Abtak Media Google News

દરેક પ્રવર્તમાન યુગમાં આદર્શ બની રહેવા મહિલાઓ જો સીતા માતાના ગુણો પૈકીનો

માત્ર એક ગુણ પણ અપનાવી લે તો દરેક અગ્નિ પરિક્ષામાં પાસ થઇને જ રહે

રામાયણનું મુખ્ય પાત્ર અને વર્તમાન સમયમાં પણ પ્રત્યેક સ્ત્રી માટે ઉદાહરણરૂપ ‘જાનકી’ માં સીતાજીની આજે શુક્રવારે જાનકી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. વૈશાખ સુદ નોમને દર વર્ષે સીતા નવમી અથવા સીતા જયંતિ તરીકે મનાવાય છે. પુણ્ય નક્ષત્રમાં જ્યારે મિથિલા નરેશ મહારાજ જનક સંતાન પ્રાપ્તિની કામનાથી યજ્ઞભૂમિ તૈયાર કરવા માટે હળ ચલાવી રહ્યાં હતાં. એ જ સમયે પૃથ્વીમાંથી એક બાલિકા પ્રગટ થઇ જેનું નામ સીતા રાખવામાં આવ્યું હતું. ખેડેલી ભૂમિ તથા હળના આગળના ભાગને ‘સીત’ કહે છે. તેના પરથી તેનું નામ ‘સીતા’ રાખવામાં આવ્યું હતું. માતા જાનકી જ જગતની ઉત્પતિ, પાલન અને સંહાર કરનારી તથા સમસ્ત સંકટો અને કલેશોને હરનાર માં ભગવતી સીતા કલ્યાણ કરનારી રામવલ્લભા છે.

માં સીતાજીએ જ હનુમાનજીને તેની અસીમ સેવા ભક્તિથી પ્રસન્ન થઇને અષ્ટસિધ્ધિ નવનિધીઓનું વરદાન આપ્યું હતું. ભગવતી સીતાજીની પતિ-પરાયણતા, ત્યાગ, સેવા, સંયમ, સહિષ્ણુતા, લજ્જા, વિનયશીલતા જેવા ઉત્તમ મૂલ્યો ભારતીય સંસ્કૃતિમાં નારી ભાવનાનું ચરમોત્કૃષ્ટ ઉદાહરણ તથા પ્રત્યેક નારી જાતિ માટે અનુકરણીય છે.

જ્યારે પ્રભુ શ્રીરામ તથા લક્ષ્મણ વનવાસ સમયે વનમાં ભટકતા હતા તથા સીતાજીની ખોજ કરી રહ્યાં હતાં. ત્યારે માં પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યુ આ વનવાસી કોણ છે? શિવજીએ કહ્યું, તે સાક્ષાત પરબ્રહ્મ છે.

વેદાનુસાર જ્યારે માં પાર્વતી ભગવાન શ્રીરામની પરિક્ષા લેવા પહોંચ્યા એ વખતે સામેથી સીતા, રામ અને લક્ષ્મણ આવી રહ્યાં હતાં અને જ્યાં તેની દ્રષ્ટિ પડે છે ત્યાં તેને સીતા, રામ અને લક્ષ્મણજી આવતા દેખાય છે. આમ આ સમસ્ત જગત સીતારામ મય છે.

જાનકી, મૈથિલી, વૈદેહી નામકરણ

સીતાજીને જાનકી, મૈથિલી અને વૈદેહી તરીકે પણ સંબોધવામાં આવે છે. રાજા જનકના પુત્રી હોવાથી જાનકી, મિથિલાની રાજકુમારી હોવાથી મૈથિલી તથા રાજા જનક જેને વિદેહરાજ તરીકે પણ ઓળખવામાં આવતા હોવાથી વૈદેહી તરીકે સંબોધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.