- લીલીયા તાલુકાનાં ખારા ગામનાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોતને પગલે કરુણાંતિકા: એક યુવક ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલા હાવતડ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહીત ત્રણનું મોત થયું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટના સ્થળે ત્રણેય મૃતકો લીલીયાના ખારા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે છકડો રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા પ્રથમ સ્થાનિક દામનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર અર્થે યુવકને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રાત્રે છકડો રીક્ષા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે એક યુવકને ગંભીર ઇજા સાથે અમરેલી સિવીલમા રીફર કરાયો છે.
અકસ્માતની આ ઘટના રાત્રે પોણા આઠેક વાગ્યાના સુમારે લાઠીના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે હાવતડ નજીક બની હતી. લીલીયા તાલુકાના ખારા ગામના દેવીપુજક પરિવારના જગદીશભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઇ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઇને બે વર્ષની પુત્રી રાજલ એમ ત્રણ વ્યકિત મોટર સાયકલ લઇ દામનગર જવા નીકળી હતી. તેઓ જયારે હાવતડથી આગળ જઇ રહ્યાં હતા ત્યારે સામેથી આવી રહેલી છકડો રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા છકડો પણ રોડ પર પલટી ખાઇ ગયો હતો.
દામનગર પોલીસ ઘટના સ્થળે દોડી આ ઘટનામા જગદીશભાઇ, દિનેશભાઇ તથા રાજલનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે છકડા ચાલકને અમરેલી સિવીલમા ખસેડાયો હતો. બનાવની જાણ થતા દામનગરના પીઆઇ આર.વાય.રાવલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેય મૃતદેહ પીએમ માટે દામનગર દવાખાને ખસેડયા હતા.
બાવળા નજીક હિટ એન્ડ રનમાં પદયાત્રીનું મોત : એક ઈજાગ્રસ્ત
અમદાવાદથી ચોટીલા જતા બે પદયાત્રીઓને ભમાસરા પાટીયા અકસ્માત નડયો છે, મોડી રાત્રે આ ઘટના બની છે. સલામતી માટે પાછળ કાર ચાલી રહી હતી અને કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા આ ઘટના બની છે, તો ટક્કર મારી અજાણ્યું વાહન ફરાર થઈ ગયુ હતુ,જેમાં આગળ ચાલી રહેલા બંને પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે જેમાં સારવાર દરમિયાન રઘુભાઈ દેસાઈ ઉંમર વર્ષ 37 નું મૃત્યુ છે. તો ઇજાગ્રસ્ત દીપ પટેલ ઉંમર વર્ષ 27ને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે.