Abtak Media Google News

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કોર્પોરેશન દ્વારા નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેક્શન માટેના શ્રમદાનનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર કક્ષાની આ ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહનુ દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ  જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨-જી ઓકટોબરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. તેમજ સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં રાજકોટ શહેર અને સૌરાષ્ટના મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ જીલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને ગાંધીજીના સંદેશને તથા પોતાના વિચારોને નિબંધ અને ચિત્ર દ્વારા વ્યકત કરેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફક્ત લાઈટ, રસ્તા, ગટર, પાણી નહિ પરંતુ દરેક તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.

10Rmc Hitra Comp 1

પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજએ જણાવેલ કે, પૂ.બાપુની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે યોજાયેલ સૌરાષ્ટ્ર કક્ષાની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના તમામ સ્પર્ધકો / વિદ્યાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા વતી અભિનંદન પાઠવું છું. બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો તે જ પૂ.બાપુને શ્રધ્ધાંજલિ છે. પૂ.બાપુના જીવન સંદેશ સાદગી અને સત્ય મુજબ હું તમામ વિદ્યાર્થીઓને સંદેશ આપું છું કે, જીવનમાં સાદગી રાખવી, જે સત્ય હોય તેને કોઈ દિવસ છુપાવવું નહિ.

આ કાર્યક્રમમાં શાબ્દિક પ્રવચન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, વિશ્વ આખું જયારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે. ત્યારે આજનો આ કાર્યક્રમ એવા સ્થળે છે. જ્યાં પૂ.બાપુએ શિક્ષણ આ શાળામાં લીધેલ. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં રાષ્ટ્રીય કક્ષાનુ ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. દેશ વિદેશના અનેક પ્રવાસીઓ, લોકો, વિદ્યાર્થીઓ આ મ્યુઝીયમની મુલાકાત લઇ રહ્યા છે અને પૂ.ગાંધીજીણા સંદેશને ઉજાગર કરી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કાર્યક્રમની માહિતી અને રૂપરેખા આપવામાં આવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.