Abtak Media Google News

કોરોનાના મૃત્યુને લઈ રાજકારણ ગરમાશે?

ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવી તમામ દેશોને હંફાવી દીધા છે. જો કે હાલ કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેમ ભારતમાં કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. કોરોનાએ વિશ્વભરમાં લાખો લોકોના જીવ લીધા છે. પરંતુ જેમ વૈશ્વિક દૃષ્ટિએ કોરોના મૃતકોનો આંકડો નક્કી નથી કરી શકાતો તેમ ભારતમાં પણ હજુ કોરોના મૃતકોની સંખ્યાનું ચિત્ર અસ્પષ્ટ છે.

આ વચ્ચે ગઈકાલે સુપ્રીમ કોર્ટે કોરોના મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજનાને મહોર મારી દીધી છે. આ સાથે કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે “કોરોનાને કારણે જ મૃત્યુ થયેલા”ને આ સહાય ચૂકવાશે. અને આ માટે ડેથ સર્ટિફિકેટ માન્ય રહેશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર એ આધાર પર રાજ્ય સરકાર વળતર ચૂકવવાથી મનાઈ કરી શકશે નહીં કે ડેથ સર્ટિફિકેટમાં કોરોનાના કારણે મૃત્યુ થયાનો ઉલ્લેખ ન હોય. અરજીકર્તા જે તે સમયનો કોરોના રિપોર્ટ રજૂ કરી મૃતકના ડેથ સર્ટિફિકેટને અપડેટ કરી શકશે. પરંતુ આ માટે માન્ય પુરાવા હોવા જ જોઈએ. મોતનું કારણ કોરોના જ છે એ સાબિત થવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે.

કોરોના મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારનું આર્થિક વળતર આપવામાં આવશે એ સરકાર અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્ય છે. પરંતુ કોરોના કાળ દરમ્યાન થયેલા મોતની સંખ્યા મુદ્દે અગાઉ પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ ખેલાયો હતો. અને હવે વળતર મુદ્દે ફરી આ જંગ વધુ ચગશે અને રાજકારણ ગરમાશે. સરકારી ચોપડે કોરોનાન મૃતકોની સંખ્યા ઘણી ઓછી બતાવાઈ રહી છે ત્યારે આ સામે વિપક્ષ એનાથી અનેકગણો વધુ આંકડો હોવાનું જણાવી રહ્યા છે. તો જે લોકોએ ડેથ સર્ટિફિકેટ ન કઢાવ્યા હોય એમનું શું..? એમને કઈ રીતે વળતર મળશે..? એવા પ્રશ્નો ઉભા થયા છે અને આ જ પ્રશ્નોને વિપક્ષ વિરોધનો મુદ્દો બનાવી રાજકારણ રમી શકે છે.

ગુજરાતમાં સરકારી ચોપડે કોરોનાથી થયેલા મોતનો આંકડો માત્ર 10 હજાર જેટલો છે જ્યારે આ સામે વિપક્ષનું કહેવું છે કે ગુજરાતમાં કોરોનાના કારણે આશરે 4.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ આંકડાકીય રમત ચોક્ક્સપણે રાજકારણ ગરમાવશે..!! જો કે, અંતે ઉલ્લેખનીય છે કે કોર્ટ કોઈ લાગણી કે ભાવના નહીં પણ પુરાવાને આધારે નિર્ણય લે છે. આમ, કેન્દ્ર સરકારની રૂપિયા 50 હજારની સહાય જોઈતી હશે તો કોરોના મૃતક અંગેના પૂરતા પુરાવા રજૂ કરવા જ પડશે..!!

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઇ મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુ માટેનું કારણ તરીકે કોરોનાનો ઉલ્લેખ નથી તો પણ સરકાર વળતર આપવાથી ઇનકાર કરી શકે નહીં. જો સર્ટિફિકેટ પહેલેથી જ આપવામાં આવ્યું હોય અને પરિવારના કોઈપણ સભ્યને વાંધો હોય તો તેઓ સંબંધિત સત્તાવાળાને અપીલ કરી શકે છે. આરટી-પીસીઆર જેવા જરૂરી દસ્તાવેજો બતાવવા પર ઓથોરિટીએ ડેથ સર્ટિફિકેટમાં ફેરફાર કરવો પડશે. આ પછી પણ, જો પરિવારને કોઈ વાંધો હોય, તો તે ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ જઈ શકે છે.

ગઈકાલની અંતિમ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સહાયની રકમ માટે અરજીકર્તએ કોવિડ ડેથ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. રાજ્ય સરકારો SDRF પાસેથી આ નાણાં આપશે અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી નાણાંનું વિતરણ કરશે. આ માટે, જે કોઈ દાવેદાર છે, તે સંબંધિત સત્તામંડળ સમક્ષ જરૂરી દસ્તાવેજો અને મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરશે અને દસ્તાવેજના જમા કર્યા પછી, તેની ચકાસણી કરવામાં આવશે અને 30 દિવસની અંદર તેને સહાયની રકમ આપવામાં આવશે. આ રકમ આધાર સાથે જોડાયેલી હશે અને મૃતકના સગાને ડિરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર પ્રક્રિયા દ્વારા રકમ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.