મોરબીમાં રૂ.7.24 લાખની લૂંટમાં પિતરાઈ ભાઈ સહિત ત્રણની ધરપકડ

મની ટ્રાન્સફરના વેપારીને આંતરીને ચલાવેલી લૂંટમાં

બાઈક નંબરનાં આધારે ગુનાનો ભેદ ઉકેલાયો: કારખાનાના કોન્ટ્રાકટરે  અન્ય કર્મચારી સાથે મળી  બનાવને  અંજામ આપ્યો: પાંચની  શોધખોળ

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી-માળીયા માર્ગ પર આવેલા બહાદુરગઢના પાટીયા પાસે બે દિવસ પૂર્વે મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા  વેપારીને આંતરી મારમારી રૂ. 724500ની લૂંટના ગાનાનો ભેદ ઉકેલી પિતરાઈ ભાઈ સહિત ત્રણની ધરપકડ કરી રોકડ અને  બે વાહન મળી રૂ. 2,29,500નો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ અને એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા દ્વારા એલસીબી,પેરોલ ફર્લો સ્કોડ અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયાને બાતમી મળી હતી કે આ લૂંટ ના ગુનામાં  મોટરસાઇકલ વપરાયું છે જેથી પોકેટકોપ એપ મારફતે બાઇકના માલિક અંગે સર્ચ કરતા આ બાઇક પાર્થ ભરતભાઇ વડસોલા (રહે.ટીમબડી મોરબી) વાળાના નામે હોય જે બાઇક માલિકની પુછપરછ કરતા આ બાઇક વિશાલ ભરતભાઇ વડસોલા (રહે.પટેલ શેરી,જૂની ટીમબડી, મોરબી) વાળો વાપરતો હોવાનું ખુલ્યું હતુ જેથી પોલીસે તેને ઝડપી લઈ ને પુછપરછ કરતા આ ગુનો તેને અને તેના પિતરાઈ ભાઈ બેચરભાઈ ગણેશભાઈ વડસોલા (રહે.ટીમબડી મોરબી) અને પોતે જે કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટ રાખે છે તે કારખાના લોરેન્જો સીરામીકમાં લોડર ચાલવતા પ્રકાશ રાવજી તાહેડ(રહે.મુ.નેગડીયા અંતરવેલીયા તા.જી.ધાર,મધ્યપ્રદેશ)અને દિલીપ માનસિંગભાઈ આડિયા (રહે.ખાખરીયા જીરી ગામ.સરદારપુર તા.જી.ધાર, મધ્યપ્રદેશ) અને તેની સાથે આવેલા અજાણ્યા માણસો સાથે મળી આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આ તમામ આરોપીઓ તેમજ આ ગુનામાં વપરાયેલ વાહન અને ગુનામાં ગાયક મુદામાલ કબ્જે કરવા માટે તપાસ હાથ ધરી હતી .

જેમાં લૂંટ માં ગયેલ રોકડ રકમ પૈકી રૂ 1,50,000 ની રોકડ તેમજ આ ગુનામાં વપરાયેલ અપાચી મોટરસાઇકલ કી રૂ.50,000 અને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ કી. રૂ.25,000 અને ત્રણ મોબાઈલ કી. રૂ.4500 મળી કુલ રૂ.2,29,500 ના મુદામાલ સાથે ત્રણ આરોપી વિશાલ ભરતભાઈ વડસોલા  બેચર ગણેશભાઈ વડસોલા  અને પ્રકાશ રાવજી તાહેડ  વાળાને ઝડપી પાડ્યા છે તથા અન્ય ગાડીમાં આવેલ દિલીપ નામના આરોપી સહિત પાંચ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ઝડપાયેલા મોરબીના રહેવાસી આરોપી બેચર ગણેશભાઈ વડસોલા   ત્રણેક મહીના પહેલા મહારાષ્ટ્ર રાજ્યના નેવાસા પોલીસ સ્ટેશનમાં ખાંડ ભરેલ ગાડી અન્ય સ્થળે બારોબાર વેચી છેતરપીંડી આચરવાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આ સફળ કામગીરી માં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા ,તાલુકા પોલીસ મથક પીઆઇ વિરલ પટેલ ,પીએસઆઈ એન.બી.ડાભી, પીએસઆઈ એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા તેમજ એલસીબી ,પેરોલ ફર્લો સ્કોડ ,ટેક્નિકલ ટીમ ,અઇંઝઞ તથા મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.