Abtak Media Google News

કોઈમ્બતુરમાં સંઘની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરી: સ્વ. પ્રવિણ મણીયાર અને હાસ્ય લેખક તારક મહેતાને અંજલી આપતા ઠરાવ

ઉત્તરપ્રદેશમાં ઔતિહાસિક મેન્ડેટ મળ્યા પછી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ શાસિત તેમજ સાથી પક્ષોના મુખ્યપ્રધાનો, નેતાઓની ઉપસ્થિતિમાં યોગી આદિત્યનાથ અને તેમના પ્રધાનમંડળનો શપથવિધિ સંપન્ન થયો હતો. તેમાં હાજરી આપ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તુરત જ તામીલનાડુની વાટ પકડી હતી. કોઇમ્બુતુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મહત્વની ગણાતી ત્રણ દિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિ સભાનો રવિવારથી પ્રારંભ થયો છે અને તેમાં સોમવારે સંઘ સુપ્રીમો મોહન ભાગવત હાજરી આપવા પહોંચી રહ્યા હોવાથી તેમની સાથે મહત્વની મંત્રણા માટે શાહ ત્યાં પહોંચ્યા છે. સંભવત: રાષ્ટ્રીય અધ્યક્ષ ચાલુ સપ્તાહમાં ૨૩મીથી ગુજરાત આવી પહોંચે તેવા સંકેતો છે.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલા અભૂતપૂર્વ જનાદેશ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૨૦૧૯ લોકસભામાં પુન: ઐતિહાસિક જીત મેળવવાની રણનીતિ ઘડવાની તૈયારી શરૂ કરી છે. તેમાં સંઘની ભૂમિકા મહત્વની છે. આ પૂર્વે ભાજપને કર્ણાટક અને તામીલનાડુ જેવા રાજ્યોમાં પોતાનો પ્રભાવ ઊભો કરવો જરૂરી છે. એક વર્ષમાં બન્ને રાજ્યોની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. આથી ઉત્તરપ્રદેશમાં સંઘ સાથે મંત્રણા બાદ અમલી બનાવાયેલી રણનીતિને આ રાજ્યોમાં કેવી રીતે અમલી બનાવી શકાય તેના અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને સંઘે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોથી આદિવાસી, પછાત અને અન્ય પછાત વર્ગના સંમેલનો યોજ્યા હતા. આ સંમેલનોના નિષ્કર્ષના આધારે કેવા પ્રકારની વ્યૂહરચના ગોઠવવી તેની પણ ચર્ચા કરશે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ ચાલુ સપ્તાહમાં ગુજરાત આવી શકે છે. જોકે, તેમના સમય અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. સૂત્રો કહે છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  ઉત્તરપ્રદેશથી સીધા જ કોઇમ્બુતુર પહોંચ્યા છે અને સંભવત: બે દિવસ ત્યાં રોકાણ કરી શકે છે. ગુજરાતના પ્રાંત પ્રચારક તેમજ અન્ય આગેવાન સ્વયંસેવકો પણ આ પ્રતિનિધિ સભામાં હાજરી આપવા પહોંચ્યા છે. પ્રથમ દિવસની બેઠકમાં સૌરાષ્ટ્રમાં સંઘની વર્ષો સુધી સેવા કરનાર કર્મઠ સ્વયંસેવક પ્રવિણ મણીયાર તથા પોતાની કલમથી દેશ અને દુનિયાના લોકો પર હાસ્યનો જાદુ પાથરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા લેખક તારક મહેતાને શ્રધ્ધાંજલિ આવતો ઠરાવ પસાર કરાયો હતો. કોઇમ્બુતુરમાં યોજાઇ રહેલી પ્રતિનિધિ સભામાં એક વર્ષમાં સંઘના વિવિધ પ્રકલ્પો, સંસ્થાઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ તેમજ આગામી વર્ષના કાર્યક્રમોની પણ ચર્ચા થવાની છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.