Abtak Media Google News

ભાજપ સંગઠન વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરે: સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઈન્ચાર્જો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો, જિલ્લા ભાજપા પ્રમુખ /મહામંત્રીઓ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ ગઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ આઈ. કે જાડેજા, ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલિયા, પ્રદેશ પ્રવકતા  ભરતભાઈ પંડ્યા તથા પ્રદેશ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ૨૫ ડિસેમ્બરના સુશાસન દિવસે વૈશ્વિક નેતા અને જન નાયક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે ૧૨.૦૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.

પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત ૨૫ ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના બપોરે ૧૨:૦૦ કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરી હતી.

પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટીની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.

અંતમાં પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા કેન્દ્રીયમંત્રી  પરશોત્તમભાઈ રૂપાલાજી એ પણ પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે હું આ તબક્કે આ સર્વે મહાનુભાવોનો હાર્દિક આભાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.