Abtak Media Google News

ઇન્દ્રભારતીય બાપુ, જિલ્લા કલેક્ટર સૌરભ પારધી, મ્યુ. કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારી-પદાધિકારીઓની હાજરીમાં પૂજનવિધિનો કાર્યક્રમ યોજાયો

કોરોનના પાપે ગઈકાલે દેવદિવાળીના મંગલ દીને શરૂ થતી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા બંધ રખાતા પરિક્રમાના ૩૬ કિલોમીટર લાંબા રસ્તાઓ અને ભવનાથ  સૂમસામ ભાસી રહ્યું છે. જો કે, લીલી પરિક્રમા ની દસકાઓ જૂની પરંપરા જાળવવા માટે ગત રાત્રીના ૧૨ વાગ્યે ભવનાથ ખાતે પૂજન વિધી કરવામાં આવી હતી, અને ૨૫ પ્રતિનિધિઓની પ્રતિતત્મક પરિક્રમા યોજાઇ હતી. કોરોનાના સંક્રમણ વધે નહી તે માટે આ વર્ષે સરકાર અને તંત્ર દ્વારા ખૂબ જ અભ્યાસ, લોકોની લાગણી, અને ચિંતન બાદ ગીરીવર ગિરનારની ફરતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે, દસકાઓથી યોજાતી લીલી પરિક્રમા બંધ રાખવામાં આવતા અમુક શ્રદ્ધાળુઓમાં ક્યાંક  નારાજગી છે પરંતુ બીજી બાજુ સરકારના અને તંત્રના આ નિર્ણયને પ્રબુદ્ધ અને શિક્ષિત લોકોએ ભારોભાર  આવકાર્યો પણ છે

આ વર્ષે આ પાવનકારી તથા આસ્થા અને અદભુત તથા કુદરતના ખોળે વિસ્તરેલી પ્રાકૃતિક સૌંદર્ય ને લખલૂટ લૂટાવતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડી જતાં લીલી પરિક્રમા યોજાઇ નથી જો કે, ગઈકાલે દેવઉઠી એકાદશ અને દેવ દિવાળીના રાત્રીના ૧૨ વાગ્યે સંતો શેરનાંથબાપુ, ઈન્દ્રભારતિ મહારાજ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મનપા કમિશનર તુષાર સુમેરા, મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ, ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્મા, ડે.મેયર હિમાંશુ પંડ્યા, કારોબારી ચેરમેન રાકેશ ધૂલેશિયા, સહિતના મનપાના  અધિકારીઓ તેમજ મનપાના કોર્પોરેટરની ઉપસ્થિતિ વચ્ચે માત્ર પૂજન વિધી કરી લીલી પરિક્રમાની પરંપરા જાળવવામાં આવી હતી.

Img 20201126 Wa0015

જો કે, તંત્ર દ્વારા પણ કોઈ યાત્રિક દ્વારા લીલી પરિક્રમા શરૂ ન થાય તે માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૧ ડીવાયએસપી, ૧ પી.આઈ, ૪ પીએસઆઇ, ૭૫ પોલીસ જવાનો, ૧૦૦ હોમ ગાર્ડ, ૫૦ જીઆરડી, આ ઉપરાંત ટ્રાફિક તેમજ મહિલા પોલીસ મળી છ અધિકારી સાથેની જુદી-જુદી ટીમ જૂનાગઢ શહેરનાં સોનાપુરી સમસાનથી જંગલ પ્રવેશના નાકા પર તેનાત કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત વન વિભાગ દ્વારા પણ વન અધિકારીઓ તથા વનકર્મીઓની જુદી-જુદી ટીમને પરિક્રમાના રૂટ પર બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

ગિરનારની લીલી પરિક્રમા એ સનાતન હિંદુ સંસ્કૃતિની પરંપરા છે અને આ પરંપરા જળવાઈ રહે તે માટે જ્ઞાતિ, સમાજ, ટ્રસ્ટ, ના ઉતારા મંડળ ભવનાથ દ્વારા કોરોના ગાઈડ લાઈન નું સંપૂર્ણપણે પાલન કરી ૨૫ જેટલા શ્રદ્ધાળુ પ્રતિનિધિઓએ ગત રાત્રિથી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો અને સાંજના સાત વાગ્યા સુધીમાં આ પરિક્રમા પૂર્ણ કરશે

આ અંગે જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરીયાના જણાવ્યા અનુસાર સનાતન હિંદુ સંસ્કૃતિની પરંપરા રૂપ લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે  લાખો શ્રદ્ધાળુઓની લાગણી છે ત્યારે અમારી એક વ્યક્તિ એક લાખ શ્રદ્ધાળુઓનું પ્રતિનિધિત્વ કરે તે રીતે ૨૫ લોકો દ્વારા ૨૫ લાખ લોકોનું પ્રતિનિધિત્વ સાથે આજે ગિરનાર પૂજા કરી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ ઉતારા મંડળ ભવનાથના પ્રતિનિધિઓ ભાવેશ વેકરીયાની આગેવાની નીચે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે અને સાંજના સાત વાગ્યા સુધીમાં આ યાત્રા પૂર્ણ કરી પરત આવિશું.

આમ ભાવેશ વેકરીયાની આગેવાની હેઠળ ગત રાત્રીના ભવનાથ ક્ષેત્રના સંતો, મહંતો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે ૨૫ લોકો દ્વારા પરંપરા જળવાય રહે તે રીતે પરિક્રમાનો પ્રારંભ કરાયો  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.