Abtak Media Google News

વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી પણ ઘણા ચોક્કસ પહાડી પ્રદેશોમાં રહે છે. વળી ઘણા લોકો ત્યાં રહેતા નથી તો એ જગ્યાનો, માહોલનો આનંદ માણવા માટે પણ પહાડો પર થોડા દિવસો માટે રહેવા જાય છે. પર્વતો પર રહેલી કુદરતી હવા, પ્રદુષણ રહિત માહોલ સૌને આનંદ આપે છે.

જેમ ટ્રાવેલ ટુરીઝમ વધ્યું છે તેમ તેમ લોકો અન્ય વિસ્તારોમાં ફરવા કરતાં પર્વતો પર જઇને પોતાના રજાના દિવસો વિતાવવાનું વધારે પસંદ કરે છે પછી ભલે તે કોઈ યાત્રાધામ હોય, બરફીલા પ્રદેશો હોય કે દક્ષિણમાં આવેલા લીલોતરીથી સજ્જ પર્વતો હોય બધે જ રજાના દિવસોમાં કે વેકેશનમાં ભીડ જોવા મળે છે. વળી કોરોનાકાળમાં તો જયારે અમુક વિસ્તારોમાં ખુબ જ તકલીફનાં કારણે સંપૂર્ણ કાર્યભાર બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે કેટલાંક લોકો કામનો ભારો ઉતરતા જ પરિવાર સાથે મજા કરવા કે કોરોનાથી બચવા માટે પહાડો પર પહોચી ગયા હતા.

જો કે ત્યાંથી પણ ઘણાને કોરોના ડીટેકટ થયો અને પછી જ લોકોને આ વિષયની ગંભીરતા સમજાવા લાગી પરંતુ અહિ મુખ્ય બાબત એ છે કે કુદરતી રીતે નિર્માણ થયેલા એવા પર્વતો પર જરૂર કરતા વધુ માનવ વસાહત થતા, હવા, પાણી, જમીનનું પ્રદુષણ વધ્યું છે. ઉપરાંત નોઈસ અને લાઈટ પોલ્યુશન પણ વધારાના ઉમેરાયા છે. આવામાં પર્વતો પર રહેતી વન્ય જીવસૃષ્ટિનું શું ? શું માનવ બધે જ પોતાનું અસ્તિત્વ જમાવશે તો પ્રાણીઓનું ક્યાં જશે ? હા એ વાત સાચી કે પર્વતો પર જીવન ગુજારતા કેટલાક લોકો માટે આવકનું સાધન બનવા તેમજ ઇકોનોમી મેઈન્ટેનઇન રાખવા માટે ટ્રાવેલ ટુરીઝમ જરૂરી છે પરંતુ તેને લગતા અમુક ચોક્કસ કડક નિયમો તો હોવા જ જોઈએ. જેથી કુદરતી સંસાધનોનું પણ રક્ષણ થઈ શકે.

સંકલન: મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.