Abtak Media Google News

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાને સાથે રાખી એક હજાર બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવા તૈયારીઓ શરૂ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલની સાથો સાથ ટેસ્ટીંગ માટેનું મશીન અને -80 ડિગ્રી સુધીનું ફ્રિજ વસાવાશે 

મહામારીની બીજી લહેરે સમગ્ર રાજ્યની મેડિકલ વ્યવસ્થાને ઉંધે કાંધ નાખી છે. ઓક્સિજનનો પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ સારવાર માટેના રેમડેસિવિર ઇન્જેક્શનો પણ મળતા નથી. કેટલાક સ્થળોએ આ ઇન્જેકશનનાં કાળા બજાર થતા હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી છલકાઈ ગઈ છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે 1400 બેઠકો ધરાવતી સગવડ ઊભી કરવાની તૈયારીમાં છે. જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ કામ કરાશે.

યુનિવર્સિટી આ હોસ્પિટલ બનાવવા માટે ક્ધવેન્શન સેન્ટરની જગ્યા પણ ફાળવી દીધી છે અને આ જગ્યાએ બુધવારે યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ પણ કરી લીધી છે. નજીકના દિવસોમાં અહીં પ્રથમ તબક્કામાં 200 અને બીજા તબક્કામાં 200 એમ 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનાવાશે. સંભવત એક-બે દિવસમાં આ હોસ્પિટલનું કામ પણ શરૂ કરી દેવાશે. રાજકોટમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે અને પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. શહેરમાં લોકોને ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળતા, કોરોનાના દર્દીને ઇન્જેક્શન નથી મળી રહ્યા, સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભરાવો થતા સમરસ હોસ્ટેલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરમાં પરિસ્થિતિ એવી છે કે નવી કોવિડ હોસ્પિટલ બનવાની સાથે જ હાઉસફુલ થઇ રહી છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને વધુને વધુ લોકોને સારવાર માટે, ઓક્સિજનની સુવિધા માટે, સારવાર અને ઓક્સિજનના અભાવે થતા મૃત્યુદરને અટકાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંયુક્ત રીતે કેમ્પસમાં બે તબક્કામાં કુલ 400 બેડની હોસ્પિટલનું નિર્માણ કરશે. યુનિવર્સિટીમાં જ્યારે 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે લોકોને સારવારની સાથે કોરોનાના એન્ટિજન કે આરટી-પીસીઆર ટેસ્ટ પણ યુનિવર્સિટીના ફાર્મસી ભવનની મદદથી થઇ શકે તેમ છે. જોકે તેના માટે કેટલાક સાધનો-મશીનરીની જરૂરિયાત રહેશે. ટેસ્ટ માટેનું મશીન અને માઈનસ 80 ડિગ્રી સુધીનું ફ્રીઝ વસાવવું પડે તો ટેસ્ટની પણ વ્યવસ્થા થઇ શકે છે.

ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાનગરપાલિકાને સાથે રાખી શહેરમાં 1000 બેડની હંગામી હોસ્પીટલ ઉભી કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ માટે સરકારી જમીન, મોટા પ્લોટ, પાર્ટી પ્લોટ સહિતના કંઈ જગ્યાએ અને કેટલા ચોરસ મીટર ઉપલબ્ધ છે તેની વિગત મહાનગરપાલિકા અને રૂડા પાસે મંગાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના દિવસે ને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે.

રાજકોટમાં 500થી વધારે કોરોના કેસો આવી રહ્યા છે. શહેરની સીવીલ હોસ્પીટલમાં જગ્યા મળતી નથી. સમરસ, કેન્સર, શહેરની 35 જેટલી ખાનગી હોસ્પીટલો પણ બેડ માટે વલખાં મારવાં પડે છે. આવી સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર વધારે બેડ ઉપલબ્ધ કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાનગરપાલિકા અને રૂડાના સહયોગથી રાજકોટ શહેરમાં 1000 બેડની હંગામી હોસ્પીટલ ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે થઈ મહાનગરપાલિકાની હદમાં અથવા તો રૂડા વિસ્તારમાં કોઈ મોટો હોલ અથવા તો ખુલ્લો મોટો પાર્ટી પ્લોટ મળી આવે તો યુદ્ધના ધોરણે ડોમ ઉભા કરી 1000 બેડની હંગામી હોસ્પીટલ શરુ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ માટેનો કાચો પ્લાન રાજય સરકારને મોકલી આપવામાં આવ્યો છે.

દરમ્યાન રાજકોટ શહેરમાં તમામ હોસ્પીટલો અને કોવિડ કેર સેન્ટરો હાઉસફુલ થઈ ગયા છે જયારે ગત કોરોના કાળમાં સમરસ હોસ્ટેલમાં 1 વિંગ કોવિડ કેર સેન્ટર તરીકે શરુ કરી 500 બેડની વ્યવસ્થા ઓકસીજન પાઈપલાઈન સાથેની તૈયાર કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યા હોય સમરસની બીજી વીંગમાં પણ વધારાના 500 બેડ ઓકસીજન પાઈપલાઈન સાથેના તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજની તારીખે સમરસમાં 682 બેડ ઓકસીજન પાઈપલાઈન સાથેના તૈયાર કરી દેવામાં આવ્યા છે જે પૈકીના 600થી વધારે બેડ ભરાઈ ગયા છે.

સમરસમાં 1000 બેડ ઓકસીજન પાઈપલાઈન માટેના તૈયાર કરવા માટે રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રાજય સરકારે સનદી અધિકારી મેહુલ દવેને આ કામગીરીનો હવાલો સોંપી દીધો છે. દરમ્યાન રાજકોટ શહેરમાં ટુંક સમયમાં 1000 બેડની હંગામી હોસ્પીટલ ઉભી કરવા માટે નજીકના વિસ્તારમાં બે હોલ અથવા તો એક મોટો પાર્ટી પ્લોટ મળી જાય તો તેમાં હળવા લક્ષણ ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ કરી સારવાર આપી શકાય, જેના કારણે સીવીલ, સમરસ અને કેન્સર પર લોડ ઘટે તેવુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું અંતમાં જાણવા મળેલ છે.રાજકોટની સીવીલ હોસ્પીટલમાં હાલ 900 બેડમાં દરરોજ 27000 લીટર ઓકસીજન વપરાઈ રહ્યો છે. સમરસ હોસ્ટેલમાં હાલ 600 બેડ ઓકસીજન પાઈપલાઈનના શરુ કરવામાં આવ્યા છે. ચાલુ સપ્તાહના અંતમાં સમરસમાં વધુ 400 બેડ ઓકસીજન પાઈપલાઈન સગવડતા સાથે શરુ થનાર છે ત્યારે સમરસ હોસ્ટેલમાં જો 1000 દર્દી દાખલ થાય તો એક દર્દી દીઠ દરરોજ 27 લીટર ઓકસીજન વપરાશને ધ્યાનમાં લઈએ તો સીવીલ હોસ્પીટલ કરતા પણ મોટી ઓકસીજન ટાંકી સમરસ હોસ્ટેલમાં ઉભી કરવી પડે તે સંદર્ભે હાલ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું અંતમાં જાણવા મળેલ છે.

એનઓસીના અભાવે અટવાયેલા ખાનગી હોસ્પિટલોના વધુ 400 બેડ છુટા થઈ શકે

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારની નજીક પહોંચી ગયો છે.રાજકોટમાં પણ દર્દીઓ બેડ માટે વલખા મારી રહ્યાં છે. રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમા તમામ ઓક્સીજન બેડ ફુલ થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા વધુને વધુ બેડની વ્યવસ્થા કરવામાં તેવી માંગ ઉઠી છે. રાજકોટની 10 એવી હોસ્પિટલો છે કે જેમાં 30 થી 40 બેડની સુવિધા 10 વેન્ટિલેટર સાથે ઉપલબ્ધ છે જો કે આ હોસ્પિટલમાં બે સિડી ન હોવાથી ત્યાં ફાયર એનઓસીના અભાવે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં બાધા આવી રહી છે. જો આવી હોસ્પિટલને જો ટૂંકા સમય માટે મંજૂરી આપવામાં આવે તો રાજકોટમાં નવા 400બેડની સુવિધા ઉપલબ્ધ બને. અત્યારે જ્યારે કોરોના દર્દીઓ ઓક્સીજન માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે તંત્રએ તાકીદે ઓક્સીજન વાળા બેડ ઉપલબ્ધ કરાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે.  રાજકોટની 10 એવી હોસ્પિટલ કે જેમાં કોરોના દર્દીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં આ મહામારીમાં ફાયર એન ઓ સીના વાંકે કોવિડ હોસ્પિટલ શરૂ કરી શકતા નથી. જો તંત્ર દ્વારા 24 કલાકમાં જ આવી હોસ્પિટલ શરૂ કરવા માટેની હાલ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો ઘણા દર્દીઓને સમયસર સારવાર મળી શકે તેમ છે. આવી તમામ હોસ્પિટલને તાકીદે ટૂંકા સમય માટે ફાયર એનઓસી આપી દેવા તંત્રએ નિર્ણય કરવો જરૂરી બન્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે બેડ મળી રહ્યા નથી ત્યારે પરિવારજનો પોતાના પરિવારના સભ્યોને એડમીટ કરાવવા માટે વલખા મારી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે 400 બેડની વ્યવસ્થા કરીને સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે ત્યારે હવે જો રાજકોટની 10 એવી ખાનગી હોસ્પિટલને થોડા સમય માટે એનઓસીનો પરવાનો મળે તો 400થી વધુ બેડ રાજકોટવાસીઓને ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આવી ખાનગી હોસ્પિટલના ડોકટરો પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તૈયાર છે ત્યારે જો મ્યુનિસિપલ કમિશનર તંત્ર સાથે બેઠક કરીને 24 કલાકની અંદર જો આવી હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપે તો દર્દીઓની મુશ્કેલી ઓછી થઈ શકે તેમ છે. તંત્રએ આ માટે તાકિદે નિર્ણય કરવો જોઈએ અને આવી હોસ્પિટલો રાજકોટમાં જલ્દી શરૂ થાય તો કોરોના સામેનો જંગ આપણે જીતી શકીએ તેમ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.