈટી પ્રોફેશનલ્સ વિશે માહિતી મળી છે.

સંરક્ષણ ક્ષેત્રે જોડાયેલ 2.55 લાખ લોકોની ખાનગી માહિતી પણ ફૂટી ગઈ!

ગેંગ પાસે 2.55 લાખ સંરક્ષણ

કર્મચારીઓનો સંવેદનશીલ ડેટા પણ હતો.  આમાં રેન્ક, ઈમેલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરે જેવી માહિતીનો સમાવેશ થાય છે.  ડેટાનો ઉપયોગ જાસૂસી અને ગંભીર ગુનાઓ માટે થઈ શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. આ ડેટા દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ માટે કેટલા મદદરૂપ સાબિત થઈ શકે તેની ગંભીરતા આરોપીને ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.