મોરબીમાં પ્રેમ સંબંધ હોવાની શંકાએ યુવાન પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

યુવતીના ભાઈએ યુવક સાથે બાઈક અથડાવી છરીના ઘા ઝીંક્યા : ત્રણ શખ્સો સામે હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

મોરબીમાં પ્રેમ સંબંધ હોવાની શંકાએ યુવતીના ભાઈ સહિત ત્રણ શખસોએ દિનદહાડે એક યુવકને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. મોરબીના સનાળા બાયપાસ નજીક એક યુવક પોતાના બાઈક ઉપર જતો હતો ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તેની સાથે બાઈક અથડાવી તેને છરીના આંઠથી વધુ ઘા ઝીંકી દીધા હતા.બનાવની જાણ પોલીસને થતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર રહેતા ભરતભાઇ પૂજારાએ પોતાની ફરિયાદમાં જણાવાયું હતુ કે તેના પુત્ર ભાવિક પૂજારા ઈલ્યાસ બ્લોચ નામના શખ્સની બેન સાથે ફોનમાં વાત કરતો હતો અને તે પણ ભાવિકને ફોન કરી વાત કરતી હતી જે વાતનો ખાર રાખી ઈલ્યાસ બ્લોચ તેની સાથે ના નવાઝ બ્લોચ અને શહેબાઝ સિપાઈ નામના ત્રણ શખ્સો સનાળા રોડ પર બાઈક લઈને આવી ભાવિક સાથે અથડાવી તેને છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી તેને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ મોરબી એ – ડિવિઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને તેની ફરિયાદ પરથી પોલીસે ત્રણ સામે ગુનો નોધી તેની શોધખોળ હાથધરી છે.