ટિકટોકની “ટીકટીક”હમેંશને માટે બંધ: ભારતમાંથી “બોરીયા બીસ્તર” સમેટતું બાઈટ ડાન્સ

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી. ચાઈનાની ટીકટોકની બોલબાલાના વળતા પાણી થઈ ચૂક્યા છે અને બાઈટ ડાન્સે ઉચાળા ભરવા માટે ૨૦૦૦ જેટલા કર્મચારીઓને છુટા કરી દીધા હતા. કંપનીએ કામદારોને બુધવારે બોલાવીને જણાવી દીધુ હતું કે, ટીકટોક વીડિયો પર પ્રતિબંધ મુકાઈ જતાં એક મહિના પછી કંપનીએ ભારતની ૨૦૦૦થી વધુ કર્મચારીઓની ટીમને છુટા કર્યા હતા. ભારતમાં એક મહિના પહેલા ટીકટોક અને અન્ય ૫૮ ચાઈનીઝ એપ્લીકેશન પર પ્રતિબંધ મુકવાના નિર્ણય બાદ કંપનીએ ભારતીય કામદારોને છુટા કરી દીધા હતા.

ટીકટોક ઉપર ખાનગી ડેટા અને વિગતો મુદ્દે સવાલો ઉભા થયા હતા અને ગયા વર્ષે જ તેના પર પ્રતિબંધ જારી કરવાની ગતિવિધિઓ થઈ હતી. પડોશી દેશ વચ્ચે ઉભા થયેલા સરહદી તનાવ બાદ ચાઈનીઝ એપ્લીકેશન કંપનીઓ પર પ્રતિબંધની કવાયત શરૂ થઈ હતી.

ટીકટોકના ઓનર બાઈટ ડાન્સએ કંપનીના ભવિષ્યના આગમનની અનિશ્ર્ચિત પરિસ્થિતિને લઈ આ નિર્ણય લીધો હોવાનું કંપનીના એક આંતરીક જાહેરાતમાં જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, અમને હજુ આશા છે કે, પરિસ્થિતિ ટૂંક સમયમાં રાબેતા મુજબ થઈ જશે. સંપૂર્ણપણે ઉચાળા ભરવાની પરિસ્થિતિનો ઈન્કાર કરી કંપનીએ દાવો કર્યો હતો કે, ભારતમાં એપ્લીકેશન પૂર્ણ ચાલુ થઈ જશે પરંતુ અત્યારે કામ બંધ હોવાથી કંપનીને વધુ કામદારોનું ભારણ પરવડે તેમ નથી. એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, કેટલાક વિસંગત સંજોગોના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. હજુ પરિસ્થિતિ ક્યારે થાળે પડે તે નક્કી નથી. ત્યાં સુધી કર્મચારીઓને છુટા કરવામાં આવી રહ્યાં છે.

ભારતમાં ટીકટોક ઉપર પ્રતિબંધ આવ્યો તે પહેલા ટીકટોક બજારમાં સૌથી મોટી કંપની બનીને બાઈટ ડાન્સે ૨૦૧૯માં ભારતમાં ૧ બીલીયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ભારત સરકારે કેટલાક ચોક્કસ કારણોસર ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકામાં ટ્રમ્પ સરકારે બાઈટ ડાન્સ અને ટીકટોક પર રાષ્ટ્રીય સુરક્ષા અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને પ્રતિબંધ મુક્યો હતો. ટીકટોક પર ઓસ્ટ્રેલીયામાં પણ પ્રતિબંધ આવી ગયો છે. ટીકટોકની ટીકટીક બંધ થતાં હજારો કર્મચારીઓ બેકાર બની ગયા છે.

Loading...