Abtak Media Google News

ડાબે શુભ અને જમણે લાભ લખવાની પરંપરા સાથે વચ્ચે સાથીયો કરાય છે. ચોપડામાં ‘શ્રી1ા’ લખીને નવલા વર્ષનો શુભ મુહુર્તમાં પ્રારંભ કરાય છે

અગિયારસથી આજ લાભ પાંચમ સુધીનાં સૌથી લાંબા હિન્દુ તહેવાર દિપોત્સવી પર્વ માનવામાં અનેરા ઉત્સાહ, આનંદનો સંચાર કરે છે. અંધકારથી પ્રકાશ તરફ જવાની યાત્રા શુકનવંતી લાભ-પાંચમનાં સૂર્યોદયે ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. જીવન યાત્રાના અને પરિવારના કુટુંબ નિર્વાહ માટે આર્થિક સુખની અનેરી આસ્થા એટલે લાભ પાંચમ

સંસાર યાત્રામાં સુખ દુ:ખની આવન જાવન સાથે તહેવારો જ આપણા જીવનમાં ઉમંગ લાવે છે. વિવાદ વગરનો દિવસ પસાર થાય છે કે રાત્રે શાંતિપૂર્વકની ઉંઘ આવી જાય તે પણ જીવનની લાભ પાંચમ જ છે. પરિવારના સભ્યો કે પાડોશી કે મિત્રને મુશ્કેલીમાં મદદ કરીને પણ લાભ પાંચમની ઉજવણી કરી શકાય.

શારીરિક ને માનસિક શાંતિનો લાભ સૌને મળે એ જ જીવનની સાચી લાભપાંચમ છે. શરીર સુખની સાથે દવાખાનામાં એકપણ પૈસો ખર્ચવો ન પડે તે એક પ્રકારે લાભ પાંચમનું અનેરુ સુખ જ છે. જીવનમાં મહેનત સાથે કર્મ પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાનું ધન આપણા જીવનમાં આવે તે આજની લાભ પાંચમનો શુભ સંકલ્પ સાથેની અર્ચના આરાધના હોય શકે છે.

લાભ પાંચમે આપણા ધર્મમાં શુભ મુહુર્ત અને પૂજા વિધિથી કાર્યનો પ્રારંભ કરવાની રસમ આદિકાળથી ચાલતી આવી છે. આ પરંપરા પેઢી દર પેઢીથી આજે પણ આપણે સૌ નિભાવી રહ્યા છીએ. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરુ કરે છે, અને તેના પ્રારંભે સૌ પહેલા કુમ કુમ તીલક કરીને ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.

અને હા વચ્ચે સાથીયો કરવાની પરંપરા પણ છે. ચોપડામાં ‘શ્રી સવા’ લખવાની પરંપરા પણ સદીઓથી ચાલતી આવી છે. આપણાં ગુજરાતમાં લાભ પાંચમનો દિવસ અતિ શુભ અને મહત્વનો ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.