- ડ્રગ્સના દુષણ સામે જંગ
- એસએમસી પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધીના ચાર મહિનામાં 12 મોટા એનડીપીએસના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવાયા
- કોકેઈન, એમડી, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ.4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત
- ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી સતત ચાલુ રહેશે : એસએમસીને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, એમડી, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.
એસએમસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, પાટણ અને સુરત શહેરમાં એનડીપીએસના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા એસએમસીના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. એસએમસીની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.
નોંધનિય બાબત છે કે, અગાઉ એસએમસી દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, એસએમસીને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે એસએમસીએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
સુરતના પલસાણામાં 14 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના પલસાણા ખાતે પાડેલા દરોડામાં 14.041 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી નશાના ત્રણ કારોબારીઓની ધરપકડ કરવામાં કરી હતી. જ્યારે બેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસએમસીએ પાડેલા દરોડાની વિગત પર નજર કરવામાં આવેલ તો પલસાણાના જોડવા ગામે આરાધના પેલેસ રોડ પર આવેલ આરાધના બ્લોક નંબર બે અને ત્રણ રસ્તા નજીક એસએમસી પીઆઇ સી એચ પનારા અને પીએસઆઇ વી સી જાડેજાની ટીમે દરોડો પાડી રૂ.1.40 લાખની કિંમતના 14.041 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. એસએમસીએ ગાંજો, રોકડ, મોબાઈલ અને બે વાહનો મળી કુલ રૂ. 4.71 લાખના મુદ્દામાલ સાથે રત્નાકર કવિરાજ સવાઈ(ઉ.વ.29 રહે જોલવા ગામ, વાડી ફરિયુ, પલસાણા, સુરત અને મૂળ રહે. ઓરિસ્સા), રાજુ વિજય પટેલ (ઉવ 45 રહે આરાધના બ્લોક નંબર બે, પલસાણા, સુરત મૂળ રહે દેવરીયા, યુપી) અને અભિષેક રામાશંકર પાંડે (ઉ.વ.25 રહે આરાધના બ્લોક નંબર ત્રણ, પલસાણા, સુરત મૂળ રહે ભદિયા, યુપી) ની ધરપકડ કરી હતી. જ્યારે ગાંજાનો જથ્થો મોકલનાર પલસાણાનો રવિ અને મંગાવનાર ચિનુ ગોંડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના જુહાપુરાથી રૂ.9. 79 લાખના એમડી ડ્રગ્સ સાથે બે ‘ભાણીયા’ની ધરપકડ: મામાની શોધખોળ
એસએમસીની ટીમે અમદાવાદના જુહાપુરામાં દરોડો પાડી 97.970 ગ્રામ ના જથ્થા સાથે બેલડી ધરપકડ કરી છે. દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના જુહાપુરા રોડ પર બુસરા હોસ્પિટલની સામેની ખુલી જગ્યામાં પીઆઇ બી એચ રાઠોડ અને પી.એસ.આઇ.સી વી એ શેખની ટીમે દરોડો પાડી રૂ. 9,79,700 ની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. એસએમસીની ટીમે ડ્રગ્સ, મોબાઈલ, રોકડ અને બે વાહન મળી કુલ રૂ. 23,78,700 નો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ વેચનાર અલ્તાફ સિરાજભાઈ શેખ (ઉ.વ.35 રહે અંબા ટાવર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં, સરખેજ, અમદાવાદ) અને મેફેડ્રોન ખરીદનાર પાર્થ રાજેશભાઈ પટેલ(ઉ.વ.34 રહે. ઘર નંબર 29, દસકોઈ, અમદાવાદ) ની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનથી જથ્થો મોકલનાર મામા નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.