હજારો કિ.મી. દૂર દુશ્મનનો ખાત્મો બોલાવવા સેટેલાઈટ કંટ્રોલ મશીનગન

સેટેલાઈટના માધ્યમથી સંચાલિત મશીનગન દ્વારા ઈરાનના વૈજ્ઞાનિકની હત્યા થઈ હોવાનો આક્ષેપ: ઈઝરાયલ ઉપર શંકાની સોય

ઈરાનના પરમાણુ વૈજ્ઞાનીકની હત્યા બાદ અનેક રહસ્યો પરથી પડતો ઉંચકાતો જાય છે. મોહસેન ફખરીઝદન તેના ૧૧ સુરક્ષા જવાનો સાથે તહેરાન નજીક હતા ત્યારે એકાએક મશીનગનમાંથી ધાણીફૂટ ગોળીઓ છુટી અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવની તપાસમાં સ્થળ પરથી કોઈ મળી આવ્યું ન હતું. અલબત ઈઝરાયલે સેટેલાઈટથી સંચાલીત મશીનગનથી હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યાં છે.

ઘટના સ્થળ નજીકથી તપાસમાં નિશાન કંપનીની પીકઅપ મળી આવી હતી. આ પીકઅપ ઉપર મશીનગન લાદવામાં આવી હતી અને છેક હજારો કિ.મી. દૂરથી સેટેલાઈટ માધ્યમથી મશીનગનમાં નિશાન સાધવામાં આવ્યું અને ૧૩ રાઉન્ડ ધડાધડ ફાયરીંગ થયું હતું. ઈરાનના વૈજ્ઞાનિકનો મોઢા પર નિશાનો રાખવામાં આવ્યો હતો. આ મશીનગનથી નિશાન સાધવા માટે સેટેલાઈટનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળે છે.

આ ઘટના પાછળ ઈરાનની સરકારે ઈઝરાયલની જાસૂસી સંસ્થા અને મુઝાહુદ્દીન ઓફ ઈરાનનો હાથ હોવાની શંકા વ્યકત કરી છે. રિમોર્ટ કંટ્રોલથી સંચાલીત ઓટો મેટીક મશીનગનના ઉપયોગે સમગ્ર વિશ્ર્વમાં ચર્ચા છેડી છે. અત્યાર સુધીમાં આવી રીતે આતંકીઓ ઉપર હુમલા થતાં આવ્યા છે. ડ્રોનના માધ્યમથી આતંકીઓનો ખાતમો બોલાવવા અમેરિકા, ઈઝરાયલ અને ફ્રાન્સ સહિતના દેશો કાર્યરત રહ્યાં છે. અલબત કોઈ એક વ્યક્તિની હત્યા માટે સેટેલાઈટનો ઉપયોગ કરવાનું પ્રથમ વખત જોવા મળ્યું છે. ખાસ કરીને ઈરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યો છે અને ઈરાન દ્વારા અત્યાર સુધીમાં ચલાવવામાં આવેલો પરમાણું કાર્યક્રમ ઈઝરાયલ સહિતના ઘણા દેશોની આંખમાં કણાની જેમ ખટકતો હતો. એક સમયે ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ પણ આ કાર્યક્રમના વડા એટલે કે, મોહસેન ફખરીઝદન ઉપર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ સમયાંતરે કાર્યક્રમ થોડો આગળ વધ્યો હતો. જો કે હવે ઈરાનના આ પ્રમુખ વૈજ્ઞાનિકની હત્યા થઈ જતા આંગળી ઈઝરાયલ ઉપર ચિંધાઈ છે.