“આ પાંચ વર્ષની ઉજવણી નથી, સેવાયજ્ઞ છે” મુખ્યમંત્રી રૂપાણી

અબતક, રાજકોટ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ” છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ કૃતજ્ઞ ભાવે જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે, જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે.

રાજ્યની પાંચ વર્ષની પ્રગતિનું આલેખન કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કતૃત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે, અને નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે.  મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા 50 હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીએ રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત એક વાલી યોજનાતથા ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજન, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં  માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ટૂંકી વિગતો આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.