Abtak Media Google News

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… વૈશ્ર્વિક અર્થતંત્રના કરોડરજ્જુ જેવા ઓઈલ ઈકોનોમિકની બદલતી જતી તાસીર, ત્વારીખ અને જોગ-સંજોગોનો માહોલ હવે ભારત માટે લાભદાયી બને તેવા સંજોગો વચ્ચે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની લડાઈ ભારતનું પેટ્રોલ-ડિઝલ સસ્તુ કરી દે તેવા સંજોગો ઉભા થયા છે.  ભારતને રોકડમાં પેટ્રોલ-ડિઝલ ખરીદવા માટે અબજો ડોલરનું હુંડીયામણ ખર્ચવું પડે છે. હવે પેટ્રોલ-ડિઝલની ખરીદીમાં રોકડની ચૂકવણીના બદલે ઈરાન પાસેથી ઉધાર માલ લઈ વાપરીને પૈસા આપવાની તક ભારત માટે ઉભી થઈ છે. મુસ્લિમ દેશોનું પ્રેસર ઈરાન સાથેના ભારતના વેપારને ‘છુટોદૌર’ આપી દેશે ? તેવા સંજોગો ઉભા થયા છે.

અત્યારે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની યુદ્ધ જેવી ભીષણ પરિસ્થિતિમાં અમેરિકાને વૈશ્ર્વિક સંબંધોમાં પુન: વિચારણા કરવા મજબૂર થવું પડ્યું છે. ઈરાન સાથે હંમેશા આંખ લડાવનાર અમેરિકાને ઈઝરાયલની પરિસ્થિતિના દ્રષ્ટિકોણથી અને ખાસ કરીને મુસ્લિમ દેશોમાં અમેરિકા પ્રત્યેનું લોબીંગ પોઝિટિવલી જળવાઈ રહે તે માટે ઉભી થયેલી પરિસ્થિતિમાં ઈરાન પરના પ્રતિબંધો હળવા કરવાની નોબત આવે અને ઈરાનનો તેલ ભંડોળ વેપાર માટે મુક્ત થાય તો ભારત અને ઈરાન વચ્ચે પુન: પેટ્રોલીયમનો જુનો વ્યવહાર ધબકતો થાય. ઈરાન પરના પ્રતિબંધ પહેલા ઈરાન-ભારતને ઉધાર માલ આપી વહેવાર ચલાવતું હતું. અત્યારે ભારતને ઓપેક દેશો પાસેથી રોકડમાં ચૂકવણી કરીને પેટ્રોલ-ડિઝલ ખરીદવું પડે છે. 2015માં અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધોને લઈને 2019 સુધીમાં તહેરાન પાસેથી આયાતકાર દેશો તેલની ખરીદી કરતા નથી. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બીડન હવે તહેરાન સાથે અણુ પ્રવૃતિ રોકી દેવાની શરતે વાટાઘાટોથી લઈને પ્રતિબંધો હટાવવાની દિશામાં વિચારણા કરી રહ્યાં છે.

અમેરિકાની આ મજબૂરી પાછળ અત્યારે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મુસ્લિમ રાષ્ટ્રો સાથે અમેરિકાને વાંકુ રાખવું પરવડે તેમ નથી અને મુસ્લિમ રાષ્ટ્રોના દબાણ હેઠળ આવી ઈરાન પરના પ્રતિબંધો સહિતના નિર્ણયોમાં અમેરિકાને ફેર-વિચારણા કરવાની ફરજ પડી છે તેનો સીધો લાભ ભારતને મળશે. ઈરાન જો પ્રતિબંધના બંધનમાંથી મુક્ત થાય તો રોજનો 15 લાખ બેરલની ક્રુડ ઓઈલની નિકાસ કરી શકે. ચીન તેની પાસેથી રોજના 4.80 લાખ બેરલ રોજની ખરીદી 2018માં કરતું હતું.

હવે જો ઈરાન પરથી પ્રતિબંધ હટે તો ભારતીય તેલ કંપનીઓ માટે ઈરાન સાથેનો પેટ્રોલ વ્યવહાર પુન: શરૂ થાય અને ઈરાન ભારતીય કંપનીઓને ઉધાર માલ આપે. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન 45 ટકાથી વધુ માલ ઈરાન પાસેથી ખરીદતું હતું. હાઈ સલ્ફર યુક્ત ઈરાનનું ક્રુડ બીપીસીએલની પોચી રિફાઈનરીમાં 2 થી 2.5 ડોલરથી પણ ઓછા ભાવે પડતર થાય તેમ છે. એચપીસીએલ પણ આજ ભાવે ઈરાનનું ક્રુડ મેળવી શકે છે. એચપીસીએલએ ઈરાન સાથે ક્રુડ ઓઈલના સોદા માટે વાટાઘાટો ચલાવ્યાનું ચેરમેન એમ.કે.સુરાનાએ જણાવ્યું હતું. આઈઓસીએ પણ 20 લાખ ટન એટલે કે, 1.46 કરોડ બેરલ વર્ષના ખરીદશે. આઈઓસી 56 ટકાથી વધુ માલ ઈરાન પાસેથી ખરીદે છે.

ઈરાન અગાઉ ભારતને ઉધાર માલ આપતું હતું. અત્યારે ભારતીય કંપનીઓ ઓપેક દેશો પાસેથી રોકડે માલ ખરીદે છે અને કરોડો ડોલરની ચૂકવણી થાય છે. આ પરિસ્થિતિમાં જો ઈરાન પાસેથી પેટ્રોલ-ડિઝલ લેવાનું શરૂ થાય તો ઈરાન અગાઉની જેમ ઉદ્ધાર માલ આપે. આ પરિસ્થિતિમાં ભારતીય કંપનીઓ રોકડમાં માલ ખરીદવાના વિકલ્પ અંગે વિચારવા લાગી છે. ઈરાન પાસેથી માલ ખરીદવાથી સસ્તુ અને ઉધાર માલ મળવાથી ઈરાક અને કુવૈતને રોકડમાં ચૂકવણી નહીં કરવી પડે.  ભારત અત્યારે સાઉદી અરબ પાસેથી સૌથી વધુ માલ ખરીદે છે જેમાં રોકડેથી ખરીદી કરવી પડે છે. સાઉદી અરેબીયાએ પણ પોતાનો વ્યવહાર સાચવવા માટે અને મૈત્રી ભાવે ભારતને કોવિડ-19ની કટોકટીમાં ઓક્સિજનની મદદ કરી હતી. હવે ભારત માટે ઈરાન પાસેથી માલ લેવાની ઉભી થયેલી પરિસ્થિતિના કારણે વિદેશી હુંડીયામણ બચશે. ભારત અને ઈરાન વચ્ચે ડોલરના બદલે ભારતીય રૂપિયામાં વ્યવહાર શકય બનતા ડોલરની ઉંચા ભાવે ખરીદી કરવાની મજબૂરી દૂર થશે અને ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે.

ભારત-ઈરાનની મૈત્રીનો ‘બ્રેકઅપ’ હવે દૂર થશે

ભારતના મિત્ર રાષ્ટ્રોમાં ઈરાનની મૈત્રી ભારત માટે હરદમ ફાયદારૂપ રહી છે, સસ્તા ભાવે અને ઉધાર ક્રુડ ઓઈલ આપતા ઈરાન સાથેનો વ્યવહાર અમેરિકાના પ્રતિબંધના કારણે બ્રેકઅપ થયો હતો. હવે ઈઝરાયલ-પેલેસ્ટાઈન પરિબળે અમેરિકાની નીતિમાં પરિવર્તન લાવ્યું છે અને ઈરાન પરના પ્રતિબંધો હટે તેવા સંજોગોને લઈને ભારતને ઈરાનમાંથી સસ્તા ભાવે ઉધાર તેલ મળશે.

ઈરાન સાથેના વેપારમાં ભારતનું હુંડીયામણ બચશે

ઈરાન માટે સૌથી મોટા ખરીદદાર તરીકે ભારતનું મહત્વ રહેલું છે. ભારતને ઉધાર અને ભારતીય રૂપિયાના વિનીમયથી ઈરાનનું તેલ આર્થિક ફાયદારૂપ બનશે. ભારતને ડોલરની ખરીદીની મજબૂરીમાંથી મુક્તિ મળશે અને ડોલર સામે રૂપિયો મજબૂત થશે અને હુંડીયામણ પણ બચશે.

અમેરિકા પર મુસ્લિમ રાષ્ટ્રોનું દબાણ ભારતને લાભ

ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં મુસ્લિમ દેશોના સંગઠનનું અમેરિકા પર દબાણ ઉભુ થયું છે. અમેરિકા તેની ગુડવીલ જાળવી રાખવા ઈરાન જેવા રાષ્ટ્રો પરના પ્રતિબંધો દૂર કરવા મજબૂર બન્યું છે ત્યારે ઈરાનની વેપાર છુટ ભારતને ફાયદો કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.