ભારતના બિસ્માર્કની આજે જન્મજયંતિ: રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું

ગુજરાતના બે સપૂત – ગાંધીજી અને સરદાર પટેલની જન્મજયંતી આ માસમાં આપણે દિલથી ઉજવી ખરી ? બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદ્ય વિભૂતિ તરીકેની ઊંચાઈ હાંસલ કરી. તેમણે દેશને સ્વરાજય અપાવ્યું. બીજા લોખંડી નરે રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. આ બંને નેતાઓ આપણા રોલ – મોડેલ બની શકે. જે પ્રજા પોતાના વીરપુરુષોને ભૂલી જાય છે તે પ્રજા માયકાંગલી કે નિર્વીર્યબની રહે છે. જે પ્રજાને પોતાનો ઇતિહાસ યાદ નથી રહેતો તે દેશની ભૂગોળ પણ વખત જતાં બદલાઈ જાય છે.

ભારતના બિસ્માર્ક  અને  ‘લોખંડી પુરુષ’  જેવા બિરુદો વડે બિરદાવાયેલા, ભારતની સ્વાતંત્ર્યસાધનામાં ગાંધીજી પછી અગ્રણીઓમાં અગ્રણી, ગુજરાતના ખેડૂતસમાજના મોભી અને માર્ગદર્શક, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અને વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલના વજ્ર જેવા કઠણ હૈયામાં ફૂલ જેવું કોમળ દિલ પણ હતું. એક જમાનામાં ગાંધીજીના કાર્યની ટિખળવૃત્તિથી ટીકા કરનારા આ યુવાન બેરિસ્ટર, ગાંધીજીના રંગે – સંગે રંગાઈ – રસાઈને એટલી હદ સુધી ગાંધી વિચારસરણીના ચાહક – હિમાયતી બની ગયા કે ખુદ ગાંધીજીને ઘણીવાર એમ કહેવું પડતું કે –  મારા કરતાં વલ્લભભાઈ આ બાબતમાં સાચો રાહ ચીંધી શકશે.

ધન્ય છે ગુર્જર માતાના એ પોતાના પુત્રને. ઈ.સ .૧૮૭૫ માં ૩૧ ઓકટોબરે ખેડા જિલ્લાના કરમસદમાં જન્મ . ઈ.સ. ૧૯૦૦ માં ગોધરામાં વકીલ થઈને અને બોરસદ તથા આણંદમાં વકીલાત કરીને સારી નામના મેળવી . ઈ.સ. ૧૯૧૦ માં ઇંગ્લેન્ડ જઈ, પહેલાં નંબરે પાસ થઈ બેરિસ્ટર બન્યા .

ઈ.સ. ૧૯૧૪ માં અમદાવાદમાં વકીલાત આદરી. ઈ.સ. ૧૯૧૫ માં અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા ને ૧૯૧૬ માં ગાંધીજીના પરિચયમાં આવી બીજે વર્ષે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી ૧૯૨૨ માં બોરસદના અને ૧૯૨૩ માં નાગપુરના ઝંડા સત્યાગ્રહની આગેવાનીલીધી. ૧૯૨૪થી ૧૯૨૮ સુધીઅમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ રહ્યા ૧૯૨૮માં બારડોલીની લડતમાં વિજયી બની સરદાર બન્યા  ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૩૫માં  પાર્લામેન્ટરી બોર્ડના  પ્રમુખ ચૂંટાયા ૧૯૪૭માં ભારત સ્વતંત્ર  થતા નાયબ વડાપ્રધાન  બન્યા ઈ.સ.  ૧૯૫૦ની પંદરમી ડિસેમ્બરે  તેમનું અવસાન થયું. સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી,  નરેશભાઈ ખીમાણી,  રઘુભાઈ  ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ લોખંડી પુરુષને જન્મજયંતીએ વંદન કર્યા છે.