Abtak Media Google News

ટ્રેક્ટર અને ટેન્કર અથડાતા વઢવાણના યુવાનને અને આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા મોજીદડના યુવાનને કાળ ભેટ્યો: બાળકી સહિત બે ઘાયલ

લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરમાં સવાર વઢવાણના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર આઈસર ચાલકે બાઈકને ટક્કર મારતાં મોજીદડના યુવકનું મોત થયું હતું. બન્ને અકસ્માતોમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બન્ને વાહનના ચાલકો ફરાર થઈ ગયા હતા. લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર અંકેવાળિયા ગામ નજીક ટ્રેક્ટર અને દૂધ ભરેલું ટેન્કર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટ્રેક્ટરના 2 ટુકડા થઈ ગયા હતા. જ્યારે દૂધ ભરેલું ટેન્કર ગલોટ્યા ખાઈ રોડ નીચે ખાડામાં ઉતરી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર વઢવાણના મૂળીવાસમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે ચેતનસિંહ ડોડિયા અને મહાવીરસિંહ દિલીપસિંહને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘાયલોને સારવાર માટે લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કુલદીપસિંહ ડોડિયાનું કરુણ મોત નીપજ્યું હતું.

ચુડા તાલુકાના મોજીદડ ગામના મોજુભાઈ ઉર્ફે મહેશભાઈ જસમતભાઈ ડાંગરોચા બાઈક પર તેમની 4 વર્ષની ભાણી ક્રૃપાલીને લઈ લીંબડી મુકવા આવી રહ્યા હતા ત્યારે લીંબડી-રાણપુર રોડ પર પાંદરી ગામ નજીક માઈનોર કેનાલ પાસે આઇસર ચાલકે તેમના મોટર સાઈકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી આઇસર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મહેશભાઈ ડાંગરોચા અને ક્રૃપાલીને ઈજા પહોંચી હતી. 108 દ્વારા બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે મહેશભાઈને મૃત જાહેર કર્યાં હતા.

તો વધુ એક અકસ્માતના બનાવમાં અંકેવાળીયા ગામ પાસે ટ્રેક્ટર અને દૂધ ભરેલુ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે હાઇ-વે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.