Abtak Media Google News

રાજકોટના સદગુરૂ આશ્રમ અને પાટડી ઉદાસી આશ્રમ સહિતના ધર્મસ્થાનો પર કાલે ઉજવાશે ગુરૂપૂર્ણિમા: રામકૃષ્ણ આશ્રમ, બગદાણા, પરબધામ, સતાધાર, ચોટીલા આપાગીગાનો ઓટલો, જામનગર આણંદા બાવા આશ્રમ સહિત નાના-મોટા ગુરૂ ગાદી સ્થાનોએ ગૂરૂપૂજનના કાર્યક્રમો: તમામ સ્થાનોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાયુ

ગૂરૂ ગોવિંદ દોનો ખડે, કિનકો લાગુ પાય, બલિહારી ગૂરૂ આપકી ગોવિંદ દિયો બતાય…. અષાઢ સુદ પૂનમ એટલે ગૂરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવામાં આવે છે. વર્ષની સૌથી મોટી પુનમ એટલે ગૂરૂપૂર્ણિમા… ગુરૂનું ઋણ ચૂકવાનો દિવસ એટલે ગૂરૂપૂર્ણિમા ગૂરૂપૂર્ણિમા મુખ્ય ધાર્મિક તહેવારોમાનો એક તહેવાર છે. દર વર્ષે ગૂરૂપૂર્ણિમાની સૌરાષ્ટ્રભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે.પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં છેલ્લા બે વર્ષથી સાદાઈથી કે ઓનલાઈન ઉજવણી થઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના ગામો-ગામ અને ગૂરૂ ગાદી સ્થાનોએ સાદગીસભર આયોજનો થયા છે.

પાટડી ઉદાસી આશ્રમે માત્ર ગુરૂપૂજન સાથે કાલે ગૂરૂપૂર્ણિમા મહોત્સવ સાદાઈથી ઉજવાશે. આ ઉપરાંત રાજકોટના સદગુરૂ આશ્રમમાં પણ આવતીકાલે ગુરૂવંદના કરવામાં આવશે. આજે રામકૃષ્ણ આશ્રમ, બગદાણા, પરબધામ, સતાધાર, ચોટીલા આપાગીગાનો ઓટલો, જામનગર આણંદાબાવા આશ્રમ સહિતના પ્રસિધ્ધ સ્થાનોએ પણ ખૂબ સાદગીસભર ગૂરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Dsc 0252

દર વર્ષે ગૂરૂપૂર્ણિમાની શાળા-કોલેજોમાં પણ ઉજવણી થતી હોય છે. ગૂરૂપૂર્ણિમા નિમિતે વકતૃત્વ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાતી હોય છે.જોકે છેલ્લા બે વર્ષથી ઉત્સવોને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ ઉત્સવ પ્રેમીઓ સાદાઈથી ઉત્સવો ઉજવી રહ્યા છે. ત્યારે આજે ગૂરૂપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા પણ અનેક ધાર્મિક સ્થાનોએ સાદગીસભર ઉજવાશે. આ ઉપરાંત કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનુંપાલન કરવામાં આવશે.ગૂરૂ ગાદી સ્થાનોએ આવનાર તમામ ગૂરૂભાઈઓ-બહેનોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિત તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ વર્ષે આજે અને કાલે એમ દિવસ ગૂરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

ગૂરૂપૂર્ણિમાની લોકવાયકા મુજબ માતા મત્સ્યગંધા અને પિતા પરાચરના પ્રભાવી પરમ પનોતા પુત્ર વેદ વ્યાસજીનું અવની પર અવતરણ થયું એની યાદમાં આ અનેરો ઉત્સવ ઉમંગભેર ઉજવાય છે. તેઓએ બદ્રીકાશ્રમમાં બોર આરોગી આરાધનાકરી હોય જેથી બાદરાયણ કહેવાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એટલે કે આપણામાં જ્ઞાનનું સિંચન કરે તે જ સાચો ગૂરૂ ગૂરૂ દુનિયાદારી, જીવન કઈ રીતે જીવવું તે શીખવે છે આખુ વર્ષ જ્ઞાન આપનાર ગૂરૂનું ઋણ અદા કરવાનો એક માત્ર દિવસ એટલે જ ગૂરૂપૂર્ણિમા ગૂરૂનું ઋણ ચુકવવું અશકય છે તેમ છતાં ગૂરૂપૂર્ણિમાએ શિષ્યો ગૂરૂપૂજન કરી દક્ષિણા આપી ગૂરૂ પ્રત્યેનો પોતાનો ભાવ વ્યકત કરે છે.

આજે પ્રથમ ગૂરૂ માતા-પિતા, બીજા શિક્ષક અને અનેક વિષયના નિષ્ણાંતો પણ હોઈ શકે. લિંગ પૂરાણ કહે છે કે જે શાસ્ત્રોના અર્થનો સંગ્રહ કહે છે. જનગણને આચાર શીખવે છે અને પોતે સદાચરણનું પાલન કરે છે તે જ આચાર્ય કહેવાય છે. સાચો શિક્ષક વિદ્યાર્થીને સાચી દિશા બતાવી યોગ્ય રસ્તે વાળે છે. દરેક વ્યકિતમાં રામ અન રાવણ વસે છે. પરંતુ જે વૃત્તિને પુષ્ટિ મળે તે વૃત્તિ પાંગળી ઉઠે છે. એટલે જ વિદ્યાર્થીઓમાં રહેલી સદવૃત્તિને જગાડે અને સાવધાન કરે એનું નામ શિક્ષક. એક શ્ર્લોકમાં કહેવાયું છે ઉતમ કલ્યાણ માર્ગને જાણવાની ઈચ્છાવાળા પુરૂષે અથવા મોક્ષની ઈચ્છાવાળા સાધકે શબ્દ બ્રહ્મ અને પરમ બ્રહ્મના નિષ્ણાંતો પરમ શાંત એવા સદગુરૂના શરણે જવું કારણ કે આવા સદગુરૂની મહિમા જ અનેરી છે.

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં આજે શુક્રવાર અને આવતીકાલે શનિવારના રોજ અનેક ધાર્મિક સ્થળોએ પૂજાવિધિ અને વિવિધ કાર્યક્રમો સાથે સાદગી પૂર્વક ગુરુપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવશે.

શહેરના ભવનાથ તળેટી ખાતે આવેલ ગોરક્ષનાથ આશ્રમમાં આજે સવારે 8 વાગ્યે બ્રહ્મલીન યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની સમાધિ પૂજન બાદ ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. તથા સંતવાણીના ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. તેમજ આશ્રમ ખાતે ચાલતું સદાવ્રત પરંપરા મુજબ ચાલુ રહેશે તેમ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાઠબાપુની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જ્યારે શહેરના જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે અને આખો દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે જે અંગે મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી એ જણાવ્યું હતું કે, રાધારમણ મંદિર સમિતિના ચેરમેન દેવનંદનદાસજી અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં સવારે નિજ મંદિરમાં ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. અને સાંજે 6 થી 7 દરમિયાન પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી, પૂજ્ય ગોપાલાનંદ સ્વામી, પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીનું સંતો અને ભકતો દ્વારા પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ચેરમેન દેવનંદન દાસજી, પૂજ્ય પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, પી પી સ્વામી, ધર્મકિશોર સ્વામી સહિતના સંતો હરિભક્તોને શુભકામના અને આશીર્વચન પાઠવવામાં આવશે.

જ્યારે ભવનાથમાં પંચ દસાનામ જૂના અખાડા ખાતે આવતીકાલે ગુરુપૂજન, પાદુકાપૂજન, હવન સહિતના કાર્યક્રમ ગિરનારી પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી મહારાજની નિશ્રામાં યોજાઈ રહ્યા છે. વિસાવદર તાલુકાના સતાધાર ધામ ખાતે આપા ગીગા ની જગ્યા ખાતે પૂજ્ય વિજય બાપુ ગુરુ મહંત જીવરાજ બાપુ ગુરુ શામજી બાપુના સાનિધ્યમાં આજે શુક્રવારે રાત્રીના ભજન સંતવાણી તેમજ શનિવારે ગુરુપૂજનના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે ગીરનાર ક્ષેત્રમાં આવેલ કમંડલ કુંડ ભગવાન ગુરુ દત્તાત્રેયના શિખર, જવાહર રોડ ઉપર આવેલા ભીડભંજન મહાદેવ ખાતે મહંત તનસુખગીરીબાપુની નિશ્રામાં અને કોમી એકતાના સ્વરૂપ એવા ઉપલા દાતાર બાપુની જગ્યાએ શનિવારના રોજ પૂજનવિધિ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.