અત્યારે ચોમાસાની ઋતુ શરુ થઈ ગઈ છે. ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે રહે છે તથા પરસેવાની પણ સમસ્યા રહે છે જેના કારણે ત્વચા તથા વાળ ચીપચીપા થઈ જાય છે. આ ઋતુમાં વાળનું તૂટવું-ખોડો અને બેજાન થવું જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઋુતુમાં વાળ ચીકણા થવાની સાથે તેમાં ખોડો થવાની સમસ્યા પણ રહે છે. તેથી આ ઋતુમાં વાળની યોગ્ય દેખભાળ કરવી અને પોષણ આપવું જોઈએ. સાથોસાથ કેટલાંક સરળ અને અસરકારક ઉપાયો અજમાવો, જેથી વાળની ચમક જળવાઈ રહે.
એલોવેરા જેલ :
ચોમાસામાં વરસાદના પાણીથી વાળમાં બેક્ટેરિયા વધી જાય છે અને વાળની જડ કમજોર થઈ જાય છે. એલોવેરા જેલ આ બધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે અને ખોડાને દૂર રાખે છે, જેથી વાળમાં વૃદ્ધિ થાય છે અને વાળ ખૂબસૂરત અને સ્વસ્થ દેખાય છે. વાળના ગ્રોથ માટે અઠવાડિયે એક વાર રાત્રે બધાં વાળમાં એલોવેરા જેલ લગાવીને રાખો અને સવારે વાળને ધોઈ નાખો.
વાળમાં તેલ લગાવો :
વાળમાં અઠવાડિયામાં બે વાર ગરમ તેલનો મસાજ કરો, કેમ કે વરસાદમાં માથાની ત્વચામાં ખંજવાળઆવવા લાગે છે અને પોપડી જમા થાય છે. તેલથી મસાજ કરીને થોડા સમય પછી વાળ ધોઈ લેવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે . જો આપને તેલ મસાજ પસંદ ન હોય તો તમે હેર માસ્ક કે અન્ય ઉપચાર પણ કરી શકો છો.
ભીના વાળમાં કાંસકો ન ફેરવો :
જ્યારે વાળ ભીના હોય છે ત્યારે વધુ તૂટે છે. એનાથી બચવા માટે વાળને સૂકવો અને સારી રીતે સુકાઈ ગયા પછી મોટા દાંતાવાળા કાંસકાથી વાળ ઓળો. ભીના વાળમાં ભૂલથી પણ કાંસકો ન ફેરવશો.
સ્વસ્થ આહાર લો :
આપના વાળ આપની ખાણીપીણીના સ્તરને પ્રતિબિંબિત કરે છે એટલા માટે આપની ખાણીપીણીનું ધ્યાન રાખો. પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડ્સ યુક્ત ઉત્તમ આહારનું સેવન કરો. આ આહાર વાળને તો સમય પૂર્વે સફેદ થતાં બચાવે છે, અને વાળની લંબાઈને વધારવાની સાથોસાથ વાળના જડમૂળને પણ સ્વસ્થ અને સશક્ત બનાવે છે.