ગુજરાતે દારૂ બાબતે વિધાનસભાના ફ્લોર પર ચર્ચા કરવાનો સમય પાકી ગયો: શંકરસિંહ

શ્રાવણ માસમાં ‘શંકર’નો રણટંકાર

ખાળે ડુચા અને દરવાજા મોકળા! પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગોવા અને મહારાષ્ટ્રથી સપ્લાય થતો દારૂ ગામડે સુધી કંઇ રીતે પહોચ્યો?

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે થતાં કેમિકલકાંડના કારણે અનેક સવાલો થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતની દારૂબંધીના મુદે અવાર નવાર નિવેદન આપતા પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત દારૂબંધી અંગે વિધાનસભાના ફલોર પર ચર્ચા કરી દારૂબંધીથી થતા નુકસાન અને ફાયદા અંગે ચર્ચા થવી જરૂરી ગણાવી છે. દારૂબંધીના કારણે સરકારી તિજોરીને નુકસાન, પ્રજા પાયમાલ અને બુટલેગરો બેફામ બન્યા છે. શું આને દારૂબંધી કહી શકાય તેવા સવાલો કર્યા છે.

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા દારૂબંધી અંગે અનેક વખત નિવેદન આપી ચુકયા છે. ધંધૂકા અને બરવાળા ખાતે થયેલા કેમિકલકાંડના પગલે તેમણે ફરી પોતાના નિવેદને આગળ ધરી કહ્યું હતું કે, દારૂબંધી હોવા છતાં પોલીસથી માંડી ઉપર સુધી હપ્તા પહોચતા હોવાથી દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો નથી. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાત સરકારને કરોડો રૂપિયાની એકસાઇઝ ડયુટીની આવક થાય તેમજ વિકાસ માટે ઉપયોગી બની શકે છે.

દારૂબંધીની આડમાં નશાકીય વસ્તુઓ પર દુધનું દુધ અને પાણીનું પાણી કરવું અતિજરૂરી: દારૂબંધીની આડમાં સરકારી તિજોરીને નુકસાનની સાથે પ્રજા પાયમાલ, બુટલેગર અને લઠ્ઠાકાંડવાળા બેફામ

દારૂબંધી અંગે રાજકીય પક્ષોએ પક્ષાપક્ષીથી પર રહી વિધાનસભાના ફલોર પર ચર્ચા કરવાનો સમય પાકી ગયો હોવાનું કહી અવાર નવાર થતા મોતના તાંડવ જેવી ઘટના પણ અટકાવી શકાય તેમ છે. ગરીબ અને શ્રમજીવી વર્ગને સુધ દારૂ મળવો મુશ્કેલ હોવાથી તેઓ કેમિકલનું સેવન કરી નશો કરતા હોવાથી અનેક વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. બેફામ અને બેરોકટોક રીતે વેચાતા દારૂના હાટડા બંધ કરાવવા જરૂરી બન્યા છે. દારૂબંધીને ટકાવી રાખવા સફેદ કપડાવાળાઓનું પણ કેટલુંક હિત સમાયેલું હોય છે. આવા ઝેરને ‘ઝેર’ કરવું જરૂરી બન્યું છે.

ઝેરી કેમિકલના વેચાણ અને વપરાશના લાયસન્સ કોની પાસે?

ધંધૂકા અને બરવાળાના શ્રમજીવી વર્ગે દારૂ સમજી ઝેરી કેમિકલનો નશો કરતા બે મહિલા સહિત 55ના મોત નીપજ્યા છે. ત્યારે આ પ્રકારનું ઝેરી કેમિકલનો ઉપયોગ શું અને તેના લાયસન્સ કોણ ધરાવે છે તેમજ કંઇ રીતે તેનું વેચાણ કરવામાં આવે છે તે દિશામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન આ પ્રકારના કેમિકલના જરૂરી લાયસન્સ મેળવવામાં ‘સફેદ’ વસ્ત્રધારીઓની સંડોવણી બહાર આવી છે. પીપળેજની એમોજ એન્ટપ્રાઇઝ કંપનીમાં કેમિકલ અંગેનું લાયસન્સ પૂર્વ મંત્રી નલીન

પટેલના પુત્ર સમીર પટેલ, કેમિકલનો ઉપયોગ કરતી ટ્રેડક્સ કોર્પોરેશન ધારાસભ્ય સૌરભ પટેલના પરિવારના સભ્ય અને દસાલધન કેમિકલમાં પૂર્વ સીએમ છબીલદાસ મહેતાના પુત્ર મુનિર મહેતા જોડાયેલા હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે.

મિથેનોલ અને ઇથેનોલ અંગે કેમિસ્ટ્રીના જાણકાર પટેલ શું કહે છે?

ઝેરી કેમિકલના સેવનના કારણે ધંધૂકા અને બરવાળામાં બનેલી દુર્ધટના અંગે કચ્છ યુનિર્વસિટીના પૂર્વ ડીન અને લાલન કોલેજના કેમિસ્ટ્રીના નિવૃત પ્રોફેસર અશ્ર્વિનભાઇ પટેલે ‘અબતક’ સાથે કરેલી ટેલિફોનિક વાત ચીતમાં મિથેનોલ અને ઇથેનોલ શું છે અને તેના સેવનથી શરીરને શું અસર થાય તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઇથેનોલમાં આલ્કોલનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને નુકસાન નહી પરંતુ પાચન ક્રિયા મજબુત બનાવે છે. જ્યારે મિથેનોલ એક પ્રકારનું ઝેર છે. તે પ્લાયવુડ, પેન્ટ કલર, નેઇલ પોલીસ, વિનિયર અને

સનમાઇકામાં ઉપયોગ થાય છે. મિથેનોલ કેમિકલના સેવનથી શરીરમાં ફોરમીક એસિડ બન્યા બાદ ફોલીક એસિડ બનતા શરીરમાં સૌ પ્રથમ ફેફસાને નુકસાન કરે છે. લોહીને પાણી કરે છે અને પેટ ફુલી જતુ હોય છે. જેના કારણે અંધાપો આવતો હોય છે. પ્રોફેસર અશ્ર્વિન પટેલે મિથેનોલની અસરમાંથી મુક્તિ માટે ઉપપાય બતાવતા જણાવ્યું હતું કે ઝેરનું મારણ ઝેર છે એટલે આવા દર્દીને અંદાજે એક થી દોઢ કિલો જેટલા કાચા અને પાકા ટમેટા ખવડાવવા જરૂરી છે. ટમેટામાં ફોલિક એસિડ હોવાથી દર્દીને શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયામાં મદદ થતા દર્દીને રાહત મળે છે.