મહાત્મા ગાંધી જીવનભર અહિંસા પ્રત્યેની તેમની માન્યતા માટે કટિબઘ્ધ રહ્યાં

વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ ર ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમચંદ ગાંધીની બદલી થતાં એમનું કુટુંબ રાજકોટ આવ્યું એટલે એમણે રાજકોટમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે એમની ઉંમર બાર વર્ષની હતી.

ઇ. સ. 1887માં ગાંધીજીએ મેટ્રીક પરીક્ષા પાસ કરી અને ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પણ અહીં એમને ફાવ્યું નહીં, ત્યાર બાદ ગાંધીજી વિલાયત વકીલાત ભણવા માટે ગયા, અહીં એમને ઘણી તકલીફ પડવા લાગી, અંગ્રેજીમાં બરાબર બોલતા એમને આવડતું નહોતું, જમવાની પણ મોટી સમસ્યા હતી. તેમણે માંસાહાર નહીં કરું એવી પ્રતિજ્ઞા લીધેલ હતી તેથી ત્યાં શાકાહારી ભોજન શોધવામાં ખુબ મુશ્કેલી પડતી હતી.  વિલાયતમાંથી ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત આવ્યા.

તેઓ કાયમ સત્ય અને અહિંસાનાં પથ પર જ ચાલ્યા હતાં. તે કહેતા કે સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું, સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મુકે ત્યાં સુધી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવ સિધ્ધ વાત છે. ગાંધીજીનાં જન્મ દિવસને અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ દર વર્ષે ર ઓક્ટોબરના રોજ, મહાત્મા ગાંધીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જાન્યુઆરી ર004માં, ઇરાની નોબેલ વિજેતા શિરીન ઇબાદીએ મુંબઇનાં વર્લ્ડ સોશિયલ ફોરમમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણાવતા પેરિસનાં એક હિન્દી શિક્ષક પાસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિચાર ધીમે ધીમે ભારત સરકારનાં નેતાઓનું ધ્યાન આકર્ષિત કર્યું ત્યારબાદ લાંબી જેહમત બાદ ર ઓક્ટોબરે ગાંધીજીનાં જન્મદિવસે અહિંસા દિવસ ઉજવવાનું નક્કી થયું.