આમ લોકો માટે આયાતી ડ્રોનની જગ્યાએ સ્વદેશી ડ્રોન જ ઉડાવી શકશે

સંરક્ષણ ક્ષેત્રે ડ્રોનની આયાત માટે મંજૂરી અપાશે: ઘટકોની આયાત માટે મંજૂરીની જરૂર નહીં

અબતક, દિલ્લી

ભારત સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા હેઠળ અનેક પ્રયાસ કરી રહી છે, ત્યારે ડ્રોનના નિર્માણમાં દેશને પ્રોત્સાહન મળે તેને લઈને એક નિર્ણય લીધો છે. દેશમાં ડ્રોનના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસો અંતર્ગત બુધવારે કેટલાક અપવાદો સાથે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે સંશોધન અને વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા હેતુઓ માટે ડ્રોનની આયાતને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ આવી આયાતને યોગ્ય મંજૂરીની જરૂર પડશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ડ્રોનના ઘટકોની આયાત માટે કોઈ મંજૂરીની જરૂર રહેશે નહીં. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ એ વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જારી કર્યું છે.ડિજીએફટી એ જણાવ્યું હતું કે, કમ્પલીટલી બિલ્ટ અપ ,કમ્પલીટલી નોક ડાઉન, સેમી નોક્ડ ડાઉન ફોર્મમાં ડ્રોનની આયાત પ્રતિબંધિત છે. શોધ અને વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા હેતુઓ માટે મંજૂરી મેળવવી પડશે.

સીબીયુ , એસકેડી અથવા સીકેડી ફોર્મમાં સરકારી સંસ્થાઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત આર એન્ડ ડી સંસ્થાઓ અને ડ્રોન ઉત્પાદકો દ્વારા ડ્રોનની આયાતની મંજૂરી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે ૯ ફેબ્રુઆરી ૨૦૨૨ થી વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે