આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ : વિશ્વમાં 262 મિલિયન વિધવાઓમાં દર 10માંથી એક ગરીબી અવસ્થામાં, ભારતમાં 42 મિલિયન વિધવાઓ

જીવનસાથીની ખોટ વિનાશક છે, વિધવાઓના અવાજો અને લાચારી-મજબૂરી પરત્વે સમાજનું ધ્યાન દોરવા આ દિવસ ઉજવાય છે: આવી સ્ત્રીઓને આજીવિકાનો મોટો પ્રશ્ર્ન હોય છે તો સંતાનોની વિશેષ જવાબદારી પણ મુશ્કેલી સર્જે છે વિધવાઓને અન્ય સ્ત્રીઓ કરતાં વિશેષ સહાય મળવી જોઇએ પણ આજે પણ તેના માનવ અધિકારોનું હનન થાય છે: સમાજના કુરિવાજો સાથે ઘણી મુશ્કેલીનો સામનો આવી સ્ત્રીઓ કરે છે: પતિ ગુમાવ્યા બાદ હતાશામાં ગરકાવ કે સંજોગો સામે લડવાની કે ટકવાની શક્તિ સ્ત્રી મેળવે છે

આ વર્ષની થીમ: ‘અદ્રશ્ય મહિલા, અદ્રશ્ય સમસ્યાઓ’ ઘણાં સમાજોમાં સ્ત્રીની ઓળખ તેના જીવનસાથી સાથે જોડાયેલી હોય છે: પતિના મૃત્યુ બાદ તેને પડતી મુશ્કેલી વખતે સમાજનો સહયોગ જ તેને લાંબુ જીવન આપી શકે છે

આપણી સમાજ રચનામાં ‘સંસાર યાત્રા’ને બે પૈંડા એટલે પતિ-પત્નિ. બંનેમાંથી એકનું અવસાન બીજા માટે વધુ દુ:ખ દાયક બને છે. સ્ત્રી ગુજરી જાય તો પુરૂષ એકલો પડી જાયને પુરૂષ ગુજરી જાય તો સ્ત્રી એકલી પડી જાય છે. પુરૂષ પ્રધાન દેશમાં પુરૂષ ગમે તેમ તેનું જીવન જીવી જાય છે પણ પુરૂષ ગુજરી જાય તો તેની પાછળ તેની પત્ની અર્થાત વિધવા થઇ જાય છે જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણાં સમાજની રૂઢીઓ, રિત-રિવાજ, જ્ઞાતિ-સમાજના વિવિધ નિયમોની પરંપરા તેની યાતનામાં વધારો કરે છે. સૌથી મુશ્કેલી તો સંતાનના ઉછેર, શિક્ષણ સાથે આજીવિકાની હોય છે. આવી યાતનાઓ લાચારી, મજબૂરી, ક્રૂરતા, અસહયોગ, માનવીય હક્કોનું હનન જેવી ઘણી મુશ્કેલીઓ આવી સ્ત્રી સહન કરે છે.

આજે વિધવાઓને પડતી વિવિધ મુશ્કેલી પરત્વે ધ્યાન કેન્દ્રીત કરવા વિશ્વ વિધવા દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્ર્વમાં આદિકાળથી ચાલી આવતી વિવિધ મુશ્કેલીઓ આજના નવા યુગમાં પણ જોવા મળે છે. સમાજે આવી સ્ત્રીઓ પ્રત્યે નજરીયો હવે બદલવો પડશે અને એને પણ અન્ય સ્ત્રીની જેમજ જોવી પડશે, સાથ સહકાર આપવો પડશે. હાલ વિશ્વમાં એક અંદાજ મુજબ 262 મિલિયન વિધવાઓ છે તેમાં દર 10 પૈકી એક સ્ત્રી અત્યંત ગરીબીમાં જીવે છે. જીવનસાથી ખોટ વિનાશક જ હોય છે. આવી સ્ત્રીઓના અવાજો અને લાચારી-મજબૂરી પ્રત્યે સમાજનું ધ્યાન ખેંચવા અને આ સમસ્યાની જનજાગૃત્તિ લાવવા આ દિવસ ઉજવાય છે.

1827 પહેલા વિધવાઓએ તેમના સ્વર્ગસ્થ પતિના અંતિમ સંસ્કાર પર આત્મવિલોપન કરવું પડતું હતું. આપણાં દેશમાં પણ ઘણા બધા કુરિવાજો અમલમાં હતા. આજેપણ ઘણા સમુદાયોમાં વિધવા પ્રત્યેના ઘણા માની ન શકાય તેવા રિવાજો કે પ્રથા છે. 23 જૂન 1954નાં રોજ બુમ્બાની માતા વિધવા બની હતી તેની યાદમાં 2005માં આ દિવસ તેની યાદમાં ઉજવાયો જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2010માં માન્યતા આપતાં આ દિવસ વૈશ્ર્વિક રીતે ઉજવાય છે. પિતાના મૃત્યુને કારણે બાળકોને શાળામાંથી મૂકવાની ઘટનાઓ આજે પણ જોવા મળે છે. વિધવાઓ પરત્વે લોકો દૂર વ્યવહાર, પૂર્વગ્રહ સાથે ગરીબી જેવી ચિંતાઓનો ભાર આવી વિધવા ઉઠાવતી હોય છે. વિધવાઓના અધિકારો બાબતે સ્ત્રી સંગઠનો જાગૃત થતાં થોડો બદલાવ આવ્યો છે પણ આજે 21મી સદીમાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે.  આજના દિવસનો મુખ્ય હેતું તેમના બાળકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવી સુવિધા પુરી પાડવાનો છે. વિધવાઓની અવગણના કરવામાં આવે છે, તો સમાજ તેમના પતિની ખોટ માટે તેમને કસૂરવાન ઠેરવે છે. વિધવાઓને સમાજમાં ગુણવત્તા અને સમાન અધિકારો સાથે પૂરતી સ્વતંત્રતા આપવા દિવસ ઉજવાય છે.

આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વિધવા વસ્તી ધરાવતો દેશ છે. એક અંદાજ મુજબ ભારતમાં 42 મિલિયન વિધવાઓ છે, જે દેશની મહિલાઓની વસ્તીના 10 ટકા છે. વિધવાઓનું નિવાસસ્થાન ‘પતિ વિનાનું ઘર’ બની જતાં સમાજનો નજરીયો બદલાય છે અને તેની એકલતા, નાના સંતાનો, મજબૂરી-લાચારી જેવી અનેક સમસ્યાનો લોકો લાભ ઉઠાવી રહ્યા છે. ઘણીવાર પરિવારજનો જ તેમના પર અત્યાચાર કરતાં જોવા મળે છે. સ્ત્રી બનવું ક્યારેય સરળ નહોતું અને વિધવા બનવું એનાથી પણ વધુ પડકારજનક છે.

વિકાસશીલ દેશોમાં વિધવાની સ્થિતિ ઘણી વિકટ છે. આવા દેશોમાં તેમણે ગરીબી, હિંસા, સામાજીક કલંક અને સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણાં દેશમાં વિધવાઓને દર માસે પેન્શનનો લાભ અપાય છે. જે ખૂબ જ સારી બાબત છે. આવી સ્ત્રીઓને આજીવિકા ટકાવવા કે પગભર થવા આર્થિક સહયોગ સાથે ઘરેથી થતાં વિવિધ ગૃહ ઉદ્યોગો સાથે જોડીને તેનું જીવન ગુણવત્તાસભર બનાવવું જરૂરી છે. આવી સ્ત્રીઓ ઉપર હિંસા માટે આફ્રિકા અને એશિયાના દેશો પ્રચલિત છે. આ દેશોમાં વિધવાઓ ઉપર શારીરીક અને માનસિક ત્રાસનો ભોગ બને છે. પતિના દફનવિધીના ભાગરૂપે જીવલેણ પ્રથાઓમાં જોડવામાં આવે છે. નબળા પોષણ અને પર્યાપ્ત આશ્રયના અભાવે તેને પારાવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે.

વિધુર પુરૂષોના કુમારિકાઓ સાથે લગ્ન કરવાના પ્રચલિત રિવાજોને કારણે હિન્દુ સમાજમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા વધી રહી છે. વિધવાઓની સ્થિતિ આજે દયનીય જોવા મળે છે. આજના કુટુંબો સ્વાર્થી થઇ જતાં કોઇ સ્ત્રી વિધવા બને તો તેનો પરિવાર એના મૃત પતિની સંપતિનો રખેવાળ બની જાયને વિધવાને હાંકી કાઢે છે, પછી લાચાર વિધવા સમાજમાં તિરસ્કૃત જીવન વ્યતીત કરે છે. જો કે આજે હવે વિધવાઓ પણ બીજા લગ્ન કરીને ફરી જીવનને ધબકતું કરે છે. અમુક પરિવારો તો સામે ચાલીને પોતાના પુત્રની પત્નીને ફરી લગ્ન કરાવી આપીને સન્માનીત જીવન જીવવાનો રાહ ચીંધે છે. આજે વિધવાઓના સંતાનો સાથે સ્વીકારીને પણ ઘણા લોકો તેની સાથે લગ્ન કરીને પુણ્ય કાર્ય પણ કરે છે.

આપણાં દેશમાં મોક્ષની લાલચમાં હજારો વિધવાઓ બીજા લગ્ન કરતા નથી. કુપ્રથાઓ, રિવાજની શરૂઆત સતીપ્રથાના વિરોધ સમયે થઇ હતી. હિન્દુધર્મમાં વિધવાઓ માટે ખૂબ જ કઠોર નિયમો હતા, આજ સમયમાં બધાથી અલગ સમાજમાં સતીપ્રથાનું ચલણ હતું. પતિના મૃત્યુ બાદ તેની પત્નીને ઇચ્છા વિરૂધ્ધ પતિ સાથે ચિતા પર સુઇ જવું પડતું હતું. આ પ્રથાને રોકવા રાજા રામ મોહનરાયે આંદોલન, ચળવળો કરીને 1829માં સતીપ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. વિધવાના બીજા લગ્નને “નાતા” કહેવામાં આવતું. 1900ની સાલમાં પ્રથમવાર દેશમાં વિધવા આશ્રમોની શરૂઆત થઇ હતી.

આજના યુગમાં યુવાન ગરીબ વિધવાઓની વસ્તી સંખ્યા ચિંતાજનક છે. હાલ તેના બેંક એકાઉન્ટમાં દર માસે 1250 રૂા.ની સહાય ગુજરાત સરકાર જમા કરાવે છે, આ યોજનાને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના નામ અપાયું છે. સ્ત્રી-પુરૂષના રેશીયાની વિષમતામાં આજે વિધવાઓ સાથે પણ માણસો સહેલાયથી લગ્ન કરવા લાગ્યા છે જે એક સારી બાબત છે.

વિશ્વમાં સૌથી વધુ વિધવા મહિલાઓ આપણાં દેશમાં !!

એક અંદાજ મુજબ વિશ્ર્વમાં કુલ 262 મિલિયન વિધવાઓ છે. આ સંખ્યા પૈકી દર 10માંથી એક વિધવા અત્યંત ગરીબીમાં જીવે છે. વિશ્ર્વમાં સૌથી વધુ વિધવા મહિલા ધરાવતો દેશ ભારત છે, હાલ આપણાં દેશમાં 42 મિલિયનથી વધુ વિધવાઓ છે. આપણાં દેશની મહિલાઓની વસ્તીના 10 ટકા જેટલી આવી મહિલાઓ છે. આજના યુગમાં યુવાન ગરીબ વિધવાની વધતી વસ્તી ચિંતાજનક છે. આપણાં દેશમાં આજે પણ મોક્ષની લાલચમાં હજારો વિધવાઓ બીજા લગ્ન કરતી નથી. હિન્દુ ધર્મમાં એક જમાનામાં વિધવાઓ માટે કઠોર નિયમો હતો. આજે પણ ઘણા સમાજોમાં તેને માટે ઘણા કુરિવાજો, પ્રથાના અંકુશો લદાયેલા છે. 1829માં સતીપ્રથા બંધ કરવામાં આવી હતીને 1900ની સાલમાં પ્રથમવાર વિધવાઓ માટે રહેવા-જમવાની સગવડ સાથે આશ્રમ સ્થાપવામાં આવેલ હતો. વિધવાઓ પર હિંસા, અત્યાચારો, અધિકારોનું હનન જેવી ઘટના આફ્રિકા અને એશિયાના દેશોમાં વધુ જોવા મળે છે. આજની 21મી સદીના સમયમાં વિધવાઓ પણ બીજા લગ્ન કરીને ફરી નવી સંસારયાત્રામાં પગલા માંડે છે, આજે તો વિધવાઓને સંતાનો સાથે સ્વીકારીને પણ લગ્ન થતાં જોવા મળે છે. વિધૂર પુરૂષોના કુમારિકાઓ સાથે લગ્ન કરવાની પ્રચલિત રિવાજોને કારણે હિન્દુ સમાજનાં વિધવાઓ સાથે અનાથ બાળકોની સંખ્યા પણ વધતી જોવા મળે છે. આજના યુગમાં કુટુંબો સ્વાર્થી બનીને મૃતપતિની સંપતિનો રખેવાળ બની જાય છે, અને વિધવાને હાંકી કાઢવામાં આવે છે બાદમાં આવી સ્ત્રીઓ સમાજમાં તિરસ્કૃત જીવન વ્યતીત કરે છે. ઘણા લોકો અને સમાજો બદલાઇ રહ્યા છે ત્યારે પોતાના મૃત પુત્રની પત્નીને સામે ચાલીને બીજા લગ્ન કરાવીને પુણ્યકાર્ય પણ કરતાં જોવા મળે છે.