આજે મધર્સ ડે : દવા કામ ન આવે તો નજર ઉતારે, મા છે હાર ક્યાં માને છે !
દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઇક ને કઈક નામ આપતો હોય છે. પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી. જે બાળક ને જન્મ આપે છે તો પણ પિતાનું નામ આપે છે. માનવીય જીવનમાં બાળકનાં જન્મ પછી એની આસપાસ અનેક સબંધો આપમેળે બંધાય છે પણ મા સાથેનો સંબંધ તો જન્મ પહેલા જ બંધાય જાય છે.
તૈતરયોપનિષદ’માં એક સંસ્કૃત વાકય છે, માતૃ દેવો ભવ’ એટલે કે માતા’ દેવ તુલ્ય છે.ભગવાન કૃષ્ણની માતા જશોદા મા એ તો આ માતૃત્વની ઊંડાઈ સાબિત કરી છે.
તે વિશ્વનાં સૌથી આદર્શ માતા મનાય છે.ભારતીય સંસ્કૃતિએ માતાને દેવ સમાન ગણી તેનું ગૌરવ વધાર્યું છે. માતાનાં વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. માતા હતાશની આશ છે, ભાંગ્યાની ભેરૂ છે, નાસીપાસની પ્રેરણા છે, વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે, માતાના ચરણતળે જ સ્વર્ગ છે.
જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે છે.માતાનાં વાત્સલ્યનું નિર્મળ ઝરણું સતત ગતિમાન હોય છે. તેમની કદર કરવી જોઈએ અને તેનું સાચા અર્થમાં સન્માન કરવું જોઈએ.
Mothers Day વિશ્વભરમાં માતા અને બાળકનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય.
મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. 9 મહિના સુધી ગર્ભમાં રાખવા અને પ્રસવ પીડા સહન કર્યા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે તો તે હર ક્ષણ મા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈપણ શબ્દ, લેખ કે ઉપાધિ ઓછી પડશે. તેના પ્રેમ અને સમર્પણની કીમત આખુ જીવન સમર્પિત કરીને પણ ચુકવી શકાતી નથી.
માતા કોઈપણ સ્વાર્થ કે ઈચ્છા વગર પોતાનું આખું જીવન પોતાના બાળકો માટે સમર્પિત કરે છે. માતા ઘર નિર્માતા હોય કે કામ કરતી મહિલા, તે હંમેશા પોતાના બાળકની ચિંતામાં રહે છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તેઓ આ બધું તેમના બાળકો માટેના પ્રેમથી કરે છે અને બદલામાં કંઈપણ માગતા નથી. તેથી મધર્સ ડે એ તેમનો આભાર માનવાનો સારો માર્ગ છે. આ દિવસે આપણે આપણી માતાને ભેટ આપી શકીએ છીએ, તેની સાથે ક્યાંક જઈ શકીએ છીએ અથવા તેના માટે કંઈક ખાસ પ્લાન કરીએ છીએ, જેથી તે આરામ કરી શકે અને ખુશ થઈ શકે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ? આપણે જાણીશું કે મધર્સ ડેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને તેની પાછળની વાર્તા શું છે.
મધર્સ ડે ઈતિહાસ
ચાલો તમને જણાવી દઇએ કે આ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ. જાર્વિસને જાય છે. તે 9 મે 1914 ના રોજ શરૂ કરાઈ હતી. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર આના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા અને તેમને કોઈ બાળકો પણ નથી . માતાના અવસાન પછી, તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન 9 મે 1914 ના રોજ તેને એક કાયદા તરીકે પસાર કર્યો. આ કાયદામાં લખ્યું છે કે મેના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવશે. ત્યારથી, તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે.