Abtak Media Google News

વડોદરાના એક બનાવની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. છૂટાછેડા લીધેલી માતાએ પોતાના જીવનસાથી તરીકે પુરુષ મિત્ર સાથે વિકસાવેલા સંબંધમાં પુરુષે પુત્રી પર પણ દાનત બગાડી હોવાની શંકા જતાં માતા-પુત્રી વચ્ચે ચાલી રહેલા ખટરાગનો કરુણ અંજામ આવ્યો હતો. મંગળવારે બપોરે શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સમા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે. માતા પુત્ર કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. મહિલાએ 2013ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો. આ દરમિયાન મહિલાની પુત્રીને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી માતા-પુત્રી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે સમય જતાં મહિલાની પુત્રી તે યુવકની નજીક આવી ગઈ હતી. જે બાદમાં માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા. મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના 20 વાર કરી દીધા હતા.

ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ 108ને પણ ફોન કર્યો હતો. મહિલા મોડેલિંગ ઉપરાંત વેબ સિરિઝમાં પણ અભિનેત્રી તરીકે કામ કરે છે.

સમા પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસ મહિલાના પ્રેમી તથા તેના પહેલી પતિની પણ પૂછપરછ કરી શકે છે. આ કેસમાં પોલીસ ઘાયલ થયેલી દીકરીનું તેની સ્થિતિ અંગે ડૉક્ટર સાથે વાત કર્યા પછી નિવેદન નોંધીને જરુરી તપાસ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.