Abtak Media Google News

બનારસ કે કાશી તરિકે પણ જાણીતું વારાણસી ગંગા નદીને તટે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. કાશીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હિંદી ભાષામાં એવું કહેવામાં આવે છે કે “काशी के कंकर शिव शंकर है” અર્થાત કાશીના પત્થરો પણ શિવશંકર છે.

ભારતમાં સર્વાધિક શિવાલયોની સંખ્યા જો કોઈ સ્થળે હોય તો તે કાશીમાં જ છે.  કાશીને રુદ્રમય માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામોથી જાણીતું આ નગર ત્રિશદળ પર વસેલું છે. જેનો સૃષ્ટિના પ્રલય સમયે પણ નાશ નહીં થાય. પ્રલયકાળમાં ભગવાન મહાદેવ આ સ્થળેથી જ સૃષ્ટિનો સંહાર કરે છે. તેથી જ તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાશીમાં મરણના મહિમા પાછળનું ધાર્મિક કારણ ખૂબ મહત્વનું છે. “કહેવાય છે કે ભગવાન મહાદેવ સ્વયં મરણોન્મુખ જીવને અહીંયા તારકમંત્ર સંભળાવે છે”, આ મંત્ર સાંભળવાથી જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આમ, જીવમાં બ્રહ્મ પ્રકાશિત થવાની માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર પણ કહેવામાં આવે છે. પ્રકાશના શહેરમાં મોક્ષ અંગેની આ માન્યતાને લીધે જ અહીં મૃત્યુનો વિશેષ મહિમા પણ છે.

વારાણસીમાં ગોદોલિયા ચોક પાસે વિશ્વનાથ ગલીમાં આવેલું વર્તમાન કાશી વિશ્વનાથ મંદિર સુવર્ણ મંદિર અથવા ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે, કારણકે આ મંદિરનો 15.5 મીટર ઉંચો કળશ સુવર્ણ જડિત છે. પ્રવર્તમાન કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતના સોમનાથ મંદિર વચ્ચે સામ્યતા એ છે કે બંને મંદિરો મુસ્લિમ આક્રમણખોરો કે શાસકો દ્વારા ધ્વંસ થયાં છે અને ફરીવાર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હિન્દૂ ધર્મમાં અતિ મહત્વ ધરાવતા એવા કાશી ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ છે. કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું દેશના વડાપ્રધાન હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ નવી સવલતથી હવે એક સાથે હજારોની સંખ્યામાં ભાવિકો ખૂબ સરળતાથી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી શકશે. વધુમાં આજના આ મહત્વના દિવસે અંદાજે 3 હજારની સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો પધાર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કાશીમાં અનેરો ઝગમગાટ જોવા મળ્યો છે. આજનો દિવસ આવનાર પેઢીના વારસા માટે મહત્વનો બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.