- ક્રિકેટ રસિકો આનંદો
- ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે 13 નવેમ્બર, 16 નવેમ્બર અને 19 નવેમ્બરે જામશે ક્રિકેટ જંગ
- વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે અમદાવાદમાં ઓક્ટોબરમાં ટેસ્ટ અને સાઉથ આફ્રિકા – ટીમ ઇન્ડિયા વચ્ચે ડિસેમ્બરમાં ટી-20 જંગ
બીસીસીઆઇ દ્વારા આજે ટીમ ઇન્ડિયાની હોમ સિઝનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા આનંદના સમાચારએ છે કે દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનામાં ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની એ–ટીમ વચ્ચે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રણ વન–ડે મેચ રમાશે. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક ટ્વેન્ટી–ટ્વેન્ટી મેચની પણ ફાળવણી કરવામાં આવી છે.
ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા એ–ટીમ વચ્ચે આગામી 13 નવેમ્બરે પ્રથમ વન–ડે, 16 નવેમ્બરે બીજો વન–ડે અને 19 નવેમ્બરે ત્રીજો વન–ડે રમાશે. જો કે, પાંચ વન–ડેની શ્રેણીના ત્રીજા–ચોથા અને પાંચમા વન–ડેની ફાળવણી રાજકોટને કરવામાં આવી છે. 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ભારતીય એ–ટીમ અને સાઉથ આફ્રિકા એ–ટીમ વચ્ચે ચાર દિવસીય મેચ અને ત્યારબાદ 6 થી 9 નવેમ્બર દરમિયાન બીજી ચાર દિવસીય મેચ રમાશે. જેનું સ્થળ હજુ ફાઇનલ કરવામાં આવ્યું નથી.
આજે બીસીસીઆઇ દ્વારા ભારતીય મહિલા અને પુરૂષ ટીમના ઘરઆંગણે શ્રેણી માટેના ટાઇમ–ટેબલની ઘોષણા કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. જે ન્યૂ ચંદીગઢ અને દિલ્હી ખાતે ત્રણ વન–ડે મેચ રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયા મેન્સ ટીમ પણ ભારતના પ્રવાસ દરમિયાન 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લખનઉ ખાતે પ્રથમ ચાર દિવસીય મેચ અને ત્યારબાદ 23 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બીજી ચાર દિવસીય મેચ રમાશે. બંને ટીમો વચ્ચે 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરના રોજ કાનપુર ખાતે વન–ડે રમાશે.
ઓક્ટોબર માસમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ બે ટેસ્ટ રમવા માટે ભારતના પ્રવાસે આવી રહી છે. શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે 2 થી 6 ઓક્ટોબર દરમિયાન રમાશે. જ્યારે બીજો ટેસ્ટ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી ખાતે રમાશે. સાઉથ આફ્રિકાની ટીમ નવેમ્બર–ડિસેમ્બર માસમાં ભારતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન સાઉથ આફ્રિકાની એ–ટીમ અને ભારત–એ ટીમ વચ્ચે 13 નવેમ્બર, 16 નવેમ્બર અને 19 નવેમ્બરના રોજ ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રણ વન–ડે રમાશે. જ્યારે બંને દેશોની સિનિયર મેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે 14 થી 18 નવેમ્બર દરમિયાન કોલકત્તા ખાતે પ્રથમ ટેસ્ટ, 22 થી 26 નવેમ્બર વચ્ચે ગુહાટી ખાતે બીજો ટેસ્ટ જ્યારે 30 નવેમ્બરે રાંચીમાં પ્રથમ વન–ડે, 3 ડિસેમ્બરે રાયપુરમાં બીજો વન–ડે, 6 ડિસેમ્બરે વિઝાગમાં ત્રીજો વન–ડે રમાશે. જ્યારે 9 ડિસેમ્બરે કટકમાં પ્રથમ ટી-20, 11 ડિસેમ્બરે ન્યૂ ચંદીગઢમાં બીજો ટી-20, 14 ડિસેમ્બરે ધર્મશાલામાં ત્રીજો ટી-20, 17 ડિસેમ્બરે લખનઉમાં ચોથો ટી-20 અને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે અંતિમ અને પાંચમી ટી-20 મેચ રમાશે.