- બેડીપરા પોલીસ ચોકીના પી.એસ.આઇ. મારૂ, એએસઆઇ યોગેશ ભટ્ટ સહિત 11 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, છ શખ્સોને શંકાનો લાભ
- નવ વર્ષ પહેલા અમદાવાદ સ્થિત ડેપો મેનેજર દિનેશ દક્ષિણીની આર્થિક ગોટાળાના મામલે કારમા ઉઠાવી માર મારતા મોતને ભેટ્યા હતા
રાજકોટની રાજમોતી ઓઈલ મિલના અમદાવાદ ઓફિસના મેનેજર દિનેશ દક્ષિણીની થર્ડ ડિગ્રી ટોર્ચરથી હત્યાના ચકચારી ગુન્હામાં મિલ માલિક સમીર મધુકાંત શાહ, દેસાઇ યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમા વગેરે ત્રણને એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માએ આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની ટુંકી હકીકત મુજબ, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ ઉપર આવેલ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના કર્મચારી (મેનેજર)ને હિસાબી કાર્યવાહી માટે રાજકોટ ખાતે બોલાવ્યા બાદ રાજકોટ બી ડિવિઝન પોલીસની કસ્ટડી દરમ્યાન શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ હોવાના અનુસંધાને, દિનેશ દક્ષિણીનું થર્ડ ડિગ્રીથી બેફામ માર મારવાને કારણે મૃત્યુ થયું હોવાનું આવતા મૃતકના સાળા ફરિયાદી અશોક કેવલરામ ઠકકર (રહે. ડીસા)એ રાજમોતી ઓઈલ મિલના માલિક (1) સમીર શાહ, (2) મેનેજર સમીર ગાંધી, (3) બેડીપરા ચોકીના પોલીસ સબ ઈન્સપેકટર મારૂ, (4) આસિ. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ, તથા અન્યો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ધોરણસરની કાર્યવાહી અને પોલીસ તપાસ દરમિયાન પીએસઆઇ મારુએ આત્મહત્યા કરી લીધી હતી.તપાસના અંતે તપાસનીશ અધિકારી દ્વારા સમીર મધુકાન્ત શાહ, એ.એસ.આઇ. યોગેશ ભટ્ટ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા, સ્થાનિક મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધી, સંદીપ કીર્તિકુમાર ગાંધી, ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિપેશ કાંતિલાલ ગુર્જર, વિજય દેવશી સિંધવ, કૈલાસ કુશાગ્ર મારવાડી વિરુદ્ધ કોર્ટમાં અલગ અલગ ચાર્જશીટ કરવામાં આવ્યા હતા.
આ કેસ સેશન્સ કમિટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવતા રાજમોતી ઓઈલ મિલના રાજકોટ ખાતેના મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધીએ તાજના સાક્ષી બનવાની અરજી કરતા તેને કોર્ટ દ્વારા તહોમતદારમાંથી તાજનો સાક્ષી બનાવવામાં આવેલ. તાજના સાક્ષીની જુબાની કોર્ટ રૂબરૂ જુબાની ઉપરથી અન્ય આરોપીઓની સંડોવણી ખુલવા પામતી હોય, જેથી મુળ ફરિયાદી દ્વારા અન્ય આરોપીઓને જોડવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી હતી.
આ કેસમાં તાજના સાથી તરીકે સમીર ગાંધી દ્વારા અદાલત રૂબરૂ જુબાની દરમ્યાન બનાવની સધળી અને સત્ય હકીકતોથી કોર્ટને વાકેફ કરેલ, જે જુબાની દરમ્યાન તેણે રાજમોતી ઓઈલ મિલના બીજા સહભાગીદાર આરોપી સમીર શાહના ભાઈ શ્યામ શાહનો ઉલ્લેખ કરેલ અને તેણે સદરહુ બનાવમાં શું ભાગ ભજવ્યો હતો તે હકીકતો કોર્ટને જણાવી હતી. જેમાં નાણાકીય ગેરરીતી સબબ અમદાવાદ ઓફિસના મેનેજર દિનેશ દક્ષિણીને રાજકોટ લઈ આવવા માટેની સુચના સમીર શાહ સહિતના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી હતી. દિનેશ દક્ષિણીને રાજમોતી ઓઈલ મિલમાં ડરાવવા માટે મારવાની સુચના પણ આપવામાં આવેલ અને ત્યારબાદ પણ મરણજનાર દ્વારા ગેરરીતિની રકમ અંગે ખુલાસો ન આપતા તેઓ દ્વારા બેડીપરા પોલીસ ચોકીના આસી. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ સાથે વાતચીત થયેલ અને સદરહુ રકમ સામ, દામ, દંડ જે રીત અપનાવવી હોય તે અપનાવી પૈસા કઢાવી આપવા જણાવેલ, અને તેઓ દ્વારા મળેલ સુચના મુજબ યોગેશભાઈએ દિનેશ દક્ષિણીને માર મારેલ અને ત્યાં હાજર વોર્ડને એટલે કે કાર્તીક ગડીયાએ નિલેશભાઈના હાથ પકડી રાખેલ હતા. ત્યારબાદ તે બેશુધ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવેલ ત્યાં હાજર ફરજ પરના ડોક્ટરે દિનેશ દક્ષિણી મૃત્યુ પામેલ છે તેવી હકીકત જણાવેલી. આ રીતે તાજના સાક્ષી દ્વારા પોલીસ તપાસમાં જે આરોપીઓ હતા, તે ઉપરાંતના વ્યકિતઓ દ્વારા ગુન્હામાં સક્રીય ભાગ ભજવેલ હોવાની હકીકતો જણાવી હતી.
ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ સદરહુ કામના ફરિયાદી અશોકભાઈ ઠકકરે અદાલતમાં કિ.પ્રો.કો. કલમ – 319 અન્વયે ચાર્જશીટના આરોપીઓ ઉપરાંત શ્યામ શાહ તથા બેડીપરા પોલીસ ચોકીમાં હાજર કાર્તીક ગડીયાને સદરહુ કામમાં ગુનાહીત કૃત્ય આચરેલ હોવા સંબંધની હકીકતો ખુલતા તેઓને પણ તહોમતદારો તરીકે જોડવા અરજી આપવામા આવી છે. જે અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા ખુલાસો કરવા માટે તમામ આરોપીઓને નોટિસ ઈસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ હતો.
કેસની સુનાવણી દરમિયાન બંન પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા, રજૂઆતો દલીલોમાં પ્રોસિક્યુશન તરફથી તોહમતદારમાંથી તાજના સાક્ષી બનેલા મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધીએ જુબાની દરમિયાન પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપી જણાવેલી તમામ હકીકતો તેમજ ફરિયાદી, મૃતકના પત્ની, તપાસનીશ, સાહેબો તેમજ સરકારી સાહેદોને નહીં માનવાનું કોઈ કારણ નથી, તેમ
ઠરાવી અધિક સેશન્સ જજ એસ વી શર્માએ આરોપીઓ સમીર મધુકાંત શાહ, એ.એસ.આઇ. યોગેશ ભટ્ટ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે, જ્યારે સમીર ગાંધી સંદીપ ગાંધી ધર્મેન્દ્ર પટેલ, ત્રિદેવ ગુર્જર, વિજય સિંધવ અને કૈલાશ મારવાડી વગેરેને શંકા નો લાભ આપી છુટકારો ફરમાવ્યો છે જ્યારે અન્ય એક આરોપી કીર્તિકુમાર ગાંધીનું ચાલુ કેસે મૃત્યુ થતાં તેની સામેનો કેસ એડિટ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે એડવોકેટ દરજ્જે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદુકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, હીતેષ જી. ગોહેલ, મનીષ આર. ગુરૂંગ તથા નિશાંત એમ. જોષી તેમજ સદરહુ કામમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે અમદાવાદના ચેતનભાઈ શાહ, સહાયક હિરેન પટેલ રોકાયા હતા.
ચાર્જશીટ થયાં પૂર્વે જ પીએસઆઈ અનિલ મારૂએ આપઘાત કરી લીધો’તો
મૃતક દિનેશ દક્ષિણીને રાજમોતી ઓઇલ મીલ અને બેડીપરા પોલીસ ચોકી ખાતે મરણતોલ માર મારવાના પ્રકરણમાં તત્કાલીન પીએસઆઈ અનિલ મારૂને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો હતો પણ ગુનામાં ચાર્જશીટ દાખલ થાય તે પૂર્વે જ અનિલ મારૂએ આપઘાત કરી લેતા ચાર્જશીટમાં ફક્ત દસ લોકોને જ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
સમીર શાહનો મેનેજર તાજનો સાક્ષી બની જતાં કેસની કડી સજા તરફ ભણી
સમગ્ર મામલામાં પોલીસે સમીર શાહ સહીત કુલ 11 શખ્સોંને આરોપી ફરીયાદમાં આરોપી તરીકે બતાવ્યા હતા. જે પૈકી સમીર શાહનો મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધી તાજનો સાક્ષી બની જતા આખેઆખા કેસની દિશા બદલાઈ હતી અને કેસની કડી સજા તરફ ભણી હતી. જેના પગલે સમીર શાહ, પોલીસમેન યોગેશ ભટ્ટ અને ડ્રાયવર ક્રિપાલસિંહ ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.