આજે ભીમ અગિયારસ: શા માટે આજે ખેડૂતો કરે છે વાવણી

જેઠ સુદ અગીયારસને સોમવાર તા. 21-6-21 ના દિવસે ભીમ અગીયારસ છે ભીમ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે.ભીમ અગીયારસનું વ્રત કરવાથી આખા વર્ષની અગીયારસનું વ્રત કરવાનુ ફળ મળે છે આ દિવસે વ્રતમાં ઉપવાસ રહેવો અને શકય હોય તો પાણી પીધા વગર પણ આ વ્રત રહી શકાય છે.

આ દિવસે સવારે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય. ભગવાનને નૈવેદ્યમાં કેરી ધરાવી અને તેનો પ્રસાદ લેવો

પ્રાચીન મહત્વ:- પાંચ પાંડવોમાંથી ભીમ સિવાયના બધા જ એકાદશીનું વ્રત કરતા પરંતુ ભીમને ભોજન વગર ચાલે નહિ આથી ભીમસેને યાશમુનિના કહેવા પ્રમાણે જેઠ સુદ એકાદશીનું વ્રત પાણી પીધા વગર કરે છે. અને તેને આખા વર્ષની એકેદશીનું વ્રત કર્યાનું ફળ મળે છે. અને સિઘ્ધિ મેળવે છે અને યુઘ્ધમાં વિજય પણ મળે છે. આમ ભિમ અગીયારસનું વ્રત કરવાથી આખા વર્ષની અગિયારસ કર્યાનું ફળ મળે છે.

શુભ દિવસ:- લોક વાયકા અને પરંપરા પ્રમાણે ભીમ અગિયારસને દિવસે વાવણી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે પરંપરા અનુસાર આજે ધરતી પુત્રો પોતાના ખેતર વાડીમાં વાવણીનો આરંભ કરે છે.ખેડૂતો ભીમ એકાદશીના દિવસે ખેતરમાં વાવણી કરવાની શરુ આત કરે છે. ભીમ અગિયારસના દિવસે વરસાદ વરસે તેને ખેડૂતો મેઘરાજાની શુકનવંતી પધરામણી ગણે છે. આજે ખેડૂતો પોતાના ખેતીના ઓજારો ત્તથા બળદનું પૂજન કરી ખેતીકાર્યનો મંગળ પ્રારંભ કરે છે. ગ્રામ્યવિસ્તારોમાં આ પરંપરા આજે પણ જોવા મળે છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્ત્વ છે. ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી ભીમ અગિયારસે વરસાદ વરસતો નહોતો પરંતુ આ વર્ષે ભીમ અગિયારસ પૂર્વે જ વરસાદ વરસતા સારા ચોમાસાના એંધાણ મળે છે. આજે ભીમઅગિયારસના દિવસે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા અગિયારસનું મૂહર્ત સાચવતા જગતના તાતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

રિવાજ પ્રમાણે:- આપણે ત્યાં ભીમ અગિયારસ તહેવાર સાથે કેરી ખાવાનું મહત્વ અનેરું છે. આજે ભીમ અગિયારસના દિવસે ઘેર ઘેર રસ પુરીનું જમણ થાય છે. પરણેલી દિકરી પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવા પિયર પક્ષે આવે છે તેવો રીવાજ વર્ષોથી ચાલે છે.

આ દિવસે શ્રી ગાયત્રી જયંતિ પણ છે વેદ મા ગાયત્રી મંત્રનો મહિમા અપાર છે.શ્રી ગાયત્રી મંત્ર વેવનો છે આથી, સઁપૂર્ણ નીતિ નિયમ પાળી અને સમર્થ ગુરૂની આજ્ઞા લઇ અને ગાયત્રી મંત્ર બોલવો જોઇએ. ગાયત્રી મંત્રના નિત્ય જપ કરવાથી ખાસ કરીને આરોગ્ય સારૂ રહે છે.તથા જીવનના આધિ વ્યાધિ ઉપાધી દુર થાય છે.શ્રી ગાયત્રી મંત્રનો જપ દિવસના ભાગે કરવો હિતાવક છે.

જેઠ સુદ સોમવાર તા. 21-6-21 ના દિવસે માતાજી ગાયત્રીની પૂજા ઉપાસના કરવી ઉત્તમ છે. સોમવારની દિવસથી દક્ષિણાયનો પ્રારંભ થશે આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે રાજકોટનો સૂર્યોદય સવારે 6.04 કલાકે અને સૂર્ય અસ્ત સાંજે 7.32 આથી દિવસ 13 કલાક અને 27 મીનીટનો રહેશે. જામનગરમાં સૂર્યોદય 6.07 મીનીટે સૂર્યઅસ્ત 7.35 મીનીટે છે. જામનગરમાં દિવસ 13 કલાક અને 28 મીનીટનો રહેશે.જુનાગઢમાં સૂર્યોદય સવારે 6.07 કલાકે સૂર્ય અસ્ત સાંજે 7.32 જુનાગઢમાં દિવસ 13 કલાક અને 24 મીનીટનો રહેશે.