Abtak Media Google News

ભારતે રૂ.58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

અબતક, જામનગર

ચીન સાથે ચાલી રહેલા લશ્કરી વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ તાકાત મળશે. ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો બુધવારે એટલે કે આજે ગુજરાતના જામનગરમાં ઉતરશે. ત્રણ નવા ફાઇટર જેટ રૂ. 60,000 કરોડના સોદાના ભાગરૂપે 2016માં ભારતે ઓર્ડર કરેલા કુલ 36માંથી 29 રાફેલની સંખ્યામાં વધારો થશે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણ રાફેલ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમવાર આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.

કેન્દ્રએ લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે આંતર-સરકારી કરાર કર્યો હતો. ગયા વર્ષે 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો ભારત

પહોચ્યો હતો. આ ત્રણ રફેલ બાદ વધુ ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પહેલા ભાગમાં ભારત પહોંચશે અને 26 જાન્યુઆરી સુધીમાં તેને ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે. યોજના મુજબ, 36 માં છેલ્લા રાફેલમાં વિશેષ ઉપકરણોનો સમાવેશ થશે જે તેને વધુ ઘાતક અને સક્ષમ બનાવશે.

ભારતીય વાયુસેનાની અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રન જુલાઈ, 2020 અને જાન્યુઆરી 2021 ની વચ્ચે 11 રાફેલ ફાઇટર જેટ પહેલેથી જ સામેલ કરી ચૂકી છે. તેમને લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે. મે 2020 ની શરૂઆતથી, ચીન સાથે સરહદ વિવાદ બાદ સેના હાઈ એલર્ટ પર છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે કોરોના હોવા છતાં તમામ ફાઇટર વિમાનો 2022 સુધીમાં નિયત સમયમાં ભારતને સોંપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.