બગસારની આ મહિલા કરે છે ખાસ પ્રકારની ખેતી, દરેક ખેડૂતોએ ખાસ વાંચવી આ માહિતી…

બગસરા તાલુકાના નાના એવા સુડાવડ ગામે છેલ્લા પાંચ વરસથી ગાય આધારિત ખેતી કરતા તુલસી નેચરલ ફાર્મિંગ પરિવારે લુપ્ત થતા દેશી શાકભાજીના બીજને તૈયાર કરીને ગુજરાતના અનેક ખેડૂતો અને શહેરમાં કિચન ગાર્ડન કરી શકાય તેના માટે બાર પ્રકારના દેશી શાકભાજીના બીજનું એક પેકિંગ તૈયાર કરીને દરેકના ઘર સુધી પહોંચતુ કરનાર મહિલા નયનાબેન પ્રવિણભાાઇ આસોદરિયાને સુડાવડ ખોડિયાર મંદિરે વિશ્ર્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ પરિવાર બગસરા દ્વારા “કૃષિ નારીરત્ન એવોર્ડ” અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા અને સંસ્થાની મહિલાઓના હસ્તે આપવામાં આવ્યો હતો. જેમાં નયનાબેનને સંસ્થા તરફથી સન્માન પત્ર, શાલ અને 11 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

એવોર્ડની પસંદી કરનાર વિશ્ર્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના નિયામક દેવચંદભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે લોકો ગામડું અને ખેતી છોડી રહ્યાં છે ત્યારે મહિલા ખેતરમાં કાર કરીને તૈયાર થતા પાકનું પ્રોસેસિંગ, ગ્રેડીંગ, પેકિંગ, કરીને તુલસી બ્રાન્ડથી સમગ્ર ગુજરાતમાં ઘરે બેઠા સોશ્યલ મિડિયાના મારફત ઉત્પાદનનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે આવી મહિલાઓને સંસ્થા પુરસ્કારરૂપે એવોર્ડ આપીને વધુ સક્ષમ બનવા અને અન્ય કૃષિક્ષેત્રે સંકળાયેલ મહિલાને ઉદાહરણરૂપ બની રહે તેવો સંસ્થાનો હેતુ છે.

આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયાનું પણ તુલસી નેચરલ ફાર્મિંગ પરિવાર વતી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અમરેલી જીલ્લા ખોડલધામ કન્વિનર રમેશભાઇ કાથરોટીયા અને બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસીયા દ્વારા પણ નયનાબેન આસોદરીયાનું શ્રી યંત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે રમેશભાઇ કાથરોટીયાએ જણાવ્યું કે ઓર્ગેનિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. અમે તો ખરીદી કરીએ છીએ તેમજ અન્ય ખાનાર વર્ગ પણ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પાસેથી ખરીદી કરે તેવો અમારો સતત પ્રયત્ન હોય છે.

જ્યારે કાંતિભાઇ સતાસીયાએ જણાવ્યું કે જાહેરમાં ખેતી કરતી મહિલાઓનું સન્માન કરવાનો દેવચંદભાઇ સાવલિયાનો વિચાર સરાહનીય છે. શાયોના ગૃપ વિસાવદરના ઘનશ્યામભાઇ સાવલિયાએ જણાવ્યું કે આસોદરીયા પરિવાર હંમેશા રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં ગાય આધારિત ખેતીના પ્રચારક પ્રફુલભાઇ સેંજલીયાએ જણાવ્યું કે પ્રવિણભાઇ અને તેમના પત્ની જે કામ કરી રહ્યાં છે તેમાં કોઇ મોટી મશીનરી કે આવડતની જરૂર નથી.

પ્રવિણભાઇ આસોદરીયાએ કહ્યું હતું કે એવોર્ડ મળે એટલે અમારી ખેડૂતો પ્રત્યે અમારી જવાબદારી વધી જાય છે. અગાઉ રાજ્યપાલ દેવવ્રતજી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે.