આ છે,વિશ્વના સૌથી સ્વચ્છ ટોપ-10 દેશો: 87.42 EPI સાથે સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમક્રમે

આ દેશો તેના ગાઢ જંગલો, વન્યજીવન તેમજ સ્વચ્છ પાણી સાથે શુધ્ધ ચોખ્ખી હવા માટે જાણીતા છે: પર્યાવરણ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં સૌથી ઊંચો સ્કોર આવે તેને સ્થાન અપાય છે

સમગ્ર દુનિયામાં 180થી વધુ દેશો છે. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ સાથે વિવિધ સમસ્યાઓ સાથે આજે વિશ્ર્વ ઝજૂમી રહ્યું છે ત્યારે એન્વાયર પર્ફોમન્સ ઇન્ડેક્સના સર્વેક્ષણમાં વિશ્ર્વનાં ઘણા દેશોએ સારી પ્રગતી કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય સાથે લોકોની સુખાકારી અને હેપીનેસ ઇન્ડેક્સ પણ જોવાય છે. વિશ્ર્વનાં સૌથી શ્રેષ્ઠ 10 દેશોની વ્યવસ્થા, આયોજન સાથે તેના ગાઢ જંગલો, વન્યજીવન તેમજ સ્વચ્છ તળાવો સાથે સૌથી અગત્યની બાબત આ દેશોની શુધ્ધ હવા એટલે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણ જેવી શ્રેષ્ઠ બાબતોની સિધ્ધી જોવા મળે છે. અમુક દેશોની હવા તો 98 ટકાથી પણ વધારે ચોખ્ખી ચણાક જોવા મળે છે. આ દેશોની માથાદીઠ આવક, જી.ડી.પી. અને તેના શ્રેષ્ઠ સ્થળો આપણને ઉડીને આંખે વળગી જાય છે. આપણને વિદેશ જવું એટલે જ ગમે છે. જે દેશમાં શિક્ષણનો વ્યાપ 100 ટકાએ પહોંચે અને સ્વચ્છતા બાબતે 100 ટકા પ્રજા જાગૃત થઇ જાય તે દેશ આપોઆપ પ્રગતિના પંથે જાય. આપણાં દેશમાં હજી આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે.

અમુક દેશોની હવા 98 ટકાથી વધુ શુધ્ધતાવાળી છે: ટોપ-10 દેશોમાં તેમનો જીડીપી, માથાદીઠ આવક પણ શ્રેષ્ઠતાને આંબી જાય છે: આરોગ્ય અને શિક્ષણની શ્રેષ્ઠ સુવિધા સાથે તેમના સુંદર સ્થળો ઉડીને આંખે વળગે છે

આજે મારે આ લેખમાં વિશ્વના ટોપ-10 સૌથી વધુ સ્વચ્છ દેશોની વાત કરવી છે. આ શ્રેષ્ઠ દેશોએ ઘણી પ્રગતિ કરીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમની સરકાર, સિસ્ટમ, લોકો અભિનંદનને પાત્ર છે. આપણે જો આ દેશોની મુલાકાત માત્રથી શેર લોહી ચડી જાય તો ત્યાં કાયમી વસવાટ કરતાં લોકો કેટલા સુખી હશે તેની કલ્પના કરો. હવા અને પાણીની શુધ્ધતાને કારણે અહીંના લોકોનું આરોગ્ય પણ શ્રેષ્ઠ હોય છે. લોકોને તમામ શ્રેષ્ઠ સુવિધા મળતી હોય પછી કશુ કરવાની જરૂર રહેતી નથી. માનસિક રીતે આ દેશોના લોકો ખૂબ જ ખુશી-આનંદમાં હોય છે.

વિશ્વનાં સૌથી સ્વચ્છ દેશોની 2022ની એપ્રીલ યાદીમાં સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, માલ્ટા, સ્વીડન, યુનાઇટેડ કિંગડમ, લક્ઝમ બર્ગ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. આ લેખમાં વાંચકો માટે આ ટોપ-10 દેશોની શ્રેષ્ઠતા બાબતોની વાત કરવી છે.

સ્વિટ્ઝર્લેન્ડ :

વિશ્વનો સૌથી સ્વચ્છ દેશનો તાજ મળ્યો છે, તે તેના ગાઢ જંગલો, વન્યજીવન સાથે સલામત અને સ્વચ્છ પાણી માટે જાણીતું છે. મધ્ય અને દક્ષિણ યુરોપના સંગમ પર કુદરતી સૌદર્ય ધરાવતી ભૂમિ છે. આલ્પસ પર્વતોની હારમાળા તેની સુંદરતા વધારે છે. 8.5 મિલિયન જેવી વસ્તી ધરાવતો આ દેશ તેના ઝુરીચ, જીનીવા અને બેસેલ જેવા મોટા શહેરોથી જાણીતો બન્યો છે. ત્યાંનો જીડીપી 824.7 બિલિયન ડોલર છે, અને EPI સ્કોર 87.42 મેળવી વિશ્વમાં નંબર વન સ્થાને છે.

ફ્રાન્સ :

વિશ્વનો આ દેશ બીજા સ્થાને છે, સ્વચ્છતા સાથે હવાની ગુણવત્તા, પાણીની સ્વચ્છતા અને મત્સ ઉદ્યોગ પર ઉચ્ચ ગુણાંક મેળવેલ છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી મોટો અને ધનાઢય દેશ છે. પ્રવાસીઓ માટે સૌથી આકર્ષક પર્યટન સ્થળ છે. વિશ્વમાં સૌથી વધુ 12 ટાઇમ ઝોન ફ્રાન્સમાં છે. કલા, વિજ્ઞાન અને ફિલસૂફીના વૈશ્ર્વિક કેન્દ્ર તરીકે તેની સદીઓ જૂની સ્થિતિ જાળવી રાખી છે. વર્લ્ડ હેરીટેજ સાઇટ્સની પાંચમી સૌથી મોટી સંખ્યા અહીં જોવા મળે છે. દર વર્ષે 90 મિલિયન લોકો પ્રવાસે આવે છે. ઘરગથ્થુ સંપતિમાં વિશ્વમાં ફ્રાન્સ ચોથું ધરાવે છે.

ડેનમાર્ક :

ત્રીજા ક્રમે આવતો આ દેશની વસ્તી માત્ર 5.81 મિલિયન છે. દેશની મોટી વસ્તી તેના શહેર કોપન હેગનમાં રહે છે. સૌથી સુખી દેશોની યાદીમાં તે વિશ્ર્વમાં બીજા સ્થાને છે. આ એક વિકસિત દેશ છે અને અહીંના લોકો ઉચ્ચજીવન ધોરણનો આનંદ માણે છે. શિક્ષણ, આરોગ્ય, સંભાળ, નાગરીક સ્વતંત્રતાનું રક્ષણ, લોકશાહી શાસન અને LGBT સમાનતાથી આ દેશ ઉચ્ચ સ્થાન ધરાવે છે.

માલ્ટા : છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણની કાળજી લેવાના સઘન પ્રયાસોને કારણે આ ટાપુ વૈશ્ર્વિકસ્તરે નામ મેળવ્યું છે. ગીચ વસ્તી ધરાવતો વિશ્વનો 10મો દેશ છે.UE ની સૌથી નાની રાષ્ટ્રીય રાજધાની છે, અને તેની ભાષા માલ્ટિઝ છે. અહીં દર વર્ષે 1.6 મિલિયન પ્રવાસીઓ આવે છે. અહીંના લોકો કરતા ત્રણ ગણા પ્રવાસીઓ આવે છે.

સ્વીડન :

આ દેશ ઘણા વર્ષોથી ટોપ-10 યાદીમાં સ્થાન ધરાવે છે, આ વખતે પણ પાંચમા સ્થાને છે. ઉત્તર યુરોપનો સૌથી મોટો દેશ છે. કુલ વસ્તી 10.4 મિલિયન છે. મોટાભાગના શહેરી વિસ્તારો છે. સૌથી મોટું શહેર અને રાજધાની સ્ટોક હોમ છે. સ્વીડન પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યા પૈકી એક છે. માથાદીઠ આવકમાં દુનિયામાં છઠ્ઠા નંબરનો ધનિક દેશ છે.

 

યુનાઇટેડ કિંગડમ (UK) : છઠ્ઠા ક્રમે સ્થાન ધરાવતું યુકે તેની 94.43 ટકા શુધ્ધ હવાને કારણે વિશ્ર્વમાં જાણીતું છે. પીવાનું પાણી અને સેનીટેશન વ્યવસ્થામાં તે વર્લ્ડમાં પ્રથમ સ્થાને છે. અહીં ઘણા નાના-નાના ટાપુઓ છે. વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા ધરાવે છે, જે જર્મની બાદ સ્થાન ધરાવે છે. UK વિશ્વનો સૌથી વધુ પ્રવાસીઓની મુલાકાત લેવાતો દેશ છે.

લક્ઝમ બર્ગ : સાતમું સ્થાન ધરાવતો આ દેશ યુરોપીયન યુનિયની ચાર સતાવાર રાજધાનીઓ પૈકી એક છે. અહિં ફ્રેન્ચ અને જર્મન સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. અહીંની વસ્તી 633,622 છે, જે યુરોપના સૌથી ઓછી વસ્તીવાળા દેશો પૈકી એક છે. તેનો મોટાભાગનો વિસ્તાર ગ્રામિણ છે. ઉત્તરમાં ગાઢ આર્ડેન્સ જંગલો અને પ્રકૃતિ ઉદ્યાનો છે. 84 બિલિયન જીડીપી સાથે આ દેશ વિશ્ર્વનો સૌથી ધનિક દેશ છે.

ઓસ્ટ્રિયા :

મધ્ય યુરોપનું નવ સંધીય રાજ્યોનું બનેલું છે, જે પૈકી ઓસ્ટ્રિયાની રાજધાની અને સૌથી મોટુ શહેર વિયેના છે. પર્વતીય વિસ્તારો સાથે લેન્ડલોક દેશ છે. તેના દરિયાઇ કિનારા કચરાથી મુક્ત છે. બે તૃતીયાંશ ભાગ ઘાસના મેદાનો અને જંગલોથી ઢંકાયેલો છે. આ દેશને સુંદર ઝરણાનું ઘર પણ કહેવાય છે. વસ્તી 9 મિલિયનની છે.

 

આયર્લેન્ડ :

નવમા ક્રમે સ્થાન ધરાવતો આ દેશ બે વર્ષ પહેલા 16માં સ્થાને હતો. યુરોપનો શ્રીમંત ગણાતો આ દેશ આયર્લેન્ડ ટાપુની 31 કાઉન્ટીઓમાંથી 26નો સમાવેશ થાય છે. વસ્તી 5 મિલિયન પૈકી તેના મોટા વિસ્તાર ગ્રેટર ડબલિનમાં 40 ટકાથી વધુ લોકો રહે છે. પ્રજાસત્તાક આયર્લેન્ડના ટાપુના 80 ટકાથી વધુ ભાગ પર કબ્જો કરેલ છે. સુંદર દરિયા કિનારા તે વિશ્ર્વ વિખ્યાત છે. પર્યટનએ દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપે છે.

ફિનલેન્ડ :

સ્વચ્છતામાં દશમું સ્થાન ધરાવતો આ દેશ ઉત્તર યુરોપનો નોર્ડિક દેશ છે. તેની રાજધાની હેલસિંકી સૌથી મોટું શહેર છે, પણ એસ્યૂ, કૌનિયાનેન અને વાન્ટાના પાડોશી શહેરો માની એક વિશાળ મેટ્રોપોલિટન વિસ્તાર બનાવે છે. અહીં શિક્ષણ વ્યવસ્થા વિશ્વભરમાં જાણીતી છે. 54.330 ડોલર, માથાદીઠ આવક જીડીપી ધરાવે છે. પાંચ કરોડથી વધુ વસ્તી ધરાવે છે. જમીન કવરમાં મુખ્યત્વે બોરિયલ ફોરેસ્ટ છે. જેમાં 1 લાખ 80 હજાર જેટલા તળાવો નોંધાયેલા જોવા મળે છે.

એક અન્ય સર્વેક્ષમાં ડેનમાર્કને પ્રથમસ્થાન અપાયું છે, જેમાં ટોપ-10માં નોર્વે, જર્મની, નેધરલેન્ડ, જાપાન જેવા દેશોને સ્થાન મળ્યું છે. પણ એક વાત નક્કી કે આ બધા દેશોની સ્વચ્છતા, શિક્ષણ, લોકોની સુખાકારી સાથે શુધ્ધ હવા, પાણી આપણાં કરતા વધારે સારા છે જે સ્વીકારવું જ પડશે.