Abtak Media Google News

હશે દસ-બાર વર્ષનો છોકરો. સ્કૂલેથી આવતાની સાથે જ એણે દફ્તરનો ઘા કર્યો.ને માં જોડે ઝઘડવા લાગ્યો. “તું મારી સ્કૂલમાં આવી જ કેમ?” માં બોલી “બેટા, તારા લંચબોક્ષમાં ચટણી મુકવાની બાકી હતી, ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો.

પણ તને એટલી ખબર નથી? તું કાણી છે. તારે એક જ આંખ છે. તારા ગયા પછી બધા જ મને કહેવા લાગ્યા, તારી માં કાણી છે. બધા જ હસતા હતા, ને મારી મશ્કરી કરતા હતા. આજે હું ખાઈશ નહિ.” માં રડી પડી. “બેટા! બીજી વાર નહીં આવું. બસ, તું જમી લે.”પણ છોકરો, વારે ઘડીએ માંને સંભળાવે, કે તું કાણી છે, કાણી છે. માં… આ ઝેર, શંકરની જેમ પી જતી, ને છોકરાને પૂરો પ્રેમ કરતી. ગામના વેંતરા કરીને, માંએ દીકરાને ભણાવ્યો. દીકરો સ્કૂલમાં પ્રથમ આવ્યો. શિક્ષણ સંસ્થાએ સ્કૂલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો.

છોકરો તૈયાર થઈને સ્કૂલે જવા નીકળ્યો. માં કહે, “બેટા! હું આવું?” “નહીં, તું કાણી છે.” ને એ ચાલ્યો ગયો. “માં”નું હૃદય ચીરાયું. પણ એ બુદ્ધિશાળી યુવાનને માંનું હૃદય ન દેખાયું. તો’ય માંનું હૃદય ઝાલ્યું ન રહ્યું, એ કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી. છોકરાને હાર પહેરાવાયો, એ જોઈ એ રડી પડી. છોકરો ઘેર આવ્યો. માંએ કહ્યું, “બેટા! હું આવી હતી. તને કેટલું બધું માન. હજુમાં પૂરું કરે એ પહેલા તો, છોકરાએ રાડ પાડી. “હૃદયનું રુદન.. હૃદયને સંભળાય, બુદ્ધિને નહિ.” માંનું હૃદય ખૂબ રડ્યું. પણ.. બુદ્ધિ બહારનો વિષય હતો, એટલે દીકરાને ન સંભળાયું. “કાણી! તને ના પડી હતી. તો’ય તું આવી?”

વરસો વીત્યા. છોકરાના લગ્ન થયા. પત્નીએ કહ્યું, “આજુબાજુવાળા રોજ બોલે છે, તારી સાસુ કાણી છે. મારાથી આ નહીં સહન થાય.”ને એક દિવસ દીકરાએ માંને કહ્યું, “તું કાણી છે, માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ.”
ને જનમ દેનારીને, લોકોના વાસણ માંજીને મોટા કરનારીને, પોતાનું મંગળસૂત્રને સોનુ વેચીને ભણાવનારીને મૂકીને…બંને શહેરમાં ચાલ્યા ગયા. સાતેક વરસ વીત્યા હશે. એક દિવસ માની તબિયત નરમ થઇ. એને થયું, હવે હું ચાલી જવાની. પણ.. બધા કહે છે, પરી જેવી પોતરી છે, ને રાજકુંવર જેવો પોતરો છે. એકવાર જોઈ તો આવું. પણ.. ત્યાં જ વહુનો અણગમો, ને દીકરાનો હૃદયને વીંધી દેતો શબ્દ “કાણી” યાદ આવતા,એ અટકી ગઈ. પણ.. દિલ ન માન્યું. ત્રણ-ચાર દિવસ તો રોઈ-રોઈને કાઢ્યા. પછી રહેવાયું નહીં, એ નીકળી પડી.

શહેરમાં દીકરાને ઘેર રમતા બાળકોને જોઈ એ દોડી. ને બાળકોને અડે એ પહેલા તો વહુએ રાડ પાડી, “અડશો નહીં.” ત્યાં જ છોકરો આવ્યો, ને ગુસ્સામાં તાડુક્યો ને બોલ્યો, “કાણી, તું કેમ આવી? જા નીકળ.”

સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે, મગજ કરે છે. સંભાળી લેવાનું કામ પ્રેમ કરે છે, હૃદય કરે છે. માં.. આંસુને દબાવી ગામડે આવી ગઈ. ને ચોથે દિવસે ગામના મુખીનો ફોન આવ્યો, “તારી માં મરણ પથારીએ છે. આજકાલ માંડ છે…” ને માંના પ્રેમે નહીં, મુખીની શરમે, એ બીજે દિ’ સાંજે નીકળ્યો. મનમાં તો સમસમી ગયો, ને બોલ્યો, “કાણી જાય તો છૂટું.”

ઘેર પહોંચ્યો. ગામના મુખીએ ને પાડોશીએ કહ્યું, તારી માં તો કાલે રાતે જ ગુજરી ગઈ. અમે તારી બપોરે 12:00 સુધી રાહ જોઈ, ને અગ્નિદાહ દીધો. છેલ્લે તારું જ નામ બોલતા-બોલતા એણે દેહ છોડ્યો. પાડોશીએ કહ્યું, “આ એક કવર તને આપવા આપ્યું છે, એ તું લઇ જા.” બધું પતાવી એ ઘેર આવ્યો. પત્ની કહે, “શું થયું?” નફરત સાથે બોલ્યો,”માં મરી ગઈ. કાણી ગઈ.” પત્નીએ ચા આપી. એણે ચા પીતા-પીતા કવર ખોલ્યું ને કાગળ વાંચવાની શરૂઆત કરી…

મારા વ્હાલા બેટા! હું તને રોજ ખૂબ યાદ કરું છું. કાશ! તું અત્યારે મારી પાસે હોત તો.. બેટા! તારી સ્કૂલમાં આવીને મેં તને ભોંઠો પાડ્યો હતો. તારા દોસ્તોએ તારી માં કાણી કહીને તને દુઃખી કર્યો હતો. બેટા! એ બદલ સોરી. બેટા! બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે આવી હતી.બેટા! હવે મને લાગે છે, મારો જવાનો દિવસ આવી ગયો છે. એટલે તને આ વાત કહું છું. બેટા! તું ખૂબ નાનો હતો. ત્યારે એક અકસ્માતમાં, તારી એક આંખ ચાલી ગઈ હતી. તને હું એક આંખવાળો જોઈ નો’ તી શકતી. તારા પિતાએ બધી બચત વાપરી નાખી, ઘણા ઈલાજ કર્યા. પણ.. બેટા! તારી આંખ ન આવી. હું તને એક આંખવાળો જોઈ નો’તી શકતી.

“છેવટે.. મેં મારી એક આંખ તને આપી દીધી.” બેટા! તારી બે આંખો જોઈ મારી એક આંખ, હરખના આંસુ પાડતી. બેટા! સુખી રહેજે. ખૂબ વ્હાલ સાથે.. તારી માં…

ચાનો કપ ભરેલો જ રહ્યો ને છોકરાએ “ઓ માં!” કહીને પોક મૂકી. ને ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યો. “ઓ માં! તું મારા માટે કાણી બની? માં, તારી આંખ તે મને આપી? માં..ઓ માં…. તે મને કહ્યું કેમ નહીં? તું એકેવાર આજ સુધી બોલી નહિ? માં… માં… મને માફ કર! પણ માં હવે સાંભળવા ક્યાં રહી હતી. બ્રહ્માંડ બોલ્યું, “હૃદય પ્રેમ કરે છે, બુદ્ધિ .. .. ..”

આ લોકડાઉનનો સમય છે. એકબીજા જોડે અથડાવાનો નહીં, પણ.. એકબીજાને ઓળખવાનો સમય છે. ઘેરમાં ગેરસમજથી, ઘણીવાર ઘરને આપણે સ્મશાન જેવું સન્નાટાથી ભરી દીધું છે. આવો, આ લોકડાઉનને આપણે… લાગણીનું, એકબીજાની હેલ્પનું, Talk of the Town બનાવીએ.

આ કથા લખતા હું ચાર વાર રડ્યો છું. પડેલું તમારું એકાદ આંસુ, લોકડાઉન પછીની જિંદગીનું પાસું બદલી શકે.

(લેખક: પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.