થોરાળા: સગીરા પર દુષ્કર્મના આરોપીએ વૃદ્ધાને છરી ઝીંકી

કેસ પાછો ખેંચવાનું કહી માથાકૂટ કરી: હુમલાખોરે ફિનાઇલ ગટગટાવ્યું

શહેરમાં આવેલા થોરાળા વિસ્તારમાં ત્રણેક વર્ષ પૂર્વે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીએ સમાધાન કરવા મુદ્દે ઝઘડો કરી સગીરાની દાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં આરોપીએ ફિનાઈલ પી લીધું હોવાનું તડખટ રચતા પોલીસે આરોપીને સંકજામાં લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા મેઈન રોડ પર આવેલા બાલકદાસની જગ્યા પાસે રહેતા હીરાબેન ગોવિંદભાઈ સોલંકી નામના 68 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા. ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કેવલ સોંદરવા સહિત અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં હુમલાખોર કેવલ કિશોરભાઈ સોંદરવાએ પણ ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધાની પુત્રી ઉપર હુમલાખોર કેવલ સોંદરવાએ અઢી વર્ષ પૂર્વે દુષ્કર્મ આચર્યું હતું. જે દુષ્કર્મના ગુનામાં સમાધાન કરી કેસ પાછો ખેંચવાનું કહી કેવલ સોંદરવાએ ઝઘડો કરી સગીરાના દાદી ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને ફીનાઇલ પી તરકટ રચનાર હુમલાખોર શખ્સને પોલીસે સકંજામાં લીધો છે. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ.રાઠવા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથધરી છે.