રાજકોટ નજીક ચેકડેમમાં કપડા ધોવા ગયેલી માતા-પુત્રી સહિત ત્રણ યુવતીના ડુબી જતા મોત

રાજકોટ શહેરની ભાગોળે કાંગશીયાળી અને ઢોલરા ગામની વચ્ચે આવેલા ચેકડેમમાં કપડા ધોવા ગયેલી રસુલપરાની માતા-પુત્રી સહિત ત્રણ યુવતી અકસ્માતે ડુબી જતાં રાજકોટ ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ત્રણેય યુવતીના મૃતદેહ બહાર કાઢી પરિવારને સુપ્રત કર્યા હતા.

આ ઘટના અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ રસુલપરામાં રહેતી મીઠુબેન કાળુભાઈ પરમાર (ઉ.40) તેની પુત્રી શીતલબેન કાળુભાઈ પરમાર (ઉ.17) અને પાડોશી કોમલબેન ચનાભાઈ રાઠોડ (ઉ.18) ગઈકાલે બપોરે કાંગશીયાળી અને ઢોલરા ગામની વચ્ચે આવેલા ચેકડેમમાં કપડા ધોવા ગઈ હતી.

કપડા ધોવાઈ ગયા બાદ એક યુવતીનો પગ લપસતા અકસ્માતે ઉંડા પાણીમાં ગરક થઈ જતાં તેને બચાવવા માટે એક પછી એક ત્રણેય યુવતી પાણીમાં પડી હતી પરંતુ તરતા આવડતું ન હોવાના કારણે ત્રણેય યુવતી ડુબી ગઈ હતી.

આ ઘટનાની ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફોન દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિએ જાણ કરતા મવડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ત્રણેય હતભાગી યુવતીના મૃતદેહ બહાર કાઢી પરિવારજનોને સુપ્રત કર્યા હતા. આ બનાવની તપાસ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ, દિલીપભાઈ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.