આ ત્રીજી લહેરને નોતરશે !! પાટણમાં ટોપલા ઉજવણીમાં 700 જેટલી મહિલાઓ એકત્ર થઈ અને પછી…

દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં દરરોજ ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. કોરોનાને લઈ લોકોએ હવે રાહતના શ્વાશ લીધા છે. આ સાથે ગુજરાત સરકારે પણ વ્યાપાર, સિનેમા, જિમ, સરકારી ઓફિસો, હોટેલ અને નાના મોટા ધંધાર્થીઓ માટે છૂટ આપી છે. ત્યારે ફરી એકવાર કેટલાય લોકો કોરોના નિયમો ભૂલીને ત્રીજી લહેરને આમંત્રિત કરી રહ્યા છે.

પાટણના સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે જોગણી માતાની ટોપલા ઉજવણી દરમિયાન 700થી વધારે મહિલાઓ માથે ટોપલા લઈ એકત્ર થઈ હતી. મહિલાઓએ કોરોના ગાઈડલાઈનોના ધજાગરા ઉડાડ્યા છે. જાણે કે કોરોના હોય જ નહીં તેમ બિન્દાસ બનીને મહિલાઓએ ટોપલા ઉજવણી કરી હતી. વર્ષો જૂની ટોપલા ઉજવણીમાં મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરે છે.

આ ઉજવણીનો વીડિયો વાઈરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ પોલીસ એક્ટિવ થઈને આ મામલે તપાસ શરૂ કરી છે. આ મામલે એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે, ‘આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને તેની તપાસ DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.’