Abtak Media Google News

રાજયમાં નવા જીડીસીઆરના અમલની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: રાજયમાં હાઈરાઈઝ બિલ્ડીંગોને પ્રોત્સાહન અપાશે: બાંધકામના એફએસઆઈમાં વિવિધ છૂટછાટો અપાવાનો નિર્ણય

પૃથ્વી પરના દરેક માણસની પ્રાથમિક જરૂરીયાત રોટી, કપડા અને મકાનની છે. સતત વધતી જતી વસ્તીના કારણે મનુષ્યોમાં આવાસોની સતત માંગ વધતી જાય છે. જેથી, મહાનગરોમાં વધતી વસ્તીના જમીનની તંગીના કારણે વિશ્ર્વના વિકસિત દેશોમાં વર્ટીકલ વિકાસ થઈને ગગનચૂંબી ઈમારતો ઉભી થઈ રહી છે. ત્યારે આપણા દેશ ભારતમાં હજુ પણ વર્ટીકલના બદલે હોરીઝનલ વિકાસ પર વધારે લક્ષ્ય અપાતુ હોય જમીનની તંગી વર્તાઈ રહી છે. મહાનગરોમાં જમીનની તંગીના કારણે જમીનના ભાવો આસમાને પહોચી જવા પામ્યા છે. જેથી કેન્દ્રની મોદી સરકારે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને આવાસની સુવિધા પુરી પાડવા વર્ષ ૨૦૨૨ સુધીમાં એક કરોડ આવાસો બનાવવાની યોજના બનાવી છે.

છેલ્લા થોડા સમયથી મંદીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા કેન્દ્રની મોદી સરકારે વિવિધ ક્ષેત્રોમાં રાહતો આપવાની જાહેરાત કરી છે. જે બાદ રાજયની રૂપાણી સરકારે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ધમધમતુ કરવા ગઈકાલે નવા જીડીસીઆરની અમલ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં વર્ટીકલ બિલ્ડીંગોને પ્રાધાન્ય આપવાની સાથે બાંધકામ માટે મહત્વની એવી એફએસઆઈમાં પણ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીની આ જાહેરાતથી રાજયનો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હરખની હેલી ઉમટી આવી છે. લાંબા સમયની મંદીનો સામનો કરી રહેલા રાજયના રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટરડોઝ મળવાથી તેજી આવશે તેમ મનાય રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વેગ મળે તે માટે સંખ્યાબંધ નવી જાહેરાતો કરી છે, જેમાં પ્રમુખ મહત્ત્વની જોગવાઇઓમાં- અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓના વિસ્તારોમાં ૩૬ મીટર કે તેથી વધુ પહોળા અને ૪૫ મીટરથી નાના રસ્તા ઉપરના બાંધકામોમાં ૩.૬ એફએસઆઈ આપવાનું તથા ૪૫ મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપરના બાંધકામોમાં ૪ એફએસઆઈ આપવાનું તેમજ રસ્તાની બંને બાજુ ૨૦૦ મીટર સુધી જે ઝોનમાં બેઇઝ એફએસઆઈ ૧.૫ અથવા વધુ હોય ત્યાં બાકીની એફએસઆઈ ચાર્જેબલ ગણવાનું નક્કી કર્યું છે.

ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ ૨૦૧૯ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના ૩૦૦૦ બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહવાન કર્યું હતું. આ પ્રોત્સાહનો ડી-૧ની સાથે ડી-૨, ડી-૪ અને ડી-૭ છ કેટેગરીના શહેરો-નગરોમાં પણ મળશે. ડા વિસ્તારમાં આ પ્રોત્સાહનો ઇ-૨ અને ઇ૩ ઝોનમાં નહીં મળે, માત્ર ઇ-૧ ઝોનમાં જ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા ૫૦ થી ૬૦ માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત રૂપાણીએ કરી હતી.

તદુપરાંત ઉપરોક્ત કેટેગરીના મહાનગરો- શહેરોમાં સત્તામંડળના વિસ્તારોમાં અગાઉ ૧.૨ એફએસઆઈ મળતી હતી, તે વધારીને હવે ૧.૮ એફએસઆઈ આપવાનું જાહેર કરાયું છે, જેમાં ચાર્જેબલ એફએસઆઈ સમાવિષ્ટ છે, આ ચાર્જેબલ એફએસઆઈમાંથી મળનારી રકમમાંથી ૫૦ ટકા રકમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને વીજળીનું બિલ ભરવા કે અન્ય જાહેર હેતુના કામો કરવા આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ આ જાહેરાતો અમદાવાદ ખાતે ડાઈ ગુજરાત દ્વારા યોજાયેલા બિલ્ડરોના સેમિનારમાં કરી હતી. આ પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્તિ રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૪૫ મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપરના બાંધકામો માટે ૪ એફએસઆઈ જાહેર થઇ છે, તે અત્યારે સુરત અને વડોદરામાં અપાય છે જ, પણ હવે જોગવાઇનો લાભ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ અર્બન ઓથોરિટી વિસ્તારોમાંયે અપાશે.

વધુમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એવી પણ જાહેરાત કરાય હતી કે, સુરતમાં ટેનામેન્ટ્સમાં કાર્યરત જરી એકમોને પણ એફએસઆઇનો લાભ અપાશે. એવી પણ જાહેરાત કરાય હતી કે,  ડી-૧  અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત અને રાજકોટ શહેરી ઓથોરિટીઓ. ડી-૨  જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ ભરૂચ- અંકલેશ્વર શહેરી ઓથોરિટીઓ, ડી-૪  હિંમતનગર, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી-વાંકાનેર, બારડોલી, નવસારી, આણંદ- વિદ્યાનગર શહેરી ઓથોરિટીઓ, ડી-૭એ  અમરેલી, બોટાદ, ગોધરા, જેતપુર- નવાગઢ, મહેસાણા, નડિયાદ, પાલનપુર, પાટણ, પોરબંદર, વલસાડ, વાપી, વેરાવળ- પાટણ, બિલિમોરા, બોરસદ, ડભોઇ, દાહોદ, ડીસા, ધ્રાંગધ્રા, ધોળકા, ધોરાજી, ગોંડલ, કડી, કેશોદ, ખંભાત, મહુધા, માંગરોળ, મોડાસા, ઓખા, પાલિતાણા, પેટલાદ, સાવરકુંડલા, સિદ્ધપુર, ઉના, ઊંઝા, ઉપલેટા, વિરમગામ અને વિસનગરને વધુ એફએસઆઈના લાભો અપાશે. જ્યારે રાજ્યના શહેરી વિસ્તારોના બાંધકામ ક્ષેત્ર માટે સરકારે કરેલી અન્ય મહત્ત્વની જાહેરાતોમાં નગરપાલિકાની ડી-૮ અને ગ્રામીણ વિસ્તારની ડી-૧૦ કેટેગરીમાં બેઇઝ એફએસઆઈ તરીકે ૧.૨ અને ચાર્જેબલ ૦.૬ મળીને કુલ ૧.૮ એફએસઆઈ મળશે. સોસાયટીઓના કોમન પ્લોટમાં થયેલા બાંધકામને એફએસઆઈમાંથી સંપૂર્ણ મુક્તિ, નોન- ટીપી એરિયામાં નિયત સમય પહેલાં મંજૂર થયેલી બિનખેતી તથા સબ પ્લાનિંગના કિસ્સામાં ૨,૫૦૦ ચો.મી. સુધીના પ્લોટમાં કોઇ કપાત નહીં. એફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરોને પ્રોત્સાહન,  કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જિન રાખી શકાશે. ઇન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જિન ઘટાડી શકાશે.

ઉપરાંત ઓપન ટુ સ્કાય પોલિસી ફક્ત ગામતળ અને કોર સિટીમાં મળશે. સોલર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં નાખી શકાશે. મ્યુનિ. કોર્પો.માં સત્તામંડળોમાં રજિસ્ટર્ડ- એન્જિનિયર- આર્કિટેક્ટ સમગ્ર રાજ્યમાં કામ કરી શકશે. સુરતના જરી ઉદ્યોગના ઉપયોગ ડ્વેલિંગ-૨માં પરવાનગીપાત્ર રહેશે. પેટ્રોલ પંપ તથા ફ્યૂઅલિંગ સ્ટેશનો રોડના જંકશન ઉપર લગાવી શકશે. ૯ મીટરથી ઓછી પહોળાઇના રોડ ઉપર ઉઉ-૧, ઉઉ-૨ પ્રકારના મકાનોની ઊંચાઇ ૧૦ મીટરની ૧૨ મીટર રાખી શકાશે. મોટી રહેણાક સ્કીમ્સમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ તથા બાથરૂમના વપરાયેલા પાણીને બાગ-બગીચામાં ઉપયોગ કરવા પ્રોત્સાહન અપાશે.

જ્યારે રોડની પહોળાઇના સંદર્ભમાં મળવાપાત્ર ઉપયોગોમાં આરોગ્યલક્ષી ઉપયોગોનો સંબંધિત કક્ષામાં ઉમેરો કરાયો. રહેણાક ઝોન-૩માં એજ્યુકેશન-૧ અને ૨માં ૦.૯ની ચાર્જેબલ એફએસઆઈ સાથે કુલ ૧.૨ એફએસઆઈ મળશે. હોલાપ્લિન્થમાં ઇલેક્ટ્રિક મીટર રૂમ માટે ૫૦ ચો.મી. એરિયા એફએસઆઈમાંથી બાદ મળશે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, એર હેન્ડલિંગ યુનિટ, ફાયર ઇક્વિપમેન્ટ અને એર કન્ડિશનિંગ સિસ્ટમ એફએસઆઈમાંથી બાદ મળશે. વડોદરામાં ડી-૧ અને ડી-૨ કેટેગરીમાં ટેનામેન્ટ ટાઇપના બાંધકામમાં એડિશન/ ઓલ્ટરેશનના કિસ્સામાં, જૂના જીડીસીઆરની જોગવાઇ મુજબ ૧.૨ મીટર સુધી સ્લેબ લેવલે બાલ્કની પ્રોજેક્શન મળવાપાત્ર થશે. ૧૫ થી ૨૫ મીટરની બિલ્ડિંગની ઊંચાઇ તથા ઊંડાઇ ૩૦ મીટરથી વધારે ના હોય તેવા કિસ્સામાં સાઇડ અને રિઅર માર્જિનમાં વિહિક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે. ૨,૦૦૦ ચો.મી.થી ઓછા ક્ષેત્રફળના પ્લોટમાં બિલ્ડિંગની ઊંચાઇ ૨૫થી ૪૫ મીટર સુધીની હોય તથા બિલ્ડિંગની ઊંડાઇ ૪૫ મીટરથી વધારે ના હોય તેવા કિસ્સામાં કોઇ પણ એક સાઇડ અને રિયર માર્જિનમાં વિહિક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.